ઑનલાઈન સરકારી મંડી ઈ-નામમાં ઘઉં અને ચણાનું વેચાણ એમએસપીથી નીચા ભાવે થયા

08 April, 2021 02:48 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઈ-નામમાં ઘઉંના ભાવના લઘુતમ ભાવ ૧૪૦૪ રૂપિયા અને મહત્તમ ભાવ ૧૮૪૧ રૂપિયા છે

પ્રતીકાત્મક તસવીર

કેન્દ્ર સરકાર એક તરફ ઈ-નામ ઑનલાઈન મંડીનો પ્રચાર-પ્રસાર વધારે કરી રહી છે ત્યારે આ સરકાર દ્વારા ચાલતી મંડીમાં ઘઉં અને ચણા જેવા મુખ્ય રવી પાકોના ઑક્શન ભાવ હાલ એમએસપી (મિનિમમ સપોર્ટ પ્રાઇસ)થી  ક્વિન્ટલે ૨૦૦થી ૩૦૦ રૂપિયા નીચા બોલાઈ રહ્યા છે.

ઈ-નામમાં ઘઉંના ભાવના લઘુતમ ભાવ ૧૪૦૪ રૂપિયા અને મહત્તમ ભાવ ૧૮૪૧ રૂપિયા છે, જેની સામે સરકારે આ વર્ષ માટે ઘઉંની એમએસપી ૧૯૭૫ રૂપિયા નક્કી કરી છે. એ જ રીતે ચણાની એમએસપી પ્રતિ ક્વિન્ટલ ૫૧૦૦ રૂપિયા ચાલે છે, જેની તુલનાએ ઇ-નામમાં ઑનલાઈન ભાવ રાજસ્થાનની કેટલીક મંડીઓ માટે ૪૩૬૦ રૂપિયા અને યુપીમાં ૪૪૦૦ રૂપિયા ભાવ ચાલી રહ્યા છે. મધ્ય પ્રદેશની મંડીમાં ૪૭૭૧ રૂપિયાના ચાલી રહ્યા છે. આમ તમામ મંડીમાં ચણાના ભાવ એમએસપીથી નીચે ચાલી રહ્યા છે જેનાથી ખેડૂતોને મોટું નુકસાન થઈ રહ્યું છે.

કૃષિ અર્થશાસ્ત્રી દેવેન્દ્ર શર્માએ આ બાબતે જણાવ્યું હતું કે સરકારે આધુનિકતાના નામે નવા પ્લૅટફૉર્મ શરૂ કર્યાં છે, પરંતુ તેમાં ખેડૂતોને એમએસપીથી નીચે ભાવ મળે તો તેનો કોઈ અર્થ રહેતો નથી. સરકાર ઈ-નામમાં મૉડલ ભાવ એમએસપી લેવલના જ્યાં સુધી નહીં બનાવે ત્યાં સુધી ખેડૂતોને ઈ-નામ સરકારી મંડીનો ફાયદો મળવાનો નથી.

 

દેશમાંથી ઘઉંની એમએસપીથી ૩.૪૯ લાખ ટનની ખરીદી સંપન્ન

દેશમાંથી ઘઉંની એમએસપીથી ખરીદી હવે વેગ પકડી રહી છે અને સરકારી આંકડાઓ મુજબ અત્યાર સુધીમાં કુલ ૩.૪૯ લાખ ટનની ખરીદી સંપન્ન થઈ ચૂકી છે. ફૂડ કૉર્પોરેશન ઑફ ઇન્ડિયા (એફસીઆઇ)ના આંકડાઓ પ્રમાણે દેશમાં હાલ હરિયાણા, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, ગુજરાત અને રાજસ્થાનમાંથી એમએસપીથી ઘઉંની ખરીદી ચાલુ છે અને બાકીનાં રાજ્યોમાં આગામી સપ્તાહથી ખરીદી ચાલુ થવાનો અંદાજ છે. ઘઉંની ખરીદી સરકારે કુલ ૪.૪૫ લાખ ખેડૂતો પાસેથી કરી છે અને જેની કુલ રકમ ૬૯૦.૮૨ કરોડ રૂપિયાની થાય છે.

સરકારી એજન્સી દ્વારા હાલ સૌથી વધુ ખરીદી મધ્ય પ્રદેશમાંથી ૨.૫થી ૩ લાખ ટનની કરવામાં આવી છે, જ્યારે હરિયાણા, ઉત્તર પ્રદેશ, રાજસ્થાનમાં પણ થોડી-થોડી ખરીદી ચાલુ થઈ છે.

business news