ફેડરલ રિઝર્વની ગઈ મીટિંગના આંચકા પછી આ વખતે શું મળી શકે?

16 September, 2020 04:04 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ફેડરલ રિઝર્વની ગઈ મીટિંગના આંચકા પછી આ વખતે શું મળી શકે?

ફેડરલ રિઝર્વ

૧૯ ઑગસ્ટે ફેડરલ રિઝર્વની બેઠકની મિનિટ્સ જાહેર થવાની હતી. આ મિનિટ્સમાં અમેરિકામાં બૉન્ડના યીલ્ડ વધતા અટકાવવા માટે ફેડરલ રિઝર્વ એનો લક્ષ્યાંક જાહેર કરશે એવી આશા હતી, પણ મિનિટ્સમાં એવી જાહેરાત થઈ કે આ વિશે ચર્ચા થઈ, પણ આવા યીલ્ડના લક્ષ્યના ફાયદા કરતાં એના ગેરફાયદા વધારે હોય છે. એ પછી સોનું ૨૦૦૦ ડૉલર પ્રતિ ઔંસની સપાટીથી સરકી પડ્યું અને એક જ દિવસમાં ૩.૬ ટકા ઘટી ગયું હતું. 

આજથી ફેડરલ રિઝર્વની બે દિવસની બેઠક શરૂ થઈ રહી છે. નિર્યણ વિશેની જાહેરાત બુધવારે ભારતીય સમય મુજબ રાતે ૧૧ વાગ્યા પછી થશે, પણ અત્યારે બુલિયન માર્કેટમાં ધારણા શું છે એ જાણવું જરૂરી છે.

સૌથી પહેલાં, ફેડરલ રિઝર્વ આ બેઠકમાં વ્યાજદર સ્થિર જ રાખશે એટલે એ વિશે કોઈ આશા રાખવી નહીં, પણ આશા છે કે આગામી દિવસોમાં અમેરિકામાં ફુગાવા વિશે ફેડરલ રિઝર્વનું આંકલન સોનાના ભાવમાં વધારો કે ઘટાડો થવાનું ટ્રિગર બની શકે છે. અમેરિકામાં આર્થિક વિકાસનો મુખ્ય માપદંડ રોજગારીનું પ્રમાણ છે. મે અને જૂનમાં સુધારા પછી ફરી બેરોજગારી અને જૉબલેસ ક્લેમ ઘટી રહ્યા છે. ફુગાવા અને આર્થિક વૃદ્ધિ વિશે ફેડરલ રિઝર્વ જેટલાં સાવચેતીનાં નિવેદન આપે એટલું સોનાની તેજી માટે સારું છે. આ નિવેદનથી અમેરિકન ડૉલરનું મૂલ્ય ઘટશે, સોના સામે જોખમનું રક્ષણ ગણાતો ડૉલર નબળો પડે તો સોનાના ભાવ વધી શકે છે એટલે એના પર બધાની નજર રહેશે.

આ બેઠકમાં બીજી કેટલીક ચીજો પર પણ નજર રેહશે; જેમકે ફેડરલ રિઝર્વ જૂન મહિના પછી પ્રથમ વખત પોતાના આર્થિક વિકાસદર, ફુગાવો અને બેરોજગારીના અંદાજમાં પણ સુધારો જાહેર કરશે. એ ઉપરાંત ફેડરલ રિઝર્વ માટે અત્યારે અર્થતંત્રમાં રોજગારીનું સર્જન ચાલુ રહેવા દેવું કે પછી ફુગાવો વધતો અટકાવવા માટે પગલાં જાહેર કરવાં એ વિશે જાણવું પણ જરૂરી રહેશે.

business news