હોમ લોનનું અમોર્ટાઇઝેશન શેડ્યુલ એટલે શું?

27 November, 2021 12:04 PM IST  |  Mumbai | Ram Prasad Padhi

આપણે ગયા વખતે હોમ લોનને લગતા કેટલાક શબ્દોની વાત કરી. બાકી રહી ગયેલા શબ્દોના અર્થ આજે જાણી લઈએ :  

પ્રતીકાત્મક તસવીર

આપણે ગયા વખતે હોમ લોનને લગતા કેટલાક શબ્દોની વાત કરી. બાકી રહી ગયેલા શબ્દોના અર્થ આજે જાણી લઈએ :  
૧, ટેન્યોર : લોન જેટલા સમયગાળા માટે લીધી હોય તેને ટેન્યોર કહેવાય છે. આ ટેન્યોરને દરેક મહિનામાં વિભાજિત કરીને દર મહિને ઈએમઆઇ લેવામાં આવે છે. સામાન્ય સંજોગોમાં પાંચથી લઈને ત્રીસ વર્ષ સુધીની મુદત માટે લોન લેવામાં આવતી હોય છે. 
૨. કોલેટરલ : એને આપણે જમાનત કહીએ છીએ. હોમ લોનની સામે જમાનત તરીકે રખાતી વસ્તુને કોલેટરલ કહેવાય છે. સામાન્ય રીતે લોનથી જે ઘર લીધું હોય એને જ જમાનત તરીકે રાખવામાં આવે છે. જો કરજદાર ઈએમઆઇ ભરી શકે નહીં તો એ ઘર વેચીને બૅન્ક કે નાણાકીય સંસ્થા પોતાની લોનની રકમ વસૂલ કરતી હોય છે. ઈએમઆઇ નહીં ભરી શકનાર કરજદારનું ઘર વેચીને પૈસા મેળવવાનું હવે બૅન્કો માટે પહેલાં કરતાં વધુ સહેલું બનાવાયું છે. 
૩. ક્રેડિટ અપ્રેઇઝલ : કોઈ પણ બૅન્ક કે નાણાકીય સંસ્થા કરજ આપતાં પહેલાં અરજદારની લોન ચૂકવી શકવાની ક્ષમતાનો અંદાજ કાઢતી હોય છે. એને ક્રેડિટ અપ્રેઇઝલ કહેવાય છે. આ અપ્રેઇઝલમાં અરજદારની આવક, ઉંમર, રોજગાર, બચત, અગાઉ લીધેલી લોનની ચુકવણીનો હિસાબ તથા અન્ય નાણાકીય માપદંડનો વિચાર કરાતો હોય છે. લોન કેટલી આપવી એનો નિર્ણય પણ ક્રેડિટ અપ્રેઇઝલના આધારે લેવામાં આવે છે. 
૪. સિબિલ સ્કોર : આને ક્રેડિટ સ્કોર પણ કહેવાય છે. કરજદારે અગાઉ કયા પ્રકારે કરજ લીધું હતું અને એની ચુકવણી કેવી રીતે કરી હતી તથા એની પાસેનાં ક્રેડિટ કાર્ડનાં બિલની ચુકવણી કેવી રીતે કરવામાં આવી છે એ બધી બાબતોના આધારે સિબિલ સ્કોર નક્કી થાય છે. સિબિલ સ્કોર ઊંચો હોય તો ઓછા વ્યાજે લોન મળવાની શક્યતા વધી જાય છે.  
૫. પ્રી-ક્લોઝર : કોઈ પણ હોમ લોન તેની મુદત પૂરી થવા પહેલાં ચૂકવી શકાય એ તેની સૌથી મોટી ખાસિયત છે. મુદત પૂર્વે થતી ચુકવણીને પ્રી-ક્લોઝર કહેવાય છે. એક સમયે પ્રી-ક્લોઝર કરતી વખતે ચાર્જ લાગુ થતો, પરંતુ હવે એ ઘણું આસાન અને ચાર્જરહિત બની ગયું છે. ઘણા ગ્રાહકો ક્યાંકથી મોટી રકમ મળી જવાની સ્થિતિમાં પ્રી-ક્લોઝર કરાવતા હોય છે. 
૬. અમોર્ટાઇઝેશન શેડ્યુલ : કરજદારે કેટલા મહિના સુધી કેટલી ઈએમઆઇ ભરવાની છે એનું પૂરેપૂરું સમયપત્રક એટલે અમોર્ટાઇઝેશન શેડ્યુલ. આ શેડ્યુલમાં ઈએમઆઇમાં કપાતી મુદ્દલની રકમ અને વ્યાજની રકમ અલગ અલગ દર્શાવવામાં આવે છે. શરૂઆતનાં વર્ષોમાં ઈએમઆઇમાં વ્યાજનો હિસ્સો વધારે હોય છે અને મુદ્દલનો ઓછો હોય છે. 
૭. ડિફોલ્ટ : કરજદાર સમયસર ઈએમઆઇ ચૂકવી શકે નહીં એ સ્થિતિને ડિફોલ્ટ કહેવાય છે. ડિફોલ્ટ થાય ત્યારે લેણદાર સંસ્થા તેના પર દંડ લાગુ કરે છે. જો વારંવાર ડિફોલ્ટ થયા કરે તો લેણદાર સંસ્થા બાકી રહેલી લોનની રકમ વસૂલ કરવા માટે ઘર જપ્ત પણ કરી શકે છે. 
૮. રિફાઇનૅન્સ : રિફાઇનૅન્સને બૅલેન્સ ટ્રાન્સફર પણ કહેવાય છે. હોમ લોન માટે બૅન્કો હવે આકર્ષક વ્યાજદર રાખે છે. ઘણી વાર એવું બને કે પોતે જેની પાસેથી લોન લીધી હોય એના કરતાં ઓછા વ્યાજે બીજી બૅન્ક લોન આપતી હોય. વ્યાજદરના આ તફાવતને લીધે કરજદાર ઘણી બચત કરી શકે છે. આથી એક બૅન્કમાંથી લીધેલી લોનની બાકી રહેલી બૅલેન્સને બીજી બૅન્કમાં ટ્રાન્સફર કરાવવાનો વિકલ્પ આપવામાં આવ્યો છે. જોકે રિફાઇનૅન્સ કરતી વખતે અમુક ચાર્જ લેવાય છે. જો એ ચાર્જ લાગુ થયા પછી પણ ફાયદો થતો હોય તો કરજદારે રિફાઇનૅન્સ કરાવી લેવું જોઈએ. 
હોમ લોન વિશે અત્યાર સુધીમાં આપણે ઘણી ઝીણવટભરી વાતો કરી છે. આ સંબંધે આપને કોઈ સવાલ હોય તો ચોક્કસપણે પૂછી શકો છો. 

business news