કોરોના-કટોકટી નવા વિશ્વનો પાયો નાખશે કે માનવ ભૂલોનું પુનરાવર્તન કરશે?

30 March, 2020 09:10 AM IST  |  Mumbai Desk | Sushma Shah

કોરોના-કટોકટી નવા વિશ્વનો પાયો નાખશે કે માનવ ભૂલોનું પુનરાવર્તન કરશે?

વૈશ્વિક કટોકટીના અંત પછી દુનિયામાં નેતૃત્વ લઈ નેતાઓ અને દેશ દ્વારા નવી દિશા નક્કી કરવામાં આવે છે. કેટલાક દેશો આ કટોકટીને તક સમજી, તક તરીકે ગણી અર્થતંત્રની ધુરા નક્કી કરે છે. જોકે વિશ્વની સૌથી મોટી બે કટોકટી–વિશ્વયુદ્ધ પછીની જેને ઇતિહાસકારો પોસ્ટ વૉર એરા કહે છે એના મૂળ આર્થિક હતાં. બન્ને સ્થિતિમાં આર્થિક જોખમોએ દેશ અને દુનિયાની સિકલ બદલી નાખી. કોરોના વાઇરસની વર્તમાન કટોકટી માત્ર આર્થિક નથી. આ કટોકટીથી લોકોના જીવને પણ જોખમ છે અને એટલે જ વિશ્વના કલ્યાણ માટે, માનવજાતિ માટે નવેસરથી વિચારવાનો સમય આવી ગયો છે. સાથોસાથ ભૂતકાળની ભૂલોથી પણ દૂર રહેવાની હાકલ થઈ રહી છે.

બે વિશ્વયુદ્ધ પછી દુનિયામાં નવી સંસ્થાઓ અસ્તિત્વમાં આવી કે વિશ્વમાં કોઈ એક દેશને તકલીફ પડશે તો બીજા દેશ કરતાં આ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ મદદ કરશે. એક દેશ કરતાં બીજો દેશ બહુ આગળ નીકળી જાય નહીં એટલે ફિક્સ્ડ ફોરેન એક્સચેન્જના વિનિમય દરનો પણ જન્મ થયો.
૧૯૭૦ની કટોકટી
સિત્તેરના દાયકામાં આરબ દેશોએ અમેરિકા, કૅનેડા, પોર્ટુગલ, બ્રિટન સહિતના દેશોને ક્રૂડ ઑઇલ વેચવામાં આવશે નહીં એવી જાહેરાત કરી એનર્જી ક્રાઈસિસ ઊભી કરેલી. આરબ દેશો એવું માનતા કે આ સાથી દેશો ભેગા મળી ઇઝરાયલને બહુ મદદ કરી રહ્યા છે અને તેલઅવિવ આરબ દેશો માટે, મુસ્લિમ સમાજ માટે ખતરો બની જશે. અનેક વાટાઘાટોના અંતે આ કટોકટીનો અંત આવ્યો, પણ અંતની સાથે બીજાં કેટલાંક ફળ પણ દુનિયાને મળ્યાં. ઑપેક રાષ્ટ્રસમૂહની સામે વિશ્વના જે દેશો પાસે ક્રૂડના ભંડારો હતા તેમણે ઉત્પાદન વધાર્યું, બ્રેટન વુડ્સ (એટલે કે નોટો છાપવા માટે સોનું ગીરવે મૂકવું) પ્રથાનો અંત આવ્યો. અમેરિકાએ પોતાની રીતે જે જે દેશોમાં ક્રૂડ ઑઈલના ભંડારો છે ત્યાં રોકાણ શરૂ કરવામાં આવ્યું, તેમને લશ્કરી મદદ થઈ, નાણાં આપવામાં આવ્યાં.
આની સાથે નવી મૂડીવાદી પરંપરાનો જન્મ થયો. નફો સર્વોપરી બન્યો અને મજૂરોને મળતું વેતન નબળું. ઉત્પાદકતા કે પ્રોડક્ટિવિટી આધારે આર્થિક ક્રાંતિનો જન્મ થયો. આ સ્થિતિમાં વિશ્વમાં સૌથી વધુ વસ્તી ધરાવતા ચીને પણ આર્થિક પ્રગતિના પ્રથમ પગરણ મૂક્યા. ચીને સરકારી નીતિઓના સહારે મૂડીવાદીઓને ઓછા ઉત્પાદન ખર્ચે, તેમની જ ચીજો સસ્તી બનાવવા માટે હાકલ કરી અને ચીન વૈશ્વિક આર્થિક મહાસત્તા બનવા તરફ આગળ વધ્યું. ટોકિયો, લંડન અને અમેરિકા નાણાંના મુખ્ય સ્રોત અને શાંઘાઈ ઉત્પાદનનું મુખ્ય સ્રોત.
૨૦૦૮ની કટોકટી
વર્ષ ૨૦૦૮ની વૈશ્વિક નાણાકીય કટોકટીનો જન્મ અમેરિકામાં થયો હતો. નાણાં સંસ્થાઓએ પોતાના સ્વાર્થ માટે કોઈ પણ પ્રકારે વધુ ને વધુ ગ્રાહકોને લોન આપવાનું શરૂ કર્યું, ગ્રાહકની લાયકાત હોય કે નહીં તેને લોન આપવામાં આવી. આ લોનને ફાઇનૅન્શિયલ એન્જિનિયરિંગ કરી એસેટ બેઝ્ડ સિક્યૉરિટીઝ તરીકે વેચી દેવામાં આવી. આ ઍસેટની કિંમત એટલી બધી ઘટી ગઈ કે લોન પણ ડિફૉલ્ટ થઈ, ઍસેટ બેઝ્ડ સિક્યૉરિટીઝ પણ.
અંતે એની અસર સમગ્ર અમેરિકન અર્થતંત્ર પર આવી અને એની અસરને કારણે વૈશ્વિક નાણાવ્યવસ્થા અટકી ગઈ. રોકડની અછત ઊભી થઈ ગઈ. વૈશ્વિક અર્થતંત્ર મંદીમાં સરી પડ્યું. ભારત જેવો દેશ કે જે મૂડી અને ઉત્પાદન માટે આયાતી નાણાં પર આધાર રાખે છે એને પણ આ મંદીની અસર થઈ.  
ઍસેટ્સના અને જામીનગીરીઓના ભાવ ઘટી ગયા. ફેડરલ રિઝર્વ અને વિશ્વભરની સેન્ટ્રલ બૅન્ક દ્વારા સતત વ્યાજદર ઘટાડી, તેને શૂન્યની નજીક લઈ જઈ, નાણાં સંસ્થાઓના આ કચરા ખરીદી તેની સામે ફન્ડ આપી વિશ્વને બચાવી લેવામાં આવ્યું. આનથી બૅન્કિંગ સિસ્ટમમાં જોખમો અંગે સજાગતા વધી પણ વૈશ્વિક અર્થતંત્રની દિશા બદલાઈ નહીં. મૂડીવાદી વિચારધારાના ચશ્માં પહેર્યા હોવાથી એટલું જ શીખડાવવામાં આવ્યું કે મંદી આવે એટલે વ્યાજનો દર ઘટાડવો જોઈએ, નાણાં પ્રવાહિતા વધારવી જોઈએ.
૨૦૨૦ની વર્તમાન કટોકટી
વર્તમાન કટોકટી વિશ્વ માટે નવી છે. આ માત્ર નાણાકીય જોખમ નહીં પણ લોકોની સુખાકારી સામે પણ જોખમ છે. અત્યારે તો અમેરિકા, બ્રિટન, ચીન કે યુરોપિયન સંઘ વધુને વધુ નાણાં બજારમાં ઠાલવી નાણાકીય વ્યવહાર ચાલતા રહે, નાણાકીય વ્યવહારની સાથે જેને નાણાંની અછત છે તેને મળતાં રહે અને જેની પાસે વધારે છે તે જરૂરિયાતવાળા લોકોને આપતા રહે એ રીતે કામગીરી કરી રહ્યા છે. ત્રણ જ મહિનામાં અચાનક જ આર્થિક વિકાસ કોઈ પણ ભોગે ટકી રહેવો જોઈએ એવી નવી વિચારધારા અમલમાં આવી છે. અમેરિકા
ફર્સ્ટ, કે ચીન લોકોને ટેરીફના નામે છેતરી રહ્યું છે એ વાત ગાયબ
થઈ ગઈ છે.
મૂડીવાદની વિચારધારા ગજબ છે
મૂડીવાદમાં એક ચોક્કસ વર્ગના, ઓછી સંખ્યા ધરાવતા લોકો અર્થતંત્રમાં મોટાભાગના સ્રોત (મૂડી, મકાન, જમીન, બિલ્ડિંગ, ફૅક્ટરી) ઉપર અધિકાર ધરાવતા હોય છે. બાકીના લોકો (જેમની સંખ્યા ઘણી વધારે હોય છે) તે કામદાર કે નોકરિયાત તરીકે કામ કરે છે અને તેમની સંપત્તિ સીમિત હોય છે.
કામદાર પોતાની કુશળતા વેચી પગાર રળે છે અને મૂડીવાદીઓ આ કામદારે બનાવેલું ઉત્પાદન વેચી બજારમાંથી નફો રળે છે.
મૂડીવાદીઓ એકબીજા સાથે વધુને વધુ સસ્તી ચીજ બજારમાં મૂકી સ્પર્ધા કરે છે અને આ સસ્તી ચીજ માટે તેમનો ઉત્પાદન ખર્ચ સીમિત રહે તે જરૂરી છે. આ ખર્ચ એટલે મજૂરોને આપવામાં આવતો પગાર. એટલે એમ કહી શકાય કે મૂડીવાદમાં કામદારો કરતાં નફો વધારે મહત્ત્વ ધરાવે છે.
મૂડીવાદીઓ એટલે જ કામદારોને નોકરી ઉપર રાખવા માટે સરળ કાયદા, શક્ય હોય એટલી ઓછી સામાજિક સુરક્ષા (વીમો વગેરે), જમીન મેળવવા માટે સરકાર પાસે ખાસ નીતિઓ ઘડવી, સરળ વ્યાજથી મૂડી એકત્ર કરવી કે ઓછો ટૅક્સ જેવી સવલતો પણ મેળવતા હોય છે. એટલે જ જ્યારે મંદીની વાત આવે ત્યારે વ્યાજદરમાં ઘટાડો, નાણાં પરત કરવામાં થોડી છૂટછાટ કે ઓછો ટૅક્સ જેવી માગણીઓ કામદારની નોકરીની રક્ષા કરવાના બહાના હેઠળ આગળ કરવામાં આવે છે.
એટલું ચોક્કસ કે ૨૦૨૦ની કટોકટી અલગ છે. અહીં સીધું જોખમ માનવજાતના જોખમ પર છે. વર્ષ ૨૦૨૦માં આર્થિક
વિકાસ કેટલો ઘટ્યો એના કરતાં
કોઈ પણ સરકારની સફળતા એના ઉપરથી નક્કી થશે કે વાઇરસના કારણે કેટલા ઓછા લોકોએ જીવ ગુમાવ્યો.
મૂડીવાદી માન્યતાથી તદ્દન અલગ રીતે વિચારણા ચાલી રહી છે, કારણ કે ભવિષ્યમાં મજૂર જીવતો હશે તો ફરી ઉત્પાદન શક્ય બનશે, મજૂરો કે જેની સંખ્યા મૂડીવાદીઓ કરતાં વધારે છે તે જીવતો હશે તો બજારમાં ઉત્પાદનનું વેચાણ શક્ય બનશે. આ નવું રિસ્ક છે અને એટલે જ સરકારો અલગ દિશામાં અત્યારે કામ કરી રહી છે. બ્રિટને પહેલ કરી નોકરિયાત વર્ગના ૮૦ ટકા સુધીનો પગાર સરકાર આપશે એવું પૅકેજ જાહેર કર્યું, અમેરિકાએ સીધા બેરોજગાર લોકોને ૧૦૦૦ ડૉલર જમા કરવામાં
આવશે તેવી જાહેરાત કરી, ભારત સરકારે પણ મજૂરો અને ગૃહિણીઓ માટે ડાયરેક્ટ ટ્રાન્સફરની જાહેરાત કરી છે.
આ સ્તુત્ય પગલું છે, પણ હજી મૂડીવાદી વિચારધારાની સાથે જ જોડાયેલું છે, હકીકતે સરકારે કંપનીઓ કે વર્ષોથી નફો રળતા મૂડીવાદીઓને આદેશ આપવાની જરૂર છે કે તમે આરોગ્ય ઉપર ખર્ચ કરો, વધુ રોકાણ કરી કોરોના વાઇરસનો ઉપચાર શોધો, વધુ રોકાણ કરી હૉસ્પિટલ બનાવો. અત્યારે દાન એકત્ર થઈ રહ્યું છે અને નહીં કે ભવિષ્ય સામે લડવાની શક્તિઓ. ભવિષ્યમાં આટલી મોટી કે વિકરાળ સમસ્યા આવી પડશે તો શું કરશો? તેના અંગે વિચારણા કરવાની જરૂર છે.
ભૂતકાળમાં સ્વાઈન ફ્લુ,  મર્સ, સાર્સ જેવા નોવેલ વાઇરસ આવ્યા હતા. આ બધા જ અત્યાર સુધીના વાઇરસ કરતાં અલગ હતા. ફાર્મા કંપનીઓએ તેના ઉપર સંશોધન કર્યું નહોતું કારણ કે તેની બજાર નહોતી. હવે રીસર્ચ માટે ખર્ચ થશે, કારણ કે એક વૈશ્વિક બજાર ઊભી થઈ ગઈ છે. એટલે કંપનીઓ પોતાની રીતે રસીઓ શોધવામાં ૨૪ કલાક રત છે. અબજોનો નફો રળ્યા બાદ હવે પોતાની ફૅક્ટરી વેન્ટિલેટર બનાવશે એવી જાહેરાત કરવામાં લોકો રત છે અને સ્માર્ટ ફોન પર બેઠેલા લોકો રેલવેના કોચને હૉસ્પિટલ બનાવો એવી સલાહ આપી રહ્યા છે. આમ થાય તો તેને સફળતા ગણાવે છે. તો પહેલાં કેમ હૉસ્પિટલ પાછળ રોકાણ કર્યું નહીં, વેન્ટિલેટર કેમ પહેલાં બનાવ્યા નહીં?
આ વાઇરસના કારણે કરોડો લોકો બેરોજગાર થઈ રહ્યા છે. લોકો હિજરત કરી વતન તરફ જઈ રહ્યા છે, અને એટલે વાઇરસની અસરોથી, રસી કે ઉકેલ શોધાયા પછી પણ બહાર આવતા લાંબો સમય લાગવાનો છે. આ સમય દરમ્યાન વૈશ્વિક નેતાગણ દ્વારા હળવા વ્યાજદર અને વધુ નાણાં પ્રવાહિતાના બદલે નવેસરથી વિચારવાનો સમય આવ્યો છે. આર્થિક ઉદ્દેશની સામે નફો ટકાવી રાખવાના બદલે અસ્તિત્વ ટકાવી રાખવા અંગે વિચારણા જરૂરી છે.
આ એવો સમય છે કે જેમાં દરેકને મેડિકલ બિલ ચૂકવવાની તાકાત હોય કે નહીં, આરોગ્ય સેવા ઉપલબ્ધ કરવાનો છે.
દરેકને શક્તિ હોય કે નહીં એક આશ્રય કેવી રીતે આપવો એ વિચારવાનો છે. આ એવો સમય છે કે જેમાં કામદારો, મજૂરો અને નોકરિયાતને શું આપવું જોઈએ એ વિચારવાનો છે. નહીં કે ડૉ. જોન્સ, નિક્કાઈ કે નિફ્ટી ઘટી રહ્યા છે એટલે સંપત્તિનું ધોવાણ થઈ ગયું છે તો મ્યુચ્યુઅલ ફન્ડને નાણાં પ્રવાહિતા આપવાનો.

business news coronavirus covid19