કોરોના વૅક્સિનથી મહામારીના અંત સાથે શું સોનાની તેજીનો પણ અંત આવશે?

01 December, 2020 10:47 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કોરોના વૅક્સિનથી મહામારીના અંત સાથે શું સોનાની તેજીનો પણ અંત આવશે?

ગોલ્ડ જ્વેલરી

સોનાની તેજીના એક તબક્કાનો અંત આવી રહ્યો છે કે પછી હવે તેજીનો અંત આવી રહ્યો છે એ અંગે અત્યારે મતમતાંતર છે. આ મહિને ફાઇઝર, મોડર્ના અને પછી એસ્ટ્રાઝેનેકા એમ ત્રણ વૅક્સિનની સફળતાના દાવા થયા છે. એવું લાગી રહ્યું છે કે ડિસેમ્બરમાં વૅક્સિન બજારમાં આવી જશે.

વૅક્સિન આવતા કોરોના વાઇરસની મહામારી, તેનો ડર અને તેને અંકુશમાં રાખવા માટેના નિયંત્રણ હટી જતાં આર્થિક અને સામાજિક પ્રવૃત્તિઓ ફરી ધમધમી ઊઠશે અને તેના કારણે સોનાના ભાવમાં સતત ત્રીજા સપ્તાહે ઘટાડો જોવા મળ્યો હતો. ગત સપ્તાહે બુધવારે ન્યુ યૉર્કના કૉમેકસ ઉપર ડિસેમ્બર વાયદો પૂર્ણ થયો અને એમાં તેજીમાં સૌથી છેલ્લે પ્રવેશેલા લોકો નફો બાંધી અથવા તો ખોટ ભેગી કરી નીકળી ગયા હોય એવી શક્યતા છે. હવે ખેલાડીઓ પોતાની નવી ટ્રેડિંગ સ્ટ્રેટેજી નક્કી કરશે. સોનામાં ખરીદી કરવી કે નહી, શું સોનામાં તેજી ચાલુ રહેશે કે નહીં? સોનાની તેજીમાં ૧૯૨૦ ડૉલરથી ઉછાળો જેટલો તીવ્ર હતો એટલો જ ઘટાડો પણ ઝડપી જોવા મળ્યો છે.

જોખમો સામે મૂડીની રક્ષા માટે સોનું શ્રેષ્ઠ સાધન છે પણ હવે જોખમ જ નહીં રહે એટલે પ્રોફિટ બુકિંગ ચાલી રહ્યું છે. ઑક્ટોબર સુધીમાં સોનામાં આકર્ષણ હતું. રોકાણકારોએ એક્સચેન્જ ટ્રેડેડ ગોલ્ડ ફન્ડ્સમાં ૯૦૦ ટનની ખરીદી કરી હતી જે ફક્ત વર્ષ કરતાં બમણી છે, પણ હવે ઊંચા ભાવે નફો બાંધવાનો સમય આવી ગયો છે એવું લોકો માની રહ્યા છે.

જોકે એક મત એવો પણ છે કે સોનું ફુગાવા સામે પણ રક્ષણ આપે છે. ૨૦૨૦ દરમ્યાન વાઇરસના કારણે વિશ્વભરના અર્થતંત્ર મંદીમાં સરકી પડ્યા છે અને તેને બહાર કાઢવા માટે વ્યાજનો દર શૂન્યની નીચે કે વિક્રમી નીચી સપાટીએ છે, કેન્દ્ર સરકારો અને સેન્ટ્રલ બૅન્કસ દ્વારા અબજો ડૉલર સિસ્ટમમાં ઠાલવવામાં આવ્યા છે. આ પુષ્કળ નાણાં પ્રવાહિતા ફુગાવો લાવી શકે છે અને જો એમ થાય તો સોનામાં ફરી રોકાણ થશે, કારણ કે બજારમાં શૂન્ય વ્યાજદર સામે સોનાના વધતા ભાવ મોંઘવારી સામે વધારે સારું રક્ષણ આપી શકે છે.

સામે એ યાદ રાખવું પણ જરૂરી છે કે વર્ષ ૨૦૦૮માં વૈશ્વિક નાણાકીય કટોકટી આવી હતી અને ૨૦૧૧માં પુષ્કળ નાણાં પ્રવાહિતાના કારણે ફુગાવો વધશે એવી ધારણાએ સોનું ઐતિહાસિક ઊંચી સપાટીએ પહોંચ્યું હતું. જોકે એ વખતે ફુગાવો વાસ્તવિક રીતે અંકુશમાં રહેતા ભારે વેચવાલી આવી હતી.

બીજી વાસ્તવિકતા છે કે સોનાના ભાવ અને શૅરબજાર એકબીજાથી વિપરીત ચાલે એવી લોકવાયકા આ વર્ષે સાચી નથી પડી. વાઇરસનો વ્યાપ વધતા બન્નેમાં માર્ચ મહિનામાં કડાકો જોવા મળ્યો હતો. જૂનથી શૅરબજાર અને સોનું બન્ને વધતાં રહ્યાં હતાં અને ઑક્ટોબરમાં વિક્રમી સપાટીને પાર કરી ગયા હતા એટલે સોનાના ભાવની વર્તણૂક, એમાં રોકાણ અને રોકાણનાં સાધનો પણ બદલાયાં છે એટલે સાધનો અને તેમાં રોકાણ કરનારા લોકોની માનસિકતાના આધારે તેમાં ભાવમાં વધઘટ આવી શકે.

business news coronavirus covid19