નવી કરવ્યવસ્થામાં હાઉસિંગ લોન પરના વ્યાજનું સેટ ઑફ મળે નહીં ત્યારે બીજો કયો વિકલ્પ ઉપયોગી થાય છે?

28 February, 2023 11:23 AM IST  |  Mumbai | Nitesh Buddhadev

નવી કરવ્યવસ્થામાં હાઉસિંગ લોન પરના વ્યાજનું સેટ ઑફ લઈ શકાતું નથી, પરંતુ ઉક્ત મુદ્દા ક્રમાંક ‘બ’માં જણાવ્યા પ્રમાણે પ્રૉપર્ટીની પ્રાપ્તિના ખર્ચમાં આ વ્યાજનો ઉમેરો કરી શકાય છે

પ્રતીકાત્મક તસવીર

બજેટ રજૂ થયાને એક મહિનો થયો. બજેટની દરખાસ્તો વિશે અનેક લેખો લખાઈ ચૂક્યા છે. આજે આપણે ઓછા ચર્ચાયેલા, પરંતુ મહત્ત્વપૂર્ણ એવા ચાર મુદ્દાઓની વાત કરવાના છીએ. 
હાઉસિંગ લોન પરના વ્યાજનું સેટ ઑફ તમે અનેક જગ્યાએ વાંચ્યું હશે કે પોતાના વપરાશ માટેના ઘર માટેની લોનના વ્યાજનું નવી કરવ્યવસ્થામાં સેટ ઑફ લઈ શકાતું નથી. આ દૃષ્ટિએ જોગવાઈ પ્રતિકૂળ છે. જોકે, અહીં વાસ્તવમાં કોઈ પ્રતિકૂળતા નથી. વ્યાજનો ક્લેમ કરવા માટે બે રસ્તા છેઃ
અ) કલમ ૨૪ હેઠળ ડિડક્શન તરીકે ક્લેમ કરીને અને પછી બે લાખ રૂપિયા સુધીની અન્ય આવકની સામે એનું સેટ ઑફ લઈને.

બ) જ્યારે કોઈ કરદાતા કલમ ૨૪ હેઠળ હોમ લોનના વ્યાજનો ક્લેમ કરતા નથી ત્યારે તેને હાઉસિંગ પ્રૉપર્ટીની પ્રાપ્તિ માટે કરાયેલા ખર્ચની રકમમાં ઉમેરી શકાય છે. આ સ્થિતિમાં તમે જ્યારે પ્રૉપર્ટીનું વેચાણ કરશો ત્યારે પ્રૉપર્ટીની પ્રાપ્તિના ખર્ચમાં વ્યાજની રકમ સામેલ હશે. ઘરના વેચાણ વખતે કૅપિટલ ગેઇન કે લોસની ગણતરી કરવા માટે વેચાણની કિંમતમાંથી પ્રૉપર્ટીની પ્રાપ્તિના ઇન્ડેક્સ્ડ ખર્ચને બાદ કરવામાં આવે છે.

નવી કરવ્યવસ્થામાં હાઉસિંગ લોન પરના વ્યાજનું સેટ ઑફ લઈ શકાતું નથી, પરંતુ ઉક્ત મુદ્દા ક્રમાંક ‘બ’માં જણાવ્યા પ્રમાણે પ્રૉપર્ટીની પ્રાપ્તિના ખર્ચમાં આ વ્યાજનો ઉમેરો કરી શકાય છે. આ રીતે ઉક્ત દરખાસ્ત વાસ્તવમાં પ્રતિકૂળ નથી. ૨૦ ટકાના દરે ટીસીએસ (ટૅક્સ કલેક્ટેડ ઍટ સોર્સ) અત્યાર સુધી સાત લાખ રૂપિયાથી વધુ રકમ વિદેશમાં મોકલવામાં આવે ત્યારે એના પર પાંચ ટકા લેખે ટીસીએસ લાગુ પડી રહ્યો છે, પરંતુ ૧ જુલાઈ ૨૦૨૩થી તબીબી/શૈક્ષણિક કારણ સિવાયના કોઈ પણ વિદેશી રેમિટન્સ પર ૨૦ ટકા લેખે ટીસીએસ લાગુ થશે. એનો અર્થ એવો થયો કે વિદેશી ઇક્વિટીમાં પ્રત્યક્ષ રોકાણ કરવામાં આવે, વિદેશી વસ્તુઓની ખરીદી માટે વિદેશમાં પૈસા ચૂકવવામાં આવે, વગેરે વ્યવહારો ઘણા લોકો માટે પ્રતિકૂળ સાબિત થશે. આ વાત ઉદાહરણ સહિત સમજીએ. જો તમે વિદેશમાં એક લાખ રૂપિયા મૂલ્યની વસ્તુ ખરીદશો અને એ પૈસા વિદેશ મોકલવાના હશે ત્યારે તમારે પોતાની બૅન્કને એક લાખ નહીં, પરંતુ ૧.૨૦ લાખ રૂપિયા આપવાના રહેશે. એક લાખની ઉપરના ૨૦,૦૦૦ રૂપિયા ટીસીએસ તરીકે તમારા પૅનમાં ક્રેડિટ તરીકે ચૂકવવામાં આવશે. તમે ઍડવાન્સ ટૅક્સ માટેનું પેમેન્ટ કરશો અને આવકવેરાનું રિટર્ન ફાઇલ કરશો ત્યારે તમારે એ ટીસીએસનો ક્લેમ કરવાનો રહેશે. જોકે, પેમેન્ટ કરતી વખતે તમારા ખિસ્સામાંથી એક વખત તો વધારે પૈસા જશે જ.

ઑનલાઇન ગેમમાં જીતેલું ઇનામ

તાજેતરનાં વર્ષોમાં ઑનલાઇન ગેમનું પ્રમાણ ઘણું વધી ગયું છે. આ રકમ રોકડમાં હોઈ શકે છે અને રોકડ સિવાયની રીતે પણ એની ચુકવણી થઈ શકે છે. કેન્દ્રીય નાણાપ્રધાને દાખલ કરેલી નવી જોગવાઈ મુજબ દરેક નાણાકીય વર્ષના અંતે યુઝર અકાઉન્ટમાં ઇનામની નેટ રકમમાંથી ટીડીએસ (ટૅક્સ ડિડક્ટેડ ઍટ સોર્સ) કાપી નાખવામાં આવશે. જો નાણાકીય વર્ષ દરમ્યાન યુઝર અકાઉન્ટમાં કોઈ ઉપાડ થશે તો ઉપાડની રકમમાં સામેલ ટીડીએસના પ્રમાણ જેટલી રકમ નેટ ધોરણે કાપી લેવામાં આવશે. જો ઇનામ રોકડ સિવાયની વસ્તુ દ્વારા અથવા આંશિક રીતે રોકડમાં હોય તથા ટીડીએસ કાપી નાખવા જેટલી રોકડ ન હોય ત્યારે ટીડીએસ ચૂકવવા માટે જવાબદાર વ્યક્તિએ ઇનામની રકમ છૂટી કરતાં પહેલાં એ વાતની તકેદારી લેવી પડશે કે ઇનામની નેટ રકમ પર ટીડીએસ ચૂકવવામાં આવ્યો છે.

કલમ ૫૪ અને ૫૪એફ હેઠળ લૉન્ગ ટર્મ કૅપિટલ ગેઇન્સ ટૅક્સ

કૅપિટલ ગેઇન્સમાંથી મુક્તિ માટે હાલ કલમ ૫૪ અને ૫૪એફ હેઠળ કોઈ મર્યાદા નથી. કલમ ૫૪માં કહેવામાં આવ્યું છે કે ઘર વેચીને મળનારી રકમનું રોકાણ ઘરમાં જ કરવામાં આવે તો લૉન્ગ ટર્મ કૅપિટલ ગેઇન્સ ટૅક્સ લાગુ થતો નથી.

કલમ ૫૪એફમાં કહેવામાં આવ્યું છે કે કોઈ પણ લૉન્ગ ટર્મ કૅપિટલ ઍસેટનું વેચાણ કરવામાં આવે અને એની નેટ રકમનું ઘરમાં પુનઃરોકાણ કરવામાં આવે તો લૉન્ગ ટર્મ કૅપિટલ ગેઇન્સ ટૅક્સ લાગુ થતો નથી. સરકારે હવે આ બન્ને કલમો હેઠળ ૧૦ કરોડ રૂપિયાની મહત્તમ મર્યાદા દાખલ કરી છે. આ વાત ઉદાહરણ દ્વારા સમજીએઃ

ધારો કે રવિએ ૧૨ કરોડ રૂપિયા મૂલ્યનાં ઘરેણાં વેચ્યાં. એ ઘરેણાં તેણે લૉન્ગ ટર્મ સુધી પોતાની પાસે રાખ્યાં હતાં. વેચાણમાંથી મળેલી ૧૨ કરોડ રૂપિયાની રકમનું ઘર ખરીદવામાં આવ્યું. નવી જોગવાઈને લીધે હવે તેઓ ફક્ત ૧૦ કરોડ રૂપિયા જેટલી જ રકમ માટે કરમુક્તિ લઈ શકશે. તેમણે વધારાના બે કરોડ રૂપિયા પર લૉન્ગ ટર્મ કૅપિટલ ગૅઇન્સ ટૅક્સ ભરવાનો રહેશે.

સવાલ તમારા...

પ્રશ્ન : હું ઑનલાઇન કાર્ડ ગેમમાં ૬૦,૦૦૦ રૂપિયા જીત્યો અને પછી એ જ ગેમમાં ૧૦,૦૦૦ રૂપિયા હાર્યો. હવે ૫૦,૦૦૦ રૂપિયાની રકમ મારા ઑનલાઇન ગેમ અકાઉન્ટમાં પડી છે. હું ઑનલાઇન ગેમમાં ૫૦૦૦ રૂપિયા મૂલ્યના હેડફોન પણ જીત્યો છું. હું મારા અકાઉન્ટમાંથી કોઈ ઉપાડ કરવા માગતો નથી. શું મને મળેલા ઇનામમાંથી ટીડીએસ કપાશે?

ઉત્તર : તમે રોકડમાં કે રોકડ સિવાયની કોઈ રીતે જે નેટ ઇનામ જીત્યા હશો એના પર ટીડીએસ કપાશે. તમે જીતેલું નેટ ઇનામ ૫૫,૦૦૦ રૂપિયા થાય છે. તમે ભલે એક પૈસો પણ નહીં ઉપાડો તો પણ નાણાકીય વર્ષના અંતે નેટ ઇનામના આધારે ટીડીએસ કાપવામાં આવશે. આમ, તમારો ૧૬,૫૦૦ રૂપિયાનો ટીડીએસ કપાશે.

business news income tax department