ઘરના વિસ્તરણ માટે અને નાનું વેચીને મોટું ઘર લેવા માટે કયા પ્રકારની લોન મળી શકે છે?

23 October, 2021 02:53 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જેમની પાસે બંગલો અથવા વિલા છે, તેઓ વર્ક ફ્રોમ હોમ માટેની વ્યવસ્થા કરવા વધારાનો શયનખંડ અથવા સ્ટડી રૂમ કે બીજા રૂમ બનાવી શકે છે.

પ્રતિકાત્મક તસવીર

આપણા છેલ્લા લેખમાં આપણે ભારતમાં ઉપલબ્ધ હોમ લોનના પ્રકાર વિશે વાત કરી હતી. આજે ચાલો કેટલાક વધુ પ્રકારની હોમ લોન જોઈએ.
ઘરના વિસ્તરણ માટેની લોન : રોગચાળાએ આપણને શીખવ્યું છે કે આપણે પોતાની શક્તિ પ્રમાણે શક્ય તેટલું મોટું ઘર ખરીદવું જોઈએ અથવા બંધાવવું જોઈએ. ક્યારેક શક્તિ કરતાં વધારે પૈસા ખર્ચીને પણ મોટી જગ્યા વસાવવી જોઈએ. 
જેમની પાસે બંગલો અથવા વિલા છે, તેઓ વર્ક ફ્રોમ હોમ માટેની વ્યવસ્થા કરવા વધારાનો શયનખંડ અથવા સ્ટડી રૂમ કે બીજા રૂમ બનાવી શકે છે. વર્તમાન ઘરના આવા વિસ્તરણ માટે પણ લોન લઈ શકાય છે. હાલની જગ્યા પર હોમ લોન લીધી હોય તોપણ તમને ઘરના વિસ્તરણ માટે લોન મળી શકે છે. માલિકે એ વાતની દરકાર લેવી ઘટે કે એ વિસ્તરણ મહાનગરપાલિકા કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાના નિયમો અનુસાર હોય.
ઘરના રૂપાંતરણ માટે લોન : જો તમે તમારું વર્તમાન ઘર વેચી રહ્યા હો અને નવું ખરીદી રહ્યા હો, તો તમારા હાલના ઘર પર લીધેલી હોમ લોનને તમે જે નવું ઘર ખરીદી રહ્યા છો તેના માટે ટ્રાન્સફર કરી શકાય છે. જો નવી લોનની રકમ હાલના ઘર પરની લોન ચૂકવવાની બાકી રહેતી રકમ કરતાં વધારે ન હોય અને જો ઓછા વ્યાજે
લોન મળતી હોય તો રૂપાંતરણ લોનનો લાભ લેવાનું પરવડે છે. લોન આપનાર બૅન્ક કે નાણાકીય સંસ્થા સમાન રહેતી હોવાથી દસ્તાવેજોની જરૂર તદ્દન નવી હોમ લોન લેવાની સરખામણીમાં
ઓછી હશે.
બ્રિજ લોન : ઘણી વખત ગ્રાહકો તેમનાં જૂનાં ઘર વેચે છે અને નવાં મોટાં ઘર ખરીદે છે. જૂના ઘરના વેચાણમાંથી મળેલી રકમ નવા ઘરની ખરીદી માટે ભંડોળ પૂરું પાડે છે. ક્યારેક એવું બને છે કે નવું ઘર ગમી જાય, પણ જ્યાં સુધી જૂનું ઘર વેચાય નહીં ત્યાં સુધી નવા ઘર માટે નાણાં મેળવવાનું શક્ય બનતું નથી. આવા કિસ્સામાં તમે સામાન્ય લાંબા ગાળાની હોમ લોનની જગ્યાએ બ્રિજ લોન મેળવી શકો છો, જે ટૂંકા
ગાળાનું ભંડોળ પૂરું પાડે છે. તેની મુદત સામાન્ય રીતે બે વર્ષથી ઓછી હોય છે. ઘરના માલિકો માટે આ એક ઉત્તમ વિકલ્પ છે.
બૅલેન્સ ટ્રાન્સફર હોમ લોન : શું તમારી વર્તમાન બૅન્કે નવા ગ્રાહકો કરતાં તમને ઊંચા વ્યાજે લોન આપી છે? આપણામાંના ઘણા લોકોને આ સમસ્યા નડે છે. બૅન્કો નવા ગ્રાહકોને ૬.૫ ટકાના દરે લોન આપે છે, જ્યારે આપણે પહેલાં લીધેલી લોન પર ૭.૫થી ૯ ટકા સુધીના દરે વ્યાજ ચૂકવી રહ્યા હોઈએ છીએ. આવી સ્થિતિમાં તમે જૂની લોન નવા ખાતામાં ટ્રાન્સફર કરાવી શકો છો. આ સુવિધાને બૅલેન્સ ટ્રાન્સફર યોજના કહેવાય છે. તમે ઊંચા વ્યાજની
જૂની લોનની બૅલેન્સ નીચા વ્યાજની નવી લોનમાં ટ્રાન્સફર કરાવી શકો છો. જો બાકી રહેલી મુદત પાંચ વર્ષ કરતાં વધારે હોય અને વ્યાજમાં તમને એકથી બે ટકાનો ફરક પડતો હોય તો તમે બૅલેન્સ ટ્રાન્સફર કરાવો એ લાભદાયક ઠરે છે. 
હોમ લોન વિશેની શ્રેણીમાં આવતા વખતે આપણે હોમ લોન માટે અરજી કરવાની તથા તેનું ડિસ્બર્સલ મેળવવા સુધીની પ્રક્રિયા વિશે વાત કરીશું. દરમ્યાન તમને આ વિષયે કોઈ પણ સવાલ હોય તો તમે ચોક્કસ પૂછી શકો છો. 

business news