સોનામાં સતત આગળ વધતી મંદી, વર્લ્ડ માર્કેટમાં ભાવ ત્રણ મહિનાના તળિયે

20 February, 2021 11:00 AM IST  |  Mumbai | Mayur Mehta

સોનામાં સતત આગળ વધતી મંદી, વર્લ્ડ માર્કેટમાં ભાવ ત્રણ મહિનાના તળિયે

પ્રતીકાત્મક તસવીર

સોનામાં મંદીનો માહોલ છવાયો છે. વર્લ્ડ માર્કેટમાં છેલ્લા ૬ મહિનામાં સોનાના ભાવ વધ્યા મથાળેથી ૧૪ ટકા ઘટ્યા છે, જ્યારે ૨૦૨૧ના આરંભથી અત્યાર સુધીમાં સવાનવ ટકા ઘટ્યા છે. કોરોના વૅક્સિનની સફળતા અને ઇકૉનૉમિક રિકવરી ધારણા કરતાં સારી રહેતાં વર્લ્ડ માર્કેટમાં સોનાનો ભાવ ત્રણ મહિનાના તળિયે પહોંચ્યો હતો, જ્યારે લોકલ માર્કેટમાં સોનું સતત છઠ્ઠા દિવસે ઘટીને આઠ મહિનાના તળિયે પહોંચ્યું હતું. મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનું પ્રતિ ૧૦ ગ્રામ ૩૩૮ રૂપિયા અને ચાંદી પ્રતિ કિલો ૨૮૬ ઘટી હતી.

વિદેશી પ્રવાહો

સોનામાં ઘટાડાનો દોર આગળ વધ્યો હતો, કારણ કે અમેરિકન ટ્રેઝરી યીલ્ડ વધીને એક વર્ષની ઊંચાઈએ પહોંચતાં સોનાનું આકર્ષણ ઘટ્યું હતું. સોનાનો ભાવ શુક્રવારે એક તબક્કે ઘટીને ૧૭૬૫.૩૫ ડૉલર થયો હતો જે છેલ્લા ત્રણ મહિનાનો સૌથી નીચો ભાવ હતો. વર્લ્ડમાં કોરોના વાઇરસના કેસમાં સતત ઘટાડો અને અમેરિકા સહિત અનેક દેશોની ઇકૉનૉમિક રિકવરી ધારણા કરતાં વધુ સારી રહેતાં સોનાનું સેફ હેવન સ્ટેટ્સ સતત ઘટી રહ્યું છે. વળી અમેરિકાના પ્રેસિડન્ટ તરીકે બાઇડન જીતી ગયા બાદ ડૉલરનું સેફ હેવન સ્ટેટ્સ સુધરી રહ્યું છે. વર્લ્ડ માર્કેટમાં સોનું ચાલુ સપ્તાહે શુક્રવાર સુધીમાં ત્રણ ટકા ઘટ્યું હતું જે સાપ્તાહિક ઘટાડો નવેમ્બર પછીનો સૌથી મોટો હતો. સોનાના સથવારે ચાંદીએ પણ ૦.૬ ટકા ઘટીને ૨૭ ડૉલરની સપાટી તોડી હતી. પ્લેટિનમ અને પેલેડિયમના ભાવ પણ ઘટ્યા હતા. 

ઇકૉનૉમિક ઇન્ડિકેટર

અમેરિકાના જૉબલેસ કલેઇમ વીતેલા સપ્તાહ દરમ્યાન વધીને ૮.૬૧ લાખે પહોંચ્યા હતા જે અગાઉના સપ્તાહે ૮.૪૮ લાખ હતા. અમેરિકામાં જૉબલેસ કલેઇમમાં સતત બીજે સપ્તાહે વધારો નોંધાયો હતો. યુરો એરિયાનો પ્રોવિઝનલ મૅન્યુફૅક્ચરિંગ ગ્રોથ ફેબ્રુઆરીમાં સુધરીને ૫૭.૭ પૉઇન્ટે પહોંચ્યો હતો જે જાન્યુઆરીમાં ૫૪.૮ પૉઇન્ટ હતો અને ટ્રેડની ધારણા ૫૪.૩ પૉઇન્ટની હતી જ્યારે યુરો એરિયાનો સર્વિસ સેક્ટરનો ગ્રોથ સતત છઠ્ઠે મહિને ઘટીને ૪૪.૭ પૉઇન્ટે પહોંચ્યો હતો જે જાન્યુઆરીમાં ૪૫.૪ પૉઇન્ટ હતો અને ટ્રેડની ધારણા ૪૫.૯ પૉઇન્ટની હતી. યુરો એરિયાના મૅન્યુફૅક્ચરિંગ ગ્રોથમાં સુધારો થતાં ઓવરઓલ પ્રાઇવેટ સેક્ટરનો ગ્રોથ ફેબ્રુઆરીમાં ૪૮.૧ પૉઇન્ટે પહોંચ્યો હતો જે જાન્યુઆરીમાં ૪૭.૮ પૉઇન્ટ હતો. બ્રિટનના રિટેલ સેલ્સમાં જાન્યુઆરીમાં ૮.૨ ટકાનો ઘટાડો નોંધાયો હતો જે ગયા એપ્રિલ પછીનો સૌથી મોટો ઘટાડો હતો. જપાનનો મૅન્યુફૅક્ચરિંગ ગ્રોથ ફેબ્રુઆરીમાં વધીને ૫૦.૬ પૉઇન્ટે અને સર્વિસ સેક્ટરનો ગ્રોથ ઘટીને છ મહિનાના તળિયે ૪૫.૮ પૉઇન્ટે પહોંચ્યો હતો. ઇકૉનૉમિક ઇન્ડિકેટર સોના-ચાંદીની માર્કેટ માટે મિશ્ર હતા. અમેરિકાના નબળા જૉબડેટા સોનામાં વધુ ઘટાડાએ સુધારાનો સંકેત આપનારા હતા જ્યારે યુરો એરિયા અને જપાનના ડેટા સોનામાં વધુ મંદીનો સંકેત આપનારા હતા.

શૉર્ટ ટર્મ-લૉન્ગ ટર્મ

વર્લ્ડ માર્કેટમાં સોનાનો ભાવ ૨૦૨૦માં ઑગસ્ટ મહિનાના પ્રથમ સપ્તાહમાં વધીને ૨૦૬૭.૧૫ ડૉલર થયો હતો જે ઘટીને શુક્રવારે ૧૭૬૫ ડૉલર થયો હતો. ૨૦૨૧ના આરંભે સોનાનો ભાવ ૧૯૪૩ ડૉલર હતો. આમ સોનાનો ભાવ વધ્યા મથાળેથી માત્ર છ મહિનામાં ૩૦૦ ડૉલર એટલે કે લગભગ સાડા ચૌદ ટકા ઘટી ગયો છે. ૨૦૨૧ના આરંભથી છેલ્લા પોણા બે મહિનામાં ૧૭૮ ડૉલરનો એટલે કે સવા નવ ટકાનો ઘટાડો નોંધાયો છે. કોરોના વાઇરસની વૅક્સિનની સફળતા, ઇકૉનૉમિક રિકવરી અને ટ્રમ્પની કન્ટ્રોવર્સીયલ પ્રેસિડન્ટશિપના અંતની અસર સોનામાં ઓલરેડી થઈ ચૂકી છે. બાઇડનના ૧.૯ ટ્રિલ્યન ડૉલરના પૅકેજની મંજૂરી અને ત્યારબાદ ઇન્ફ્રાસ્ટ્રકચર સ્પેન્ડિંગમાં વધારો કરવાની દરખાસ્તની અસર હવે પછી સોનામાં જોવા મળશે ત્યારે સોનામાં શોર્ટ ટર્મ સુધારો એકાદ અઠવાડિયામાં જોવા મળી શકે છે. હાલ દરેક ઘટાડે સોનું ખરીદવાથી નુકસાન થવાનું જોખમ ઓછું છે પણ ફાયદો થવાની શક્યતા હવે વધી રહી છે.

ભાવ-તાલ

સોનું (૯૯.૯ ટચ, દસ ગ્રામ): ૪૬,૧૦૧

સોનું (૯૯.૫ ટચ, દસ ગ્રામ): ૪૫,૯૧૬

ચાંદી (.૯૯૯ ટચ, કિલોદીઠ): ૬૮,૪૧૪

(સોર્સઃઇન્ડિયન બુલિયન ઍન્ડ જ્વેલર્સ અસોસિએશન લિમિટેડ)

business news