વ્યાજના દર ઘટવાથી રાહત કોને થઈ? ગ્રાહકોને ઓછો, કૉર્પોરેટને ફાયદો વધારે

10 August, 2020 09:57 AM IST  |  Mumbai

વ્યાજના દર ઘટવાથી રાહત કોને થઈ? ગ્રાહકોને ઓછો, કૉર્પોરેટને ફાયદો વધારે

પ્રતીકાત્મક તસવીર

ફેબ્રુઆરી ૨૦૧૯માં રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાએ રેપો રેટ (એટલે કે જે વ્યાજના દર પર બૅન્કો જરૂર પડ્યે રિઝર્વ બૅન્ક પાસેથી નાણાં એકત્ર કરે છે) ૦.૨૫ ટકા ઘટાડી ૬.૨૫ ટકા કર્યો હતો. ફેબ્રુઆરીના આ ઘટાડાથી અત્યારે રેપો રેટ ઇતિહાસના સૌથી નીચા સ્તર ૪ ટકા પર આવી ગયો છે. બૅન્કો અને સિસ્ટમમાં વ્યાજનો દર નક્કી કરવા માટે માપદંડ ગણાતા આ રેટમાં ૨.૫૦ ટકાનો ઘટાડો થયો છે. સીધી રીતે એમ કહેવામાં આવે છે કે રેપો રેટ ઘટે એટલે ગ્રાહકોને લોન સસ્તી મળે, તેમને પણ લોનના દરમાં ઘટાડો થાય.

હકીકતે બૅન્કો પોતાના ધિરાણમાં ઉપલબ્ધ ભંડોળના જે વ્યાજ ચૂકવે, એનો અન્ય ખર્ચ થાય અને પોતાનું નફાનું માર્જિન એટલે કે બૅન્કોની કોસ્ટ ઑફ ફંડ અને નેટ ઇન્ટરેસ્ટ માર્જિન વિશે યોગ્ય નિર્ણય લઈ વ્યાજનો દર કે ધિરાણ દર ઘટાડે છે. એટલે એવું જરૂરી નથી કે રેપો રેટ ઘટે એટલે ધિરાણનો દર પણ ઘટી જાય. બીજું, બૅન્કો માટે ઉપલબ્ધ ભંડોળમાં સૌથી મોટો હિસ્સો લોકોએ જમા કરાવેલી ડિપોઝિટનો હોય છે એટલે ધિરાણદર ઘટાડવાની સાથે લોકોની ડિપોઝિટ પરના દર પણ ઘટાડવામાં આવે છે,

લોકોને, કૉર્પોરેટને જે બૅન્ક ધિરાણ મળે છે એમાં એટલો સીધો લાભ મળ્યો નથી. ગવર્નર શક્તિકાન્તા દાસે આજે ધિરાણનીતિની સમીક્ષા કરતાં નિવેદનમાં જણાવ્યું હતું કે ‘બૅન્કોએ રૂપિયામાં આપેલી નવી લોનમાં સરેરાશ ધિરાણનો દર ફેબ્રુઆરીથી જૂન ૨૦૨૦ વચ્ચે ૧.૬૨ ટકા ઘટ્યો છે.’ રેપો રેટમાં ૨.૫૦ ટકાના ઘટાડા સામે આ ઘટાડો માત્ર ૧.૬૨ ટકા જ છે.

તો નીચા વ્યાજદરના ધિરાણનો ફાયદો થયો કોને?  સૌથી મોટો ફાયદો સરકારને થયો છે. સરકારના લાંબા ગાળાના બોરોઇંગ માટે માપદંડ મનાતા ૧૦ વર્ષના બોન્ડના યીલ્ડ ફેબ્રુઆરી ૨૦૧૯માં ૭.૪૧ની સરેરાશ પર હતા. મે ૨૦૨૦માં આ સરેરાશ આવી ગઈ છે ૫.૭૯ પર એટલે કે સરકાર જે દરે બજારમાંથી નાણાં ઉપાડે છે એના ઉપરનું વ્યાજ ઘટી ગયું છે. સરકારને આમાં ૧.૬૨ ટકાનો ફાયદો થયો છે. બીજો ફાયદો કૉર્પોરેટ ક્ષેત્રને અને ખાસ કરીને નૉન-બૅન્કિંગ ફાઇનૅન્સ કંપનીઓને થયો છે. બૅન્કો પોતે ધિરાણ આપી રહી નથી, પણ બૅન્કો પાસેથી ધિરાણ મેળવી નૉન-બૅન્કિંગ ફાઇનૅન્સ કંપનીઓ ગ્રાહકોને ધિરાણ આપે છે. ગવર્નર પોતે નોંધે છે કે દેશમાં કુલ ધિરાણ ૫.૬ ટકા ઘટ્યું છે, પણ બૅન્કોનું નૉન-બૅન્કિંગ ફાઇનૅન્સ કંપનીઓને ધિરાણ ૨૫.૭ ટકા વધ્યું છે!

નૉન-બૅન્કિંગ ફાઇનૅન્સ કંપનીઓ અને કૉર્પોરેટ પોતાના ક્રેડિટ રેટિંગ અનુસાર બજારમાંથી કમર્શિયલ પેપર કે અન્ય રીતે ધિરાણ નાણાં બોરો કરે છે અને એનો ઉપયોગ કરવામાં આવે છે. ફેબ્રુઆરી ૨૦૧૯માં સારી શાખ કે ટ્રીપલ-એ એવું ક્રેડિટ રેટિંગ ધરાવતી કંપનીઓના કમર્શિયલ પેપર પર ન્યૂનતમ ધિરાણનો દર ૬.૩૬ ટકા હતો જે મે ૨૦૨૦માં ઘટી માત્ર ૩.૧૩ ટકા થયો છે એટલે કે વ્યાજનો દર ૩.૨૩ ટકા ઘટી ગયો છે.

ગ્રાહકોને તો વ્યાજની આવક ઘટી

રેપો રેટમાં ઘટાડા સાથે અગાઉ જણાવ્યું એમ બૅન્કોએ પોતાના ભંડોળ પરનો ખર્ચ ઘટાડવા માટે વ્યાજનો દર ઘટાડ્યો છે. બચત ખાતા પર ફેબ્રુઆરીમાં સરેરાશ ૩.૫૦ ટકાથી ૪ ટકા વ્યાજ મળતું હતું, જે હવે ઘટી ૨.૭૫ ટકાથી ૩.૫૦ ટકા થઈ ગયું છે. એક વર્ષની ફિક્સ્ડ ડિપોઝિટ પર વ્યાજનો દર ૬.૨૫થી ૭.૫૦ ટકા હતો જે હવે ઘટી ૫.૧૦ ટકાથી ૫.૯૦ ટકા થઈ ગયો છે. એટલે બચત ખાતા પર સરેરાશ વ્યાજ ૦.૫૦ ટકાથી ૦.૭૫ ટકા ઘટી ગયું છે અને ફિક્સ્ડ ડિપોઝિટ પરનું વ્યાજ ૧.૧૫ ટકાથી ૧.૬૦ ટકા ઘટી ગયું છે.

business news