રશિયા-સાઉદી અરબ વચ્ચે ક્રૂડ ઑઇલના નીચા ભાવનું યુદ્ધ : કોને ફાયદો થશે?

11 March, 2020 07:34 AM IST  | 

રશિયા-સાઉદી અરબ વચ્ચે ક્રૂડ ઑઇલના નીચા ભાવનું યુદ્ધ : કોને ફાયદો થશે?

ક્રૂડ ઑઇલ

વિશ્વના ટોચના બે ક્રૂડ ઑઇલ નિકાસકાર ખુલ્લી તલવાર સાથે હવે યુદ્ધે ચડ્યાં છે. ૨૦૧૬માં ક્રૂડ ઑઇલની માગ કરતાં પુરવઠો વધી રહ્યો હોવાથી રશિયા સાઉદી અરબ સાથે ઓપેક રાષ્ટ્રસમૂહના ટેકામાં હતું. એક જ સપ્તાહમાં હવે બન્ને સામસામે આવી ગયા છે. ભાવ ઊંચા રહે, નિકાસકાર દેશોને ફાયદો થાય એવું સાડાત્રણ વર્ષ સુધી માનનારા આ બન્ને દેશો હવે ભાવ ઘટાડીને વધુ ક્રૂડ ઑઇલ વેચીને માર્કેટ શૅર મેળવવા માટે યુદ્ધે ચડ્યા છે.

ગયા શુક્રવારે કોરોના વાઇરસને કારણે વિશ્વમાં ક્રૂડ ઑઇલની માગ ઘટી રહી છે એટલે વધુ ઉત્પાદનકાપ મૂકવો જોઈએ અને એને માટે સાઉદી, ઈરાન અને અન્ય દેશો સહમત થયા, પણ રશિયાએ એમાં જોડાવાની ના પાડી દીધી. નારાજ રિયાધે એટલે જાહેરાત કરી કે પોતે એપ્રિલના નવા કૉન્ટ્રૅક્ટના ઑઇલના ભાવ ઘટાડી રહ્યું છે અને ઉત્પાદન પણ વધારશે. આ જાહેરાત સાથે વૈશ્વિક ભાવ છેલ્લાં ૩૦ વર્ષમાં ક્યારેય ઘટ્યા નહીં હોય એટલા (૩૦ ટકા) ઘટી ગયા અને એની અસરથી વૈશ્વિક નાણાબજાર હચમચી ઊઠ્યાં.

બન્ને દેશ સમૃદ્ધ છે. બન્ને દેશ પાસે અત્યારે ૫૦૦ અબજ ડૉલર જેટલું વિદેશી હૂંડિયામણ અનામત રૂપે પડ્યું છે અને જરૂર પડ્યે આ રકમનો ઉપયોગ કરીને નિકાસ ઘટે તો એનાથી પોતાના દેશમાં આર્થિક મંદીને ટેકો આપી શકે એમ છે.

રશિયાએ આ ઘટના પછી જાહેરાત કરી છે કે આગામી ૬થી ૧૦ વર્ષ સુધી ક્રૂડનો ભાવ ૨૫થી ૩૦ ડૉલર પ્રતિ બૅરલ રહે તો પણ ચિંતા નથી. સાઉદી અરબ માટે આ ભાવસપાટી ૩૦ ડૉલર પ્રતિ બૅરલ છે, પણ અરબ દેશ માટે આ ભાવે વધુ આવક રળવા વધુ ક્રૂડ વેચવું જરૂરી છે.

સાઉદી અરબ પાસે ૫૦૦ અબજ ડૉલરની અનામત છે અને એના જીડીપી સામે દેવું ૨૫ ટકા જેટલું જ છે એટલે એ હજી વધારે રકમ માર્કેટમાંથી ઊભી કરી શકે એમ છે. ૨૦૧૬ પછી અરબે બજારમાંથી લગભગ ૧૦૦ અબજ ડૉલર ઊભા કર્યા છે. વૈશ્વિક બજારમાં અત્યારે વ્યાજદર નીચા છે, બૉન્ડના યીલ્ડ ઘટેલા છે એટલે આ રીતે દેવું ઊભું કરવું સસ્તું પણ છે, પરંતુ અરબ માટે મોટી ચિંતા એ છે કે દેશનું ઇન્ફ્રા મજબૂત કરવા માટે ચાલુ પ્રોજેક્ટ માટે એણે ખર્ચ ઘટાડવો પડશે. ક્રૂડ ઑઇલના ભાવ ૩૦ ડૉલર આસપાસ રહે તો એની નાણાખાધ ૬.૪ ટકાના અંદાજ સામે વધીને ૧૦ ટકાને પાર થઈ જશે એવું અબુ ધાબી કમર્શિયલ બૅન્કનાં ચીફ ઇકૉનૉમિસ્ટ મોનિકા મલ્લિક માને છે.

બીજી તરફ રશિયાએ ૫૭૦ અબજ ડૉલરની અનામત એકત્ર કરી છે. રશિયાનું ચલણ રૂબલ હવે ફ્રી ફ્લોટ છે એટલે એનો ભાવ બજાર આધારિત છે અને જરૂર પડ્યે એનું અવમૂલ્યન શક્ય છે. ૨૦૦૮ની નાણાકીય કટોકટી કે ૨૦૧૪ના પશ્ચિમી દેશોના પ્રતિબંધ સામે રશિયા અત્યારે ક્રૂડ ઑઇલના નીચા ભાવનો સામનો કરવા માટે વધારે મજબૂત છે.

કુલ ૫૭૦ અબજ ડૉલરની અનામતમાં ૧૫૦ અબજ ડૉલર નૅશનલ વેલ્થ ફન્ડના છે જેનો ઉપયોગ માત્ર દેશની આંતરિક અર્થવ્યવસ્થા મજબૂત કરવા માટે થઈ રહ્યો છે. ક્રૂડના ભાવની અસરથી રૂબલ તરત જ ગબડી જાય નહીં એટલે રશિયન સેન્ટ્રલ બૅન્કે ૩૦ દિવસ સુધી વિદેશી ચલણમાં કોઈએ પણ દેવું કરવા પર પ્રતિબંધ મૂક્યો છે.

નીચા ક્રૂડના ભાવથી અમેરિકાને પણ નુકસાન થશે

ક્રૂડના ભાવ ૫૦ ડૉલરથી ઉપર રહેતાં અમેરિકામાં શેલ ઑઇલ ઉત્પાદકોને મોટો ફાયદો થયો હતો અને અમેરિકા માત્ર નિકાસકાર જ નહીં, પણ વિશ્વમાં અગ્રણી નિકાસ કરતો દેશ બની ગયો હતો. શેલ ક્રૂડ માટે જોકે અમેરિકન કંપનીઓએ ભારે માત્રામાં દેવું એકત્ર કર્યું છે.

શેલ ક્રૂડનું ઉત્પાદન અને એનું વેચાણ ૫૫ ડૉલર પ્રતિ બૅરલના ભાવે નફાકારક રહે છે, પણ જો ભાવ ૩૫ ડૉલર આસપાસ રહે તો એનાથી વ્યાપક નુકસાન થશે. અમેરિકામાં જન્ક બૉન્ડ માર્કેટનું બહુ મોટું રોકાણ શેલ ઉત્પાદક કંપનીઓમાં છે.

૨૦૧૪માં રશિયા અને સાઉદી અરબે અમેરિકાને પછાડી દેવા માટે એક પ્રયત્ન કરેલો, પણ ત્યારે બન્ને દેશોની હાલત નબળી હતી. આજે રશિયા અને અરબ બન્ને અબજો ડૉલરની અનામત પર બેઠા છે અને સામે શેલ ઉત્પાદકો પર જંગી દેવું છે એટલે જેટલી અસર રિયાધ અને મૉસ્કોના અર્થતંત્રને થશે એનાથી વધરે ખરાબ હાલત શેલ ઉત્પાદકોને થઈ શકે છે. 

business news russia saudi arabia