કોરોનાએ બદલી કાઢેલા સંજોગોમાં રોકાણ બાબતે કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને નવા વર્ષના સંકલ્પ કરવા?

10 January, 2022 02:11 PM IST  |  Mumbai | Khyati Mashru Vasani

આ જ રીતે નાણાકીય ક્ષેત્રે સલાહકારો રોકાણના પોર્ટફોલિયોની નિયમિત સમયાંતરે સમીક્ષા કરવાની સલાહ આપે છે

પ્રતીકાત્મક તસવીર

કોરોના આવ્યો ત્યારથી મનુષ્યને જિંદગીના અનેક બોધપાઠ શીખવા મળી રહ્યા છે. જીવનનાં દરેક અંગમાં પરિવર્તન આવી ગયું છે. ઘણા લોકોને આર્થિક બાબતોમાં ફટકો પડ્યો છે, તો ઘણાને ભરપૂર ફાયદો પણ થયો છે. જેઓ પરિવર્તન લાવી શક્યા તેમણે નફો લીધો છે એમ કહી શકાય. 
લગભગ બે વર્ષના આ ગાળાના અનુભવના આધારે આપણે હવે વર્ષ ૨૦૨૨ને આવકાર્યું છે. આ વર્ષે બધાને સારા અનુભવો થાય એવી આશા છે. આરોગ્ય ક્ષેત્રે ડૉક્ટરો દરેક વ્યક્તિને નિયમિતપણે ચેક-અપ કરાવવાની સલાહ આપે છે. આ જ રીતે નાણાકીય ક્ષેત્રે સલાહકારો રોકાણના પોર્ટફોલિયોની નિયમિત સમયાંતરે સમીક્ષા કરવાની સલાહ આપે છે. 
નવા વર્ષે આપણે કયા સંકલ્પો કરીને આગળ વધવું એના વિશે આજે વાત કરીએ.
૧. ડાઇવર્સિફિકેશન : રોકાણમાં સૌથી પહેલું અને અગત્યનું છે કે તમે વિવિધ પ્રકારની ઍસેટ્સમાં રોકાણ કરો. પોતાનાં નાણાકીય લક્ષ્યો સાથે જેનો મેળ બેસે એવી ઍસેટ્સમાં અને આવશ્યકતા મુજબના સમયગાળા માટે રોકાણ કરવાની જરૂર છે. ઇક્વિટી માર્કેટમાં હવે મલ્ટિ કૅપ અને ફ્લેક્સિ કૅપ મ્યુચ્યુઅલ ફન્ડ આવ્યાં છે. એની મદદથી રોકાણકારો સ્મૉલ કૅપ, મિડ કૅપ અને લાર્જ કૅપ સ્ટૉક્સમાં રોકાણ કરી શકે છે અને જોખમને ઘટાડી શકે છે. 
૨. જોખમ અને વળતરનો ચાર્ટ : જોખમ વગરનું વળતર હોતું નથી એ વાત ગળે ઉતારવામાં રોકાણકારોને ઘણો સમય લાગે છે. પોતાના પોર્ટફોલિયોમાં જોખમ કેટલું છે અને એની સામે વળતર કેટલું મળે છે એનું વિશ્લેષણ કરવું જરૂરી છે. જો વધારે વળતર મળતું હોય તો જ વધારે જોખમ લેવાય, પરંતુ એના માટે જોખમ અને વળતરનો ચાર્ટ બનાવવો જરૂરી હોય છે. આ કામમાં નિષ્ણાતની સલાહ લેવાની જરૂર પડે છે. 
૩. પૅસિવ પ્રોડક્ટ્સનો ઉપયોગ : ભારતમાં રોકાણકારો હવે પૅસિવ ઇન્વેસ્ટિંગનું મહત્ત્વ સમજવા લાગ્યા છે. ફન્ડ મૅનેજર સક્રિય રીતે ફન્ડ મૅનેજ કરે એને બદલે કોઈ ઇન્ડેક્સ આધારિત ફન્ડનો લાભ લેવો જોઈએ એવું હવે લોકો સમજી ગયા છે. ઈટીએફ અને ફન્ડ ઑફ ફન્ડ્સ પૅસિવ ઇન્વેસ્ટમેન્ટના બીજા વિકલ્પો છે. હવે થિમેટિક અને સેક્ટોરલ ફન્ડ પણ પ્રચલિત બન્યાં છે. 
૪. રોકાણનાં લક્ષ્યોની સમીક્ષા કરો : છેલ્લાં બે વર્ષોમાં પરિસ્થિતિ ઘણી બદલાઈ ગઈ છે. સમયની સાથે લોકોની જરૂરિયાતો અને પ્રાથમિકતાઓ બદલાઈ જતી હોય છે. નવું વર્ષ રોકાણનાં લક્ષ્યોની સમીક્ષા કરવા માટે સારો સમય હોય છે. લગ્ન થઈ જાય, ઉચ્ચ શિક્ષણ માટેનું આયોજન હોય, પરિવારનો વિસ્તાર કરવાનો હોય વગેરે લક્ષ્યો સામે આવે ત્યારે નવેસરથી રોકાણનું આયોજન કરવાનું હોય છે. 
૫. સ્થાનિક માર્કેટની બહાર જવાનો વિચાર કરવો : ભારતીય ઇક્વિટી માર્કેટ રોકાણકારો માટે નવી અને મોટી તક લઈને આવી છે. જોકે વૈશ્વિક બજારમાં રોકાણ કરવા વિશે પણ વિચાર કરવો જોઈએ. રોકાણના વૈવિધ્યકરણની દૃષ્ટિએ પણ એ જરૂરી હોય છે. 
૬. ઇમર્જન્સી માટે રોકાણ કરવું : કોરોના રોગચાળામાં સૌથી મોટો બોધપાઠ એ મળ્યો છે કે જીવનમાં કોઈ જ વસ્તુ નિશ્ચિત નથી. બધું સરળતાથી ચાલી રહ્યું છે એવું વિચારો ત્યારે જ ક્યાંકથી કોઈ આઘાત લાગે એવું શક્ય છે. બૉય સ્કાઉટમાં સજ્જ રહેવાનું શીખવવામાં આવે છે. એ જ રીતે નાણાકીય બાબતે પણ સજ્જતા કેળવવી જરૂરી હોય છે. તાકીદના સમયે નાણાં ઉપલબ્ધ થાય એ માટે ઇમર્જન્સી ભંડોળ હોવું જરૂરી છે. આવું ભંડોળ ઓવરનાઇટ ફન્ડ, લિક્વિડ ફન્ડ, ઓછા સમયગાળાનાં ડેટ ફન્ડ કે ફ્લોટર ફન્ડમાં રોકી શકાય છે.
૭. ગુણવત્તાસભર રોકાણ : વિશ્વમાં નવા સંજોગો રચાયા છે ત્યારે રોકાણકારોએ લાંબા ગાળા માટે અને ગુણવત્તાપૂર્ણ વિકલ્પોમાં રોકાણ કરવું જોઈએ. ઘણી કંપનીઓનાં વૅલ્યુએશન એમનાં ફંડામેન્ટલ્સ કરતાં સારાં દેખાતાં હોઈ શકે છે, પરંતુ લાંબા ગાળે સંપત્તિસર્જન કરી શકે એવાં ગુણવત્તાસભર રોકાણનું મહત્ત્વ ઓછું આંકવું જોઈએ નહીં. 
નવા વર્ષમાં કોઈ સંકલ્પ ન કરવો એ સૌથી વધુ સહેલું કામ છે, પરંતુ મહેનત કર્યા વગર કંઈ મળતું નથી. રોકાણના પોર્ટફોલિયો બાબતે ઉક્ત મુદ્દાઓને ધ્યાનમાં રાખીને કરાયેલા સંકલ્પો આગામી સમયમાં ઘણો ફાયદો કરાવી શકે છે એટલું ચોક્કસ કહી શકાય.

business news