અર્થતંત્રમાં નાણાંની પ્રવાહિતા ઘટાડવા-વધારવા માટે રિઝર્વ બૅન્ક કયાં પગલાં લે છે?

25 October, 2021 04:23 PM IST  |  Mumbai | Khyati Mashru Vasani

નાણાકીય પ્રવાહિતા વધારવાનું મહત્ત્વ શું કામ?

પ્રતીકાત્મક તસવીર

કોરોનાના રોગચાળા જેવી અસામાન્ય પરિસ્થિતિમાં બિઝનેસની સામે પડકાર ઊભા થાય છે. આવામાં બેરોજગારી વધવાનું તથા સમગ્ર અર્થતંત્રમાં નરમાશ આવવાનું જોખમ હોય છે. આથી કેન્દ્રીય બૅન્કે અર્થતંત્રમાં નાણાંની પ્રવાહિતા ટકાવી રાખવાનું અગત્યનું હોય છે.

નાણાકીય પ્રવાહિતા વધારવાનું મહત્ત્વ શું કામ?

અર્થતંત્રમાં વધુ પ્રમાણમાં નાણાં ફરતાં હોય તો લોકો ખર્ચ વધારે પ્રમાણમાં કરે અને તેના જોરે બિઝનેસ વધુ ચાલે. આ ઉદ્દેશ્યથી કેન્દ્રીય બૅન્ક નીતિવિષયક વ્યાજદર ઘટાડતી હોય છે. વ્યાજદર ઓછા હોય તો બિઝનેસમૅન અને વ્યક્તિઓ વધુ ધિરાણ લેવા તૈયાર થઈ જાય છે અને તેને પગલે ખર્ચ કે રોકાણ વધુ કરવા લાગે છે. પરિણામે ચીજવસ્તુઓની માગ વધારે રહે છે અને અર્થતંત્રનાં ચક્રો ગતિમાન રહે છે.

વ્યાજદર ઓછા કેવી રીતે રાખવામાં આવે છે?

દરેક દેશની કેન્દ્રીય બૅન્કને અર્થતંત્રમાં નાણાંની પ્રવાહિતાનું યોગ્ય પ્રમાણ જાળવી રાખવા માટે વ્યાજદરમાં નીતિવિષયક ફેરફાર કરવાનો અધિકાર હોય છે. આ કામ તેઓ રેપો રેટ અને રિવર્સ રેપો રેટ ઘટાડીને, બજારમાંથી બૉન્ડની ખરીદી કરીને તથા અન્ય રીતે કરે છે.

રેપો રેટ અને રિવર્સ રેપો

રેટ એટલે શું?

કમર્શિયલ બૅન્કો રિઝર્વ બૅન્ક પાસેથી એક દિવસ પૂરતાં નાણાં ઊછીના લે એ વ્યાજદરને રેપો રેટ કહેવાય છે. આ વ્યાજદર વાર્ષિક હોય છે અને

એના આધારે એક દિવસ પૂરતું જે વ્યાજ આવે એ કમર્શિયલ બૅન્કોએ ચૂકવવાનું રહે છે.

રિવર્સ રેપો રેટ એટલે કમર્શિયલ બૅન્કો રિઝર્વ બૅન્કને એક દિવસ માટે જે વ્યાજે ધિરાણ આપે એ દર. આ વ્યાજ પણ વાર્ષિક દરના આધારે એક દિવસ માટે લેવામાં આવે છે. જો રિઝર્વ બૅન્ક રેપો રેટમાં ઘટાડો કરે તો બૅન્કોને વધુ ઓછા વ્યાજે નાણાં મળે અને તેઓ વધુ ઓછા દરે નાણાંનું ધિરાણ કરી શકે બજારમાંથી બૉન્ડની ખરીદી રિઝર્વ બૅન્કના નાણાંની પ્રવાહિતા વધારવા માટે બૉન્ડની ખરીદી કરે છે. પશ્ચિમી જગતમાં તેને ક્વૉન્ટિટેટિવ ઇઝિંગના નામે ઓળખવામાં આવે છે. ભારત સરકાર પણ અન્ય વિકાસશીલ દેશોની જેમ ખાધ ધરાવતું બજેટ તૈયાર કરે છે. ખાધનો અર્થ એવો કે સરકારની મહેસૂલી આવક કરતાં ખર્ચ વધારે હોય. દા.ત. આવક ૧૦૦ રૂપિયા હોય તો ખર્ચ ૧૦૫ કે બીજી કોઈ વધારે રકમ હોય. આમ ખર્ચનો ખાડો પૂરવા માટે જે રકમ ઉધાર લેવી પડે એ લેવા માટે બૉન્ડ ઇશ્યુ કરવામાં આવે છે. આ બૉન્ડ પર ફિક્સ્ડ ડિપોઝિટની જેમ નિશ્ચિત વ્યાજ ચૂકવવામાં આવે છે.

રિઝર્વ બૅન્ક જ્યારે નાણાંની પ્રવાહિતા વધારવા માગતી હોય ત્યારે અગાઉ રાજકોષીય ખાધ (બજેટમાં રખાયેલી ખાધ) પૂરવા માટે ઇશ્યુ કરાયેલા બૉન્ડ પાછા લોકો પાસેથી ખરીદી લે છે. આ ખરીદી બૉન્ડની પાકતી તારીખની પહેલાં કરવામાં આવે છે.

રિઝર્વ બૅન્ક બૉન્ડ ખરીદે ત્યારે તેણે બૅન્કોને નાણાં ચૂકવવાં પડે છે અને એ ચૂકવાયેલાં નાણાંને લીધે સમગ્ર બૅન્કિંગ તંત્રમાં નાણાંની પ્રવાહિતા વધી જાય છે. રિઝર્વ બૅન્ક એવું ગૃહિત ધરી લે છે કે જ્યારે નાણાંની પ્રવાહિતા વધી જાય ત્યારે બૅન્કો વધુ ધિરાણ આપવા તૈયાર થઈ જાય છે.

અર્થતંત્રમાં વધારે પડતી નાણાંની પ્રવાહિતા આવી જાય તો શું થાય?

અર્થતંત્રમાં નાણાંની પ્રવાહિતા વધી જાય ત્યારે અલગ-અલગ મુદત માટેના વ્યાજના દરમાં ઘટાડો થાય છે. એક દિવસ માટેનું ધિરાણ હોય કે પછી દસ વર્ષ માટેનું હોય, એ બધી જ મુદત માટેના વ્યાજદર ઘટી જાય છે. એક સમય બાદ આ સ્થિતિ રિઝર્વ બૅન્ક માટે સમસ્યારૂપ બની શકે છે.

રિઝર્વ બૅન્ક માટે સમસ્યા સર્જાવાનું કારણ શું?

રિઝર્વ બૅન્ક કમર્શિયલ બૅન્કો પાસેથી જે દરે નાણાં ઊછીનાં લે છે એ દર એટલે કે રિવર્સ રેપો રેટ ધારો કે ૩.૩૫ ટકા હોય અને બજારમાં વ્યાજદર તેનાથી પણ નીચો હોય તો ત્રણ મહિના માટે ધિરાણ જોઈતું હોય તો કોઈ પણ કંપની એ ઓછા દરે જ ધિરાણ લેવાનું પસંદ કરે, ખરું ને? જો આવી જ સ્થિતિ હોય તો પછી રિઝર્વ બૅન્કે ભરેલાં પગલાંની કોઈ અસર થાય નહીં.

આવું કેવી રીતે શક્ય છે?

ધારો કે બૅન્કો પાસે ઘણીબધી પ્રવાહિતા છે અને રિઝર્વ બૅન્ક રિવર્સ રેપો હેઠળ એમની પાસેથી નાણાં લેવા તૈયાર નથી (રિઝર્વ બૅન્ક પ્રવાહિતા ટકાવી રાખવા માગે છે, ઘટાડવા નહીં), તો બૅન્કો એ નાણાં પોતાની પાસે રાખીને કરશે શું? તેઓ તેનાથી પણ ઓછા દરે મોટી કંપનીઓને લોન આપવા લાગશે.

રિઝર્વ બૅન્ક વ્યાજદર વધાર્યા વગર પ્રવાહિતા ટકાવી રાખવા માગતી હોય તો શું કરે?

આવી સ્થિતિમાં રિઝર્વ બૅન્ક જે પગલું ભરે એને ઓપરેશનલ ટ્વિસ્ટ કહેવાય છે. આ પગલા વિશે હવે પછીના લેખમાં વાત કરીશું.

business news