ઇલેક્ટ્રિક વાહન સંબંધે સરકારે આવકવેરા ધારામાં દાખલ કરેલી કલમ ૮૦ઈઈબી વિશે તમે શું જાણો છો?

30 November, 2021 03:33 PM IST  |  Mumbai | Paresh Kapasi

કરદાતાઓ આ કલમનો ઉપયોગ કરીને કરબચત કરી શકે છે

પ્રતીકાત્મક તસવીર

ભારતમાં હવે આવકનું પ્રમાણ વધવાને લીધે લોકો સુખસુવિધાઓની વસ્તુઓ પાછળ સારા એવા પ્રમાણમાં ખર્ચ કરવા લાગ્યા છે. આવી જ એક ખરીદી ઑટોમોબાઇલ્સની હોય છે. અમુક વર્ગના લોકો માટે વાહન વસાવવું એક જરૂરિયાત પણ હોય છે. આમ, નીચલા મધ્યમ વર્ગ અને મધ્યમ વર્ગના ઘણા લોકો પોતાને પરવડે એવાં વાહનોની ખરીદી કરતા હોય છે. જેને એકસાથે મોટી રકમ કાઢવાનું પરવડતું ન હોય, પણ વાહનની જરૂરિયાત હોય એ લોકો બૅન્કો કે બીજી નાણાકીય સંસ્થાઓ પાસેથી લોન લઈને વાહન ખરીદતા હોય છે. 
આ સ્થિતિને ધ્યાનમાં લેતાં આવકવેરા ધારાની કલમ ૮૦ઈઈબી વિશે વાત કરવી અગત્યની છે. કરદાતાઓ આ કલમનો ઉપયોગ કરીને કરબચત કરી શકે છે. 
કલમ ૮૦ઈઈબી શું છે?
ઇલેક્ટ્રિક વાહનની ખરીદી માટે લેવાયેલી લોન પરના વ્યાજને આ કલમ હેઠળ આવકમાંથી કપાત (ડિડક્શન) તરીકે લઈ શકાય છે. ફાઇનૅન્સ ઍક્ટ, ૨૦૧૯ હેઠળ પહેલી વાર આ જોગવાઈ કરવામાં આવી હતી. સ્થાનિક વપરાશ માટેનાં ઇલેક્ટ્રિક વાહનોમાં કાર, બાઇક, સ્કૂટર, ઇલેક્ટ્રિક બાઇકનો સમાવેશ થાય છે. નાણાપ્રધાન નિર્મલા સીતારમણે બજેટ રજૂ કરતી વખતે જાહેર કર્યું હતું કે અત્યાધુનિક બૅટરી અને રજિસ્ટર્ડ ઇલેક્ટ્રિક વેહિકલને આ જોગવાઈ લાગુ પડશે. આકારણી વર્ષ (અસેસમેન્ટ યર) ૨૦૨૦-’૨૧થી એની શરૂઆત થઈ હતી. આ સ્કીમ વ્યક્તિગત તથા બિઝનેસના હેતુસર ખરીદવામાં આવેલા ઇલેક્ટ્રિક વાહનને લાગુ પડે છે. લોનની પૂરેપૂરી રકમ ભરપાઈ કરી દેવાય નહીં ત્યાં સુધી આ કલમનો ઉપયોગ કરીને ડિડક્શન લઈ શકાય છે. દ્વિચક્રી અને ચાર ચક્રી વાહનોને એનો લાભ મળે છે. 
પાત્રતાનો માપદંડ
અહીં જણાવવું રહ્યું કે ફક્ત વ્યક્તિગત કરદાતા ડિડક્શનનો લાભ લઈ શકે છે. હિન્દુ અનડિવાઇડેડ ફૅમિલી (એચયુએફ), ભાગીદારી પેઢી, અસોસિયેશન ઑફ પર્સન્સ, કંપની કે અન્ય કરદાતાઓને એનો લાભ મળતો નથી. 
કલમ ૮૦ઈઈબી હેઠળ મળતું ડિડક્શન 
ઇલેક્ટ્રિક વાહન માટે લેવાયેલી લોન પરના ૧,૫૦,૦૦૦ રૂપિયા જેટલા વ્યાજને કલમ ૮૦ઈઈબી હેઠળ ડિડક્શન તરીકે લઈ શકાય છે. વ્યક્તિગત કરદાતાઓને ૧,૫૦,૦૦૦ રૂપિયા અને બિઝનેસ હેતુસર ખરીદાયેલા વાહન માટે ૧,૫૦,૦૦૦ કરતાં વધારે રકમનું ડિડક્શન લઈ શકાય છે. અહીં નોંધવું ઘટે કે ૧,૫૦,૦૦૦ કરતાં વધારે પ્રમાણમાં ડિડક્શન લેવા માટે વાહન બિઝનેસના માલિકના નામે નોંધાવાયેલું હોવું જોઈએ. આવકવેરાનું રિટર્ન કલમ ૮૦ઈઈબીનો લાભ લેવા માટે નીચે મુજબની કેટલીક શરતોનું પાલન કરવું આવશ્યક છે... 
૧) લોન નાણાકીય સંસ્થા કે નૉન-બૅન્કિંગ ફાઇનૅન્સ કંપની પાસેથી લેવાયેલી હોવી જોઈએ. 
૨) એ લોન મંજૂર થયાની તારીખ ૧ એપ્રિલ, ૨૦૧૯ અને ૩૧ માર્ચ, ૨૦૨૩ની વચ્ચેની હોવી જોઈએ.
૩) આ કલમ સંબંધે જે પાત્ર હોય એ જ વાહન માટે લોન લેવાયેલી હોવી જોઈએ. 
ઇલેક્ટ્રિક વાહનની વ્યાખ્યા મુજબ જે વાહન ઇલેક્ટ્રિક મોટરથી જ ચાલતું હોય અને જેને વાહનમાં બેસાડાયેલી ટ્રેક્શન બૅટરી મારફતે ટ્રેક્શન એનર્જી પ્રાપ્ત થતી હોય એને ઇલેક્ટ્રિક વાહન કહેવાય છે. એ વાહનમાં ઇલેક્ટ્રિક રિજનરેટિવ બ્રેકિંગ સિસ્ટમ હોવી જોઈએ, જે બ્રેક લગાડતી વખતે વાહનની ગતિશક્તિને વીજશક્તિમાં રૂપાંતરિત કરતી હોવી જોઈએ. 
નોંધનીય છે કે સરકાર ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવા માટે ખાસ પ્રયાસ કરી રહી છે અને એથી જ લોકોને આ વાહનો ખરીદવા માટે પ્રોત્સાહન આપવાની દૃષ્ટિએ કલમ ૮૦ઈઈબી દાખલ કરવામાં આવી છે. લોકો વ્યક્તિગત સ્તરે તથા બિઝનેસના હેતુસર એનો ઉપયોગ કરી શકે છે. ઑફિસના કામે વપરાતાં વાહનો પરના વ્યાજનું ડિડક્શન આપીને કરદાતાઓને આ યોજના પ્રત્યે આકર્ષિત કરવામાં આવ્યા છે. 

business news