મ્યુચ્યુઅલ ફન્ડના ઉચ્ચ અધિકારીઓનાં મહેનતાણાં બાબતે સેબીનો નવો નિયમ શું રોકાણકારોને લાભ કરાવશે?

13 May, 2021 12:09 PM IST  |  Mumbai | Amit Trivedi

તાજેતરમાં સેબીએ બહાર પાડેલું એક પરિપત્ર મ્યુચ્યુઅલ ફન્ડ ઉદ્યોગમાં ચર્ચાસ્પદ બની ગયું છે. મ્યુચ્યુઅલ ફન્ડનું સંચાલન કરનારી ઍસેટ મૅનેજમેન્ટ કંપની (એએમસી)ના મુખ્ય અધિકારીઓનાં મહેનતાણાં બાબતનું આ પરિપત્ર હતું.

પ્રતીકાત્મક તસવીર

તાજેતરમાં સેબીએ બહાર પાડેલું એક પરિપત્ર મ્યુચ્યુઅલ ફન્ડ ઉદ્યોગમાં ચર્ચાસ્પદ બની ગયું છે. મ્યુચ્યુઅલ ફન્ડનું સંચાલન કરનારી ઍસેટ મૅનેજમેન્ટ કંપની (એએમસી)ના મુખ્ય અધિકારીઓનાં મહેનતાણાં બાબતનું આ પરિપત્ર હતું. મ્યુચ્યુઅલ ફન્ડની સ્કીમ્સના યુનિટધારકોનાં હિતને એએમસીના અધિકારીઓનાં હિતની સાથે સાંકળવાનો તેનો ઉદ્દેશ હતો. 

પરિપત્રમાં કહેવામાં આવ્યું છે કે અધિકારીઓને ચૂકવવામાં આવતા પગાર, વિશેષ લાભ, બોનસ, રોકડ સિવાયનું વેતન (કુલ વાર્ષિક સીટીસી (કોસ્ટ ટુ કંપની)), આવક વેરો તથા અન્ય વૈધાનિક ભંડોળમાં યોગદાન (દા.ત. પ્રોવિડન્ટ ફન્ડ અને નૅશનલ પેન્શન સ્કીમ)ને બાદ કરતાં ચૂકવાતું નેટ મહેનતાણું એના ઓછામાં ઓછા ૨૦ ટકા જેટલી રકમ રોકડ સ્વરૂપે ચૂકવવાને બદલે અધિકારી પોતે જે સ્કીમ સંભાળતા હોય એનાં યુનિટના સ્વરૂપે ચૂકવવી. 

મુખ્ય અધિકારીઓમાં કોણ કોણ સામેલ હશે એની ચોખવટ પણ પરિપત્રમાં કરવામાં આવી છે અને એ ઉપરાંત બીજી જોગવાઈઓ કરવામાં આવી છે. 

પરિપત્ર બહાર પાડવાનો હેતુ શું છે?
પરિપત્રનો મુખ્ય હેતુ મ્યુચ્યુઅલ ફન્ડના મુખ્ય અધિકારીઓને વધુ જવાબદેહ (અકાઉન્ટેબલ) બનાવવાનો છે. બીજા શબ્દોમાં કહીએ તો અધિકારીઓ ફન્ડની ઍસેટ્સનો ઉપયોગ ફક્ત પોતાના હિત માટે કરે અને રોકાણકારોનાં હિતને ભૂલી જાય એવું બને નહીં એ હેતુથી સેબીએ પરિપત્ર બહાર પાડ્યું છે. જો અધિકારીઓનાં પોતાનાં નાણાં પણ સંકળાયેલાં હશે તો તેઓ રોકાણના નિર્ણયો વધુ સારી રીતે લેશે એવું ગૃહિત માનીને સેબીએ ઉક્ત નિર્ણય લીધો છે. 

મ્યુચ્યુઅલ ફન્ડ ઉદ્યોગમાં નિયમનકારે આવો નિયમ કર્યાનો આ પ્રથમ કિસ્સો છે. વ્યવહારમાં તો ઘણા ફન્ડ મૅનેજરો અને એએમસીના મુખ્ય અધિકારીઓ પોતાની મેળે જ પોતાની સ્કીમમાં નાણાં રોકતા હોય છે. 

સેબીના નિયમનો અન્ય મુદ્દો ‘ક્લોબૅક’ની શરતને લગતો છે. અધિકારીઓને ચૂકવાતા પગાર બાબતે અમુક શરતોનો ભંગ થાય તો મહેનતાણામાંથી કાપી નખાતી રકમને ‘ક્લોબૅક’ કહેવામાં આવે છે. જો સેબીની નજરમાં અધિકારી આચારસંહિતાનો ભંગ કરે, તદ્દન બેદરકારીભર્યું કામ કરે અથવા કોઈ દગોફટકો કરે તો ‘ક્લોબૅક’ હેઠળ અધિકારીનાં યુનિટનું રિડમ્પશન કરીને એ રકમ સ્કીમમાં જમા કરવામાં આવશે એવું ઉક્ત પરિપત્રમાં કહેવામાં આવ્યું છે. 

રોકાણકારોને કેવી રીતે લાભ થશે?
મુખ્ય અધિકારીઓએ સ્કીમમાં ફરજિયાતપણે કરવા પડતાં રોકાણ બાબતે નિષ્ણાતોએ અનેક મંતવ્યો વ્યક્ત કર્યાં છે. એકે કહ્યું છે કે ફન્ડ મૅનેજરોનાં પોતાનાં નાણાં સ્કીમમાં રોકવામાં આવ્યાં હશે તો તેઓ બિનજરૂરી જોખમ નહીં લે. પ્રતિ પક્ષે દલીલ છે કે શું ફન્ડ મૅનેજરો કોઈ પણ જોખમ લેવાનું ટાળશે અને સ્કીમ બેન્ચમાર્ક ઇન્ડેક્સની જેમ જ ચાલશે? શું ફન્ડ મૅનેજરો વધુ વળતર મેળવવા માટેના પ્રયાસ કરવાનું જ છોડી દેશે? આજની તારીખે આ સવાલનો જવાબ આપવાનું મુશ્કેલ છે. ભવિષ્યમાં શું પરિસ્થિતિ સર્જાશે એ તો આવનારો સમય જ કહી બતાવશે. 
બીજી બાજુ, ક્લોબૅકનો નિયમ મોટા ભાગના નિષ્ણાતોને વાજબી લાગે છે. જોકે એ સવાલ ત્યારે ઊભો થશે જ્યારે રોકાણો ફરજિયાત હશે અને તેના માટે લૉક ઇન લગાડેલું હશે. 

ઉપરોક્ત મુદ્દાઓની ચર્ચા પરથી કહી શકાય કે મ્યુચ્યુઅલ ફન્ડ ઉદ્યોગ માટે નવા પ્રકારનો સમય શરૂ થઈ રહ્યો છે. જોકે એ પરિવર્તન બાદ પણ મ્યુચ્યુઅલ ફન્ડ ઇક્વિટીમાં રોકાણ અર્થે રોકાણકારો માટે સહેલો અને સુગમ રસ્તો રહેશે. 

સવાલ તમારા…
હાલ વ્યાજદર ઘણા નીચા ગયા છે. શું મારે ડેટ ફન્ડમાંથી નાણાં ઉપાડીને ઇક્વિટીમાં ખસેડવાં જોઈએ?
વ્યાજના દર નીચા ગયા છે એ વાત સાચી, પરંતુ હજી પણ ડેટ ફન્ડ ઇક્વિટીની તુલનાએ વધુ સલામત કહેવાય. રોકાણકાર હંમેશાં પ્રવાહિતા, સલામતી અને ઊંચા વળતર પર ધ્યાન આપતા હોય છે. કયા પ્રકારના મ્યુચ્યુઅલ ફન્ડ પાસેથી શેની અપેક્ષા રાખવી એ સમજવાનું અગત્યનું છે. લિક્વિડ ફન્ડ પ્રવાહિતા માટે આવશ્યક હોય છે, ડેટ ફન્ડ સલામતી માટે અને ઇક્વિટી ઊંચા વળતર માટે હોય છે. આ મૂળભૂત નિયમ બદલાતો નથી. ડેટ ફન્ડમાં પણ અમુક પ્રકારની સ્કીમમાં ઊંચું વળતર મળતું હોય છે, પરંતુ એમાં જોખમ પણ વધારે હોય છે. ડેટ ફન્ડમાં રોકાણ  કરતી વખતે તમે કોઈ ઉદ્દેશ રાખ્યો હશે. હવે સલામતી માટેનું એ રોકાણ મૂળભૂત રીતે જોખમી ઍસેટ એટલે કે ઇક્વિટીમાં વાળવાનું સલાહભર્યું નહીં કહેવાય.

business news