આરોગ્ય વીમાના રક્ષાકવચની સાથે-સાથે વેલનેસ બેનિફિટ મેળવવાનું તમને ગમશે?

15 February, 2023 04:59 PM IST  |  Mumbai | Nisha Sanghvi

વીમા કંપનીઓ આજકાલ પૉલિસીધારકોને તંદુરસ્તીપૂર્ણ જીવનશૈલી અપનાવવા બદલ વેલનેસ બેનિફિટ આપવા લાગી છે.

પ્રતિકાત્મક ફાઇલ તસ્વીર

તંદુરસ્તી જાળવવી એ દરેકની ફરજ છે, પરંતુ ધારો કે તમને ચુસ્તી-સ્ફૂર્તિ ટકાવી રાખવા બદલ, આરોગ્યપ્રદ ખોરાક લેવા બદલ અને તંદુરસ્તીપૂર્ણ જીવનશૈલી અપનાવવા બદલ કોઈ વ્યક્તિ ઇનામ આપે તો? ખરેખર નવાઈની વાત છે! આજે આપણે આ જ વિષય પર વાત કરવાના છીએ.

આરોગ્ય વીમાની પૉલિસીઓમાં અત્યાર સુધી તબીબી સારવારના ખર્ચ સામે આર્થિક રક્ષણ આપવામાં આવતું આવ્યું છે. વીમા કંપનીઓ આજકાલ પૉલિસીધારકોને તંદુરસ્તીપૂર્ણ જીવનશૈલી અપનાવવા બદલ વેલનેસ બેનિફિટ આપવા લાગી છે. આમાં કંપનીઓ અને વીમાધારક બન્નેને ફાયદો હોય છે, કારણ કે તંદુરસ્ત વ્યક્તિ માંદી પડે નહીં અને માંદગી આવે નહીં તો વીમા કંપનીએ ખર્ચ ભરપાઈ કરવો પડે નહીં. 

અહીં જણાવવું રહ્યું કે વીમા ક્ષેત્રની નિયમનકારી સંસ્થા ઇરડાઇએ વીમા કંપનીઓને અમુક નિર્ધારિત માપદંડ અનુસાર આરોગ્ય જાળવનારા વીમાધારકોને રિવૉર્ડ પૉઇન્ટ આપવાનું કહ્યું છે. આપણે જાણીએ છીએ કે તંદુરસ્તી ટકાવી રાખવા માટે અને એનું મૂલ્યમાપન કરવા માટે આજકાલ અનેક મોબાઇલ ઍપ તથા સાધનો ઉપલબ્ધ છે. એને આધારે વ્યક્તિ તંદુરસ્તી ટકાવી રાખી શકે છે. 

આરોગ્ય વીમા કંપનીઓ દ્વારા અપાતા રિવૉર્ડ પૉઇન્ટ્સ મેળવવા માટે પૉલિસીધારકે વેલનેસ પ્રોગ્રામમાં નામ નોંધાવવું જરૂરી છે. તેમની ઉંમર ૧૮ વર્ષથી વધુ હોવી જરૂરી છે. પ્રોગ્રામમાંથી રિવૉર્ડ પૉઇન્ટ્સ કમાવા મળે છે અને એને આધારે પ્રીમિયમમાં રાહત આપવામાં આવે છે. 

આ પણ વાંચો: મહિલાઓ માટેની વિશેષ આરોગ્ય વીમા પૉલિસીઓનો અભ્યાસ કરીને યોગ્ય પ્લાનની પસંદગી કરવી

વેલનેસ પૉઇન્ટ્સના અલગ-અલગ ફાયદાઓ આ પ્રમાણે છે

વેલનેસ રિવૉર્ડ મેળવનાર વ્યક્તિએ રિન્યુઅલ પ્રીમિયમ ભરવાનું આવે ત્યારે પાંચથી સાત ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે. વેલનેસ રિવૉર્ડનું રિડમ્પશન કરાવીને આ લાભ મેળવી શકાય છે. 

વીમા કંપનીઓની ટુકડીમાં સામેલ તબીબી નિષ્ણાતો દ્વારા સેકન્ડ ઓપિનિયન લઈ શકાય છે.

ફોન-કૉલ, ચૅટિંગ અથવા વિડિયો-કન્સલ્ટેશન દ્વારા ડૉક્ટર પાસે સલાહ લઈ શકાય છે.

ઇલેક્ટ્રૉનિક માધ્યમની મદદથી મનોવૈજ્ઞાનિક માર્ગદર્શન પણ પ્રાપ્ત કરી શકાય છે.

હેલ્થ રિવૉર્ડના બદલામાં ઈસીજી, સીબીસી, લિપિડ પ્રોફાઇલ, સોનોગ્રાફી જેવા રાબેતા મુજબના ચેક-અપની સુવિધા તથા વાર્ષિક તબીબી તપાસનો પણ લાભ મળે છે.

તંદુરસ્તી ટકાવવા માટે હેલ્થ કોચ અથવા વેલનેસ કોચ પણ તમને મદદ કરે છે.

રિવૉર્ડ પૉઇન્ટ્સના બદલામાં દવાઓની ખરીદી પણ શક્ય છે.

વેલનેસ અવૉર્ડ કેવી રીતે ક્લેમ કરવા?

આજના ડિજિટલ યુગમાં વીમા કંપનીઓ વેલનેસ રિવૉર્ડના બદલામાં રિન્યુઅલ પ્રીમિયમ પર ડિસ્કાઉન્ટ આપે છે એ આપણે જોયું. એ પ્રાપ્ત કરવા માટે સામાન્ય રીતે એક પ્રશ્નોત્તરી આપવામાં આવે છે, જેમાં તમારે પોતાની આરોગ્યની સ્થિતિનું મૂલ્યમાપન કરવાનું હોય છે, એના આધારે તમને તમારો હેલ્થ-સ્કોર ખબર પડે છે. વેલનેસ માટેની અનેક ઍપ્લિકેશન્સ અથવા સ્માર્ટ વેરેબલ મારફત પૉલિસીધારકે દરરોજનું ચાલવું, સાઇકલિંગ, સ્વિમિંગ, રનિંગ વગેરે જેવી પ્રવૃત્તિઓની નોંધ કરવાની હોય છે. એ પ્રવૃત્તિઓને મોબાઇલ ઍપ્લિકેશન્સ દ્વારા નોંધીને એના આધારે વેલનેસ રિવૉર્ડ પૉઇન્ટ્સ નક્કી થાય છે. તમારે કેટલા રિવૉર્ડ પૉઇન્ટ્સ મેળવવા છે એ પહેલેથી નક્કી કરીને એના આધારે તમારી પ્રવૃત્તિઓનું આયોજન પણ કરી શકો છો. તમે અપનાવેલી આરોગ્યપ્રદ જીવનશૈલી કેવી રીતે ઉપયોગી થઈ છે એ તમે આવાં સાધનોમાં થયેલા મૂલ્યમાપન દ્વારા જાણી શકો છો અને એ જ ડિજિટલ સાધનો તમારા રિવૉર્ડ પૉઇન્ટ્સ પણ દર્શાવે છે. આમ બન્ને પક્ષને ફાયદો કરાવનારી આ નવી સિસ્ટમનો ઉપયોગ આરોગ્ય વીમાના પૉલિસીધારકોએ કરવા જેવો છે.

business news