આવકવેરા ધારાની કલમ ૮૦ડીડીબી હેઠળ મળતી કપાત વિશે તમે શું જાણો છો?

15 June, 2021 12:11 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આવકવેરા ધારાના ચૅપ્ટર ૬એમાં આ જ કાયદાની કલમ ૮૦સીથી ૮૦યુ સુધીની કલમ હેઠળ કેટલાં ડિડક્શન મળી શકે એની વાત કરવામાં આવી છે.

પ્રતીકાત્મક તસવીર

આવકવેરા ધારાના ચૅપ્ટર ૬એમાં આ જ કાયદાની કલમ ૮૦સીથી ૮૦યુ સુધીની કલમ હેઠળ કેટલાં ડિડક્શન મળી શકે એની વાત કરવામાં આવી છે. ચૅપ્ટર ૬એ સર્વાંગી ચૅપ્ટર છે. એની દરેક કલમ હેઠળ ડિડક્શન (કપાત)ને પાત્ર અલગ-અલગ રોકાણો કે ખર્ચને આવરી લેવામાં આવ્યાં છે. એ ઉપરાંત કેટલી રકમ કપાત તરીકે મળે અને એ બધી કપાત મેળવવા માટે કઈ શરતોનું પાલન થવું જોઈએ એની પણ વિગતો એમાં આપવામાં આવી છે.  

આજે આપણે એમાંની કલમ ૮૦ડીડીબીની વિગતવાર વાત કરીએ...  
કલમ ૮૦ડીડીબીમાં નિશ્ચિત બીમારીઓની સારવાર પાછળ કરવામાં આવતા ખર્ચ સંબંધેની કપાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ કલમમાં કહેવામાં આવ્યું છે કે વ્યક્તિગત કે એચયુએફ કરદાતાએ નિશ્ચિત બીમારીની સારવાર પાછળ ખર્ચ કર્યો હોય તો એ ખર્ચનું ડિડક્શન લઈ શકાય છે. જોકે, આ કલમમાં કપાતની મહત્તમ રકમ અને એના માટે લાગુ પડતી શરતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.  

અહીં જણાવવું રહ્યું કે આ કલમમાં જે બીમારીઓનો ઉલ્લેખ છે એના માટે લેવાયેલા આરોગ્ય વીમાનું પ્રીમિયમ કપાત તરીકે લઈ શકાતું નથી. આ કલમની વ્યાખ્યા મુજબ સારવારનો ખર્ચ આવરી લેવાયેલો છે. આરોગ્ય વીમાનો ખર્ચ કપાત તરીકે લેવાને લગતી કલમ ૮૦ડી છે.  

કલમ ૮૦ડીડીબી હેઠળ કોણ ડિડક્શન ક્લેમ કરી શકે છે? 
આ કલમ હેઠળનું ડિડક્શન ફક્ત વ્યક્તિગત અને એચયુએફ કરદાતાને મળે છે. એ ઉપરાંત કરદાતા સંબંધિત વર્ષ માટે ભારતીય રહીશ હોવા જરૂરી છે. બિનરહીશ ભારતીયોને આ કપાત મળતી નથી. વળી, જેમણે ખર્ચ કર્યો હોય તેમને જ કપાત મળે છે. આમ, એ ખર્ચનો પુરાવો કરદાતા પાસે હોવો જોઈએ.  

કલમ ૮૦ડીડીબી હેઠળ કોની સારવારના ખર્ચનું ડિડક્શન લઈ શકાય છે? 
આ કલમનો સંબંધ છે ત્યાં સુધી જે વ્યક્તિએ ખર્ચ કર્યો હોય એ કપાત ક્લેમ કરી શકે છે. એ વ્યક્તિએ કરેલો ખર્ચ અહીં જણાવાયેલી વ્યક્તિઓની સારવારાર્થે થયો હોવો જોઈએઃ 
વ્યક્તિગત કરદાતાઃ વ્યક્તિગત કરદાતાના કિસ્સામાં એ કરદાતાની પોતાની કે પોતાના પર નિર્ભર વ્યક્તિઓની સારવાર માટે ખર્ચ થયો હોવો જોઈએ. આ કલમ હેઠળ નિર્ભર વ્યક્તિઓમાં કરદાતાના જીવનસાથી, તેમનાં સંતાનો, તેમનાં માતા-પિતા તથા તેમનાં પર નિર્ભર ભાઈઓ અને બહેનોનો સમાવેશ થાય છે.  
એચયુએફઃ એચયુએફના કોઈ પણ સભ્યની તબીબી સારવાર માટે થયેલા ખર્ચ સંબંધે ડિડક્શન લઈ શકાય છે.  
કઈ તબીબી સારવાર આવરી લેવાયેલી છે? 
આ કલમ હેઠળ આવરી લેવાયેલી બીમારીઓ આવકવેરા ધારાના નિયમ ક્રમાંક ૧૧ડીડીમાં જણાવવામાં આવી છે, જે અહીં જણાવ્યા મુજબ છેઃ  
૧) નિષ્ણાત ડૉક્ટરે નિદાન કર્યું હોય એવી મજ્જાતંત્રની બીમારીઓ. એમાં પંગુતાનું પ્રમાણ ૪૦ ટકા કે એનાથી વધુ હોવું જોઈએ. આ બીમારીઓમાં ડિમેન્શિયા, ડાયસ્ટોનિયા મસ્ક્યુલોરમ ડિફોર્માન્સ, કોરિયા, મોટર ન્યુરોન ડિસીઝ, એટેક્સીઆ, એફેસિયા, પાર્કિન્સન્સ ડિસીઝ અને હિમીબેલિસમ્સનો સમાવેશ થાય છે.  
૨) કૅન્સર 
૩) એઇડ્સ - એક્વાયર્ડ ઇમ્યુનો ડેફિસિયન્સી સીન્ડ્રોમ 
૪) ક્રોનિક રીનલ ફેલ્યોર 
૫) હિમેટોલૉજિકલ બીમારીઓ, જેવી કે હિમોફિલિયા અથવા થેલેસેમિયા 
કેટલી રકમ કપાત તરીકે ક્લેમ કરી શકાય છે? 
જેની સારવાર માટે ખર્ચ કરવામાં આવ્યો છે એ વ્યક્તિની ઉંમરના આધારે રકમ ડિડક્શન તરીકે ક્લેમ કરી શકાય છે. કરદાતા માટે કે તેમના પર નિર્ભર વ્યક્તિઓ માટે કે પછી એચયુએફના સભ્ય માટે કરાયેલા સારવારના ખર્ચ માટે ખર્ચ કરાયેલી વાસ્તવિક રકમ અને ૪૦,૦૦૦ રૂપિયા એ બન્નેમાંથી જે રકમ ઓછી હોય એટલી રકમનું ડિડક્શન લઈ શકાય છે.  
આ કલમની વ્યાખ્યા મુજબ -  
વરિષ્ઠ નાગરિક એટલે એ વ્યક્તિ જે ભારતીય રહીશ હોય અને સંબંધિત વર્ષમાં જેમણે ઉંમરનાં ૬૦ વર્ષ કે એનાથી વધુ વર્ષ પૂરાં કર્યાં હોય. 
અતિવરિષ્ઠ નાગરિક એટલે એ વ્યક્તિ જે ભારતીય રહીશ હોય અને સંબંધિત વર્ષમાં જેમણે ઉંમરનાં ૮૦ વર્ષ કે એનાથી વધુ વર્ષ પૂરાં કર્યાં હોય. 
કલમ ૮૦ડીડીબી હેઠળ ડિડક્શન તરીકે ક્લેમ કરી શકાય એ રકમ સરળ સમજ માટે અહીં કોષ્ટક આપ્યું છેઃ 

business news