તમારા નાણાકીય જીવનનાં આ પાસાંને તમે ચકાસી લીધાં છે ખરા?

28 September, 2020 04:14 PM IST  |  Mumbai | Khyati Mashroo Vasani

તમારા નાણાકીય જીવનનાં આ પાસાંને તમે ચકાસી લીધાં છે ખરા?

ઈન્ડિયન કરન્સી

જીવન આપણને મળેલી અમૂલ્ય દેન છે. આથી જ આપણા જીવનનાં અનેક પાસાં મૂલ્યવાન છે. તેમાં આરોગ્ય, જીવનભરની બચત અને રોકાણ તથા તમારા સ્વજનોનો સમાવેશ થાય છે. જોકે કોરોના જેવો એક રોગચાળો તમારા નાણાકીય ભવિષ્યને ઘડીકવારમાં બગાડી શકે છે. આથી વર્તમાન સમયમાં નાણાકીય મુશ્કેલીઓથી બચવા માટે અમુક વ્યવહારુ નાણાકીય સાવચેતીઓ રાખવાની જરૂર છે.

તમારા જીવન અને આરોગ્યના પોર્ટફોલિયોની સમીક્ષા કરો

કોરોના રોગચાળો હજી વિશ્વભરમાં ફેલાઈ રહ્યો છે. આવામાં તમારે જીવન વીમો અને આરોગ્ય વીમો કઢાવી લેવો જોઈએ. જો એ વીમા કઢાવેલા હોય તો તેનું રિસ્ક કવર પૂરતું છે કે નહીં એ તપાસી લેવું. કોઈ પણ વ્યક્તિને ક્યારે પણ બીમારી આવી શકે છે. કોરોના વાઇરસ તો એવો છૂપો રૂસ્તમ છે કે એ ક્યાંથી શરીરમાં ઘૂસી જાય છે તેની ખબર પડતી નથી અને એ જીવન તથા આરોગ્ય સામે જોખમ ઊભું કરે છે. જીવન વીમામાં ટર્મ પ્લાન સૌથી સારો હોય છે, કારણ કે એમાં ઓછા ખર્ચે વધુ રિસ્ક કવર મળે છે. તમારી નાણાકીય સ્થિતિના આધારે કેટલી રકમનો વીમો લેવો જોઈએ તેનું માર્ગદર્શન નાણાકીય આયોજનકાર એટલે કે ફાઇનૅન્શિયલ પ્લાનર આપી શકે છે.

આરોગ્ય વીમાને પણ આ જ બાબત લાગુ પડે છે. તબીબી ખર્ચ કેટલો આવશે તેનો ક્યારેય અંદાજ કાઢી શકાતો નથી. આથી તમારી નાણાકીય પરિસ્થિતિના આધારે તેના રિસ્ક કવરનો નિર્ણય લેવો.

ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી અૅન્ડ ડેવલપમેન્ટ ઑથોરિટી ઑફ ઇન્ડિયા (ઇરડાઈ)એ હવે લોકોને વાર્ષિકની સાથે સાથે દર મહિને, ત્રણ મહિને કે છ મહિને આરોગ્ય વીમાનું પ્રીમિયમ ભરવાની છૂટ આપી છે. જો તમે વર્ષ પૂરું થાય તેની પહેલાં જ મેડિક્લેમનો ક્લેમ કરો તો વર્ષના બાકી નીકળતા પ્રીમિયમને કાપીને તમને બાકીની ક્લેમની રકમ ચૂકવવામાં આવે છે.

આ નિયમનકારી સંસ્થાએ એક માર્ગદર્શિકા પણ બહાર પાડી છે, જેમાં હવે રેગ્યુલર હેલ્થ ઇન્સ્યોરન્સમાં કવર થનારી બીમારીઓ જણાવી છે. ગત વર્ષે જૂનમાં ઇરડાઇએ જાહેર કર્યું હતું કે જો આરોગ્ય વીમાની પૉલિસી લીધાને આઠ વર્ષ પૂરાં થઈ ગયાં હોય એટલે કે પૉલિસીધારકે નિયમિતપણે આઠેય વર્ષનાં પ્રીમિયમ ભર્યાં હોય તો આરોગ્ય વીમાનો ક્લેમ ફગાવી શકાય નહીં. કોઈએ દગો કર્યો હોય કે જે બીમારી કવર ન હોય એનો મુદ્દો હોય તો વાત જુદી છે. તેનો અર્થ એવો કે ઉપરોક્ત બે મુદ્દાઓ સિવાયની સ્થિતિમાં મેડિક્લેમ કંપની દાવાને ફગાવી શકે નહીં.

તાકીદની સ્થિતિમાં જોઈતા ભંડોળની રકમની સમીક્ષા કરો

આપણે અગાઉ વાત કરી ચૂક્યા છીએ કે અચાનક આવી પડનારી જરૂરિયાતોને પૂરી કરવા માટે આપણી પાસે તત્કાળ અમુક રકમ રોકડ સ્વરૂપે હોવી જોઈએ. આથી ફાઇનૅન્શિયલ પ્લાનર સાથે એ મુદ્દે ચર્ચા કરીને પોતાના પરિવાર માટેના તાકીદના ભંડોળની રકમ નિશ્ચિત કરી લેવી. આવા આયોજનથી આપણું નાણાકીય ભવિષ્ય સુરક્ષિત બને છે.

business news