સોનાની આયાત-ડ્યુટીમાં અણધાર્યા જંગી વધારાથી બુલિયન માર્કેટમાં કેવા ફેરફાર જોવા મળશે?

04 July, 2022 02:35 PM IST  |  Mumbai | Mayur Mehta

સોનાની સતત વધતી આયાતને રોકવા માટે ડ્યુટી વધારાતાં બહારના દેશોમાંથી ડ્યુટી-ફ્રી સોનું ઠલવાશે : સોનું મોંઘું થતાં લોકો લગ્ન-તહેવારોની ખરીદી ઘટાડશે કે પછી જૂનું સોનું માર્કેટમાં વધુ વેચશે?

પ્રતીકાત્મક તસવીર

સોનાની આયાત-ડ્યુટીમાં અચાનક આટલો મોટો વધારો થશે એવું કોઈએ ધાર્યું નહોતું. રૂપિયાની મંદી અને કરન્ટ અકાઉન્ટ ડેફિસિટને રોકવા સરકાર અન્ય કોઈ પગલાં લેશે એવું જ બધાએ વિચાર્યું હતું, કારણ કે હજી પાંચ મહિના અગાઉ જ બજેટમાં સરકારે સોનાની આયાત-ડ્યુટીમાં ઘટાડો કરીને ભારતની ગોલ્ડ જ્વેલરીની નિકાસ વધે એ માટે પ્રોત્સાહન આપવાનું મન મનાવ્યું હતું ત્યારે એકાએક સોનાની આયાત-ડ્યુટીમાં અત્યાર સુધીનો સૌથી મોટો વધારો કરવાનો નિર્ણય આવી પડ્યો છે.

સોનાની આયાત મે મહિનામાં અક્ષય તૃતીયાના તહેવારોની જંગી લેવાલીને કારણે મોટા પ્રમાણમાં વધી હતી એને કારણે ભારતની કરન્ટ અકાઉન્ટ ડેફિસિટ મોટા પ્રમાણમાં વધી હતી અને રૂપિયો અત્યાર સુધીની સૌથી નીચી સપાટીએ ૭૯ના લેવલને પાર કરી ગયો હતો. આ સંજોગોમાં સરકારને કોઈ ને કોઈ પગલાં લેવાં પડે એવી સ્થિતિ હતી.

ખેર, સોનાની આયાત-ડ્યુટી ૭.૫ ટકાથી વધીને ૧૨.૫ ટકા થતાં ઇફેક્ટિવ ડ્યુટી ૧૫ ટકા અને ત્રણ ટકા જીએસટી (ગુડ્સ ઍન્ડ સર્વિસિસ ટૅક્સ) ઉમેરતાં સોનાની ખરીદી પર ૧૮ ટકા વધારે ખર્ચ કરવો પડે છે. દુબઈથી આ ડ્યુટીના વધારાથી ભારત સોનું લાવવા માટે ૧૮ ટકા નીચા ભાવે સોનું મળશે. આયાત-ડ્યુટી વધારા બાદ શનિવારે ભારતમાં સોનાનો ભાવ પ્રતિ ૧૦ ગ્રામ ૫૨,૮૦૦ રૂપિયા હતો એની સામે દુબઈમાં સોનાનો ભાવ પ્રતિ ૧૦ ગ્રામ ૪૬,૪૦૦ રૂપિયા હતો. આમ મુંબઈ કરતાં દુબઈમાં સોનું પ્રતિ ૧૦ ગ્રામ ૬૪૦૦ રૂપિયા સસ્તું થશે, આથી સોનાનું સ્મગલિંગ વધશે એવો ભય કેટલાક ઇન્ડસ્ટ્રીઝના આગેવાનો વ્યક્ત કરી રહ્યા છે, પણ કેટલાકના મતે કોઈ ફેર નહીં પડે.

સોનાની આયાત-ડ્યુટીમાં વધારો થયા બાદ છેલ્લા બે દિવસમાં સોનાના ભાવમાં મુંબઈમાં પ્રતિ ૧૦ ગ્રામ ૯૨૮ રૂપિયાનો વધારો થયો છે, પણ ચાલુ સપ્તાહમાં સોનામાં હજી વધુ પ્રતિ ૧૦ ગ્રામ ૧૦૦૦થી ૧૫૦૦ રૂપિયા વધવાનું મોટા ભાગના જ્વેલર્સ કહી રહ્યા છે

સોનાની આયાત-ડ્યુટી વધતાં આગામી મહિનાઓમાં સોનાની આયાતમાં બ્રેક લાગશે, કારણ કે અગાઉ જ્યારે પણ સોનાનો ભાવ ૫૦,૦૦૦ રૂપિયાની ઉપર ગયો છે ત્યારે માર્કેટમાં જૂનું સોનું વેચવાનું એકાએક વધે છે, એથી હાલમાં ચાલી રહેલી લગ્નની સીઝન અને ત્યાર બાદની તહેવારોની ખરીદીમાં લોકો નવા દાગીના બનાવવા માટે નવું સોનું ખરીદવાને બદલે જૂના દાગીના તોડાવીને નવા દાગીના બનાવશે અથવા તો જૂના દાગીના સામે નવા દાગીનાની ખરીદી કરશે.

સોનાની આયાત-ડ્યુટીમાં વધારો ટેમ્પરરી છે, બે-ત્રણ મહિનામાં  સરકાર ફરી ડ્યુટી ઘટાડશે : સુરેન્દ્ર મહેતા, નૅશનલ સેક્રેટરી, ઇન્ડિયન બુલિયન ઍન્ડ જ્વેલર્સ અસોસિએશન-મુંબઈ

સોનાની આયાત-ડ્યુટીમાંનો વધારો એકદમ અણધાર્યો અને ઐતિહાસિક ઊંચો છે. સરકારે બહુ વિચારણાપૂર્વક ડ્યુટી-વધારો ઑફ સીઝનમાં કર્યો છે. જુલાઈમાં લગ્નની સીઝન પૂરી થયા બાદ દર વર્ષે જુલાઈ-ઑગસ્ટના બે મહિનામાં સોનાની સુસ્ત ડિમાન્ડ રહે છે. સપ્ટેમ્બરમાં તહેવારોની મોસમ શરૂ થયા બાદ સોનાની ડિમાન્ડ નીકળશે ત્યારે રૂપિયો નબળો પડવાનું અટકી જાય તો સરકાર ફરી સોનાની આયાત-ડ્યુટી ઘટાડી શકે છે. રૂપિયો વધુ પડતો નબળો પડતાં અને કરન્ટ અકાઉન્ટ ડેફિસિટ વધી જતાં સરકારે સોનાની આયાત-ડ્યુટીમાં વધારાનો નિર્ણય બહુ ટૂંકા ગાળા માટે લીધો હોય એવું લાગે છે એથી આગામી બે કે ત્રણ મહિનામાં ડ્યુટી ફરી ઘટશે. જ્વેલર્સે સસ્તું સોનું ખરીદ્યું હશે તો તેને ઊંચા ભાવે વેચીને ફાયદો થશે. ગોલ્ડ ઈટીએફ કે અન્ય સ્કીમમાં જેમણે સોનું ખરીદીને ઇન્વેસ્ટમેન્ટ કર્યું હશે તેને પણ ડ્યુટી-વધારાનો ફાયદો થશે. સોનાનું સ્મગલિંગ વધવાની દલીલમાં તથ્ય નથી, કારણ કે સોનાનું સ્મગલિંગ રોકવા માટે તમામ તપાસ એજન્સીઓ હવે બહુ કાર્યક્ષમ બની ચૂકી છે, કારણ કે છેલ્લાં પાંચ વર્ષથી સોનાનું સ્મગલિંગ રોકવાનો તેમને અનુભવ પ્રાપ્ત થયો છે. સોનાની આયાત-ડ્યુટી વધતાં કોઈ વર્ગને નુકસાન નથી. 

સોનાની આયાત-ડ્યુટી વધતાં પૅસેન્જર દ્વારા ભારતમાં સોનાનો પ્રવાહ વધશે : ચિરાગ શેઠ, પ્રિન્સિપલ કન્સલ્ટન્ટ્સ, સાઉથ એશિયા-મેટલ ફોકસ-મુંબઈ

ભારત સરકારે છેલ્લાં પાંચ વર્ષમાં સોનાની આયાત-ડ્યુટી જ્યારે પણ વધારી છે ત્યારે બુલિયન માર્કેટને સોનાની આયાત-ડ્યુટીનો વધારો પચાવતાં થોડો સમય લાગ્યો છે, પણ થોડા સમય પછી માર્કેટ ડ્યુટી વધારીને પચાવી ગયા બાદ સોનાની ડિમાન્ડ પર કોઈ મોટો ફરક પડતો નથી. દર વર્ષે જુલાઈ-ઑગસ્ટમાં સોનાની ડિમાન્ડ એકદમ સ્લેક રહે છે. બે મહિના પછી તહેવારોની ખરીદી જ્યારે નીકળશે ત્યારે વપરાશકારો સોનાની આયાત-ડ્યુટીના વધારાને પચાવી ગયા હશે અને આયાત-ડ્યુટીને કારણે થયેલો ભાવવધારો પણ સ્થિર થયો હશે. સોનાની આયાત-ડ્યુટી વધતાં ‌ડિમાન્ડમાં કોઈ મોટો ઘટાડો થવાનો નથી. દુબઈથી આવતા પૅસેન્જર દ્વારા સોનું ભારતમાં મોટા પાયે આવશે, કારણ કે ભારત અને યુનાઇટેડ આરબ અમીરાત વચ્ચે ફ્રી ટ્રેડ ઍગ્રીમેન્ટ હોવાથી દુબઈમાં લાગતી પાંચ ટકા ડ્યુટી ભારત આવતા પૅસેન્જરને લાગુ નહીં પડે. એ ઉપરાંત પાંચ ટકા વૅટ રીફન્ડ મળે છે એથી દુબઈથી સોનું લઈ આવવામાં સીધો ૧૮ ટકાનો ફાયદો થશે અને સામાન્ય રીતે પૅસેન્જરદીઠ ૨૦ ગ્રામ સોનું લાવવામાં મુશ્કેલી નથી. આથી પૅસેન્જરદીઠ સોનું લઈ આવવામાં ૧૨થી ૧૩ હજાર રૂપિયાનો ફાયદો થતો હોવાથી પૅસેન્જર હૅન્ડલિંગ દ્વારા સોનું ભારતમાં વધુ ઠલવાશે.

સોનાની આયાત-ડ્યુટી વધતાં આગામી ૧૫ દિવસમાં ભાવ વધીને ૫૫,૦૦૦ થશે : કુમાર જૈન, નૅશનલ સ્પોકપર્સન, ઇન્ડિયન બુલિયન ઍન્ડ જ્વેલર્સ અસોસિએશન

લગ્નની સીઝન પૂરી થવાને હજી ૧૫ દિવસ બાકી હોવાથી આગામી ૧૫ દિવસ જ્વેલરી માર્કેટમાં ફુલ ઘરાકી જોવા મળશે. ત્યાર બાદ ધીમે-ધીમે તહેવારોની ડિમાન્ડ માર્કેટમાં શરૂ થશે. કેટલાય ધનાઢ્ય પરિવારમાં પ્રસંગો કે તહેવારોમાં સોનું ખરીદવું એ જ માત્ર ધ્યેય હોય છે. આવા પરિવારો સોનાના ભાવ કેટલા વધ્યા કે કેટલા ઘટ્યા એની કદી પરવા કરતા નથી. કોરોનાની મહામારી દરમ્યાન સોનાનો ભાવ વધીને પ્રતિ ૧૦ ગ્રામ ૫૮,૫૦૦ રૂપિયા થયો હતો, પણ મુંબઈમાં સોનાની ડિમાન્ડ પર કોઈ અસર થઈ નહોતી. કોરોના મહામારી હળવી થયા બાદ ભાવ ઘટીને પ્રતિ ૧૦ ગ્રામ ૪૭,૦૦૦થી ૪૮,૦૦૦ રૂપિયા થયો હતો. રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ શરૂ થતાં આરંભિક કાળમાં ભાવ વધીને પ્રતિ ૧૦ ગ્રામ ૫૫,૦૦૦ રૂપિયા થયો હતો. આ બન્ને ભાવવધારા દરમ્યાન સોનાની ડિમાન્ડમાં કોઈ મોટો ફરક જોવા મળ્યો નથી. લગ્નગાળાની આગામી પંદર દિવસની ડ‌િમાન્ડને કારણે સોનાનો ભાવ વધીને પ્રતિ ૧૦ ગ્રામ ૫૫,૦૦૦ રૂપિયા થશે જે હાલમાં ૫૨,૮૦૦ રૂપિયા છે. દરેક ભાવવધારા વખતે સોનાનું રીસાઇક્લિંગ વધે છે એમ સોનાની આયાત-ડ્યુટી વધતાં જે ભાવ વધશે એને કારણે સોનાનું રીસાઇક્લિંગ ૨૦થી ૨૫ ટકા વધવાની ધારણા છે. 

business news