વિપ્રોની રૂ.9500 કરોડની શૅર બાયબેક ઓફર

23 December, 2020 03:18 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

વિપ્રોની રૂ.9500 કરોડની શૅર બાયબેક ઓફર

ફાઈલ ફોટો

આઈટી ક્ષેત્રની અગ્રણી કંપની વિપ્રોએ રૂ.9500 કરોડના શૅર બાયબેકની ઓફરની જાહેરાત કરી છે. આ ઓફર 29 ડિસેમ્બરે ખૂલશે અને 11 જાન્યુઆરી, 2021ના રોજ પુરી થશે.

ગયા મહિને શૅરધારકોએ વિપ્રોની બાયબેક યોજનાને મંજૂરી આપી હતી. આ યોજના અંતર્ગત કંપની 23.75 કરોડ ઈક્વિટી શૅર્સને ઈક્વિટી શૅરદીઠ રૂ.400ના ભાવે કરશે. સંપૂર્ણ બાયબેકનું મૂલ્ય રૂ.9500 કરોડ જેટલુ હશે.

કંપનીને બજાર નિયામક સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)ની પણ મંજૂરી મળી છે. સૂચિત બાયબેકની પાત્રતા માટે કંપનીએ 11 ડિસેમ્બર, 2020ને રેકર્ડ ડેટ તરીકે નક્કી કરી છે.

11 જાન્યુઆરી, 2021ના રોજ પૂરી થનારી આ બાયબેક ઓફરની છેલ્લી સેટલમેન્ટ બિડ્સ 20 જાન્યુઆરી, 2021ના દિવસ સુધી અથવા તે પહેલા થશે.

વિપ્રોની હરીફ તાતા કન્સલટન્સી સર્વિસીસ (ટીસીએસ)એ પણ ઈક્વિટી શૅરદીઠ રૂ.3000માં રૂ.16,000 કરોડના બાયબેકની જાહેરાત કરી છે. 18 ડિસેમ્બરથી શરૂ થયેલી આ ઓફર પહેલી જાન્યુઆરી સુધી છે.

ગયા વર્ષે વિપ્રોએ રૂ.10,500 કરોડના બાયબેક કર્યા હતા, જેમાં 32.21 કરોડ શૅર્સને ઈક્વિટી શૅરદીઠ રૂ.325માં પુનઃખરીદી કરી હતી. તેમ જ વર્ષ 2017માં રૂ.11,000 કરોડ અને વર્ષ 2016માં રૂ.2,500 કરોડના બાયબેક કર્યા છે.

business news wipro