વિશ્વ સલામત તો જ આપણે સલામત

06 December, 2021 12:06 PM IST  |  Mumbai | JItendra Sanghvi

આપણું અર્થતંત્ર મહામારી પહેલાંના સ્તરે પહોંચ્યું, લૉકડાઉનનો અમલ આજના તબક્કે શરણાગતિ જ ગણાય

પ્રતીકાત્મક તસવીર

દક્ષિણ આફ્રિકામાં દેખા દીધેલ કોરોનાનો નવો વેરિઅન્ટ ઓમાઇક્રોન ગણતરીના દિવસોમાં વિશ્વના અનેક દેશોમાં વીજળીવેગે ફેલાઈ રહ્યો છે. અનેક દેશોની સરકારોએ વિદેશી પ્રવાસીઓ પરનાં નિયંત્રણો આકરાં કર્યાં છે. ભારત જ્યાં કોરોનાની ત્રીજી લહેર શમવાને આરે હતી તે પણ આ ભયથી મુક્ત નથી.
આ વેરિઅન્ટ બાળકોને કે વૅક્સિનના પૂરા ડોઝ લીધેલાને કેવી અને કેટલી અસર કરશે એ વિશે નિષ્ણાતોમાં જુદા-જુદા મત પ્રવર્તે છે. એટલે એ વિશે નિષ્ણાતો એક મત પર ન આવે ત્યાં સુધી તેને હળવાશથી લઈ શકાય નહીં. ડેલ્ટા વેરિઅન્ટના ભૂતકાળના અનુભવે આટલો પદાર્થપાઠ ન શીખીએ તો બીજી લહેર કરતાં પણ ગંભીર પરિણામ ભોગવવાનો વારો આવે.
દુકાળમાં અધિક માસની જેમ ગુજરાત સહિત દેશનાં કેટલાંક રાજ્યોમાં કમોસમી વરસાદ (માવઠું) અને ભૂકંપના આંચકાઓ પણ આર્થિક નુકસાન પહોંચાડી રહ્યા છે.
દક્ષિણ ભારતમાં નવેમ્બર મહિને છેલ્લાં ૧૨૦ વર્ષનો (૧૯૦૧ પછીનો) સૌથી વધુ વરસાદ પડ્યો છે. સમગ્ર દેશમાં ભારે, બહુ ભારે અને અતિ ભારે વરસાદની ઘટનાઓ નવેમ્બર મહિને છેલ્લાં પાંચ વર્ષમાં સૌથી વધારે નોંધાઈ છે. 
સપ્ટેમ્બર ક્વૉર્ટરના આર્થિક વિકાસના આંકડા ઉત્સાહપ્રેરક છે. અર્થતંત્રનું કદ મહામારી પહેલાંના સ્તરે પહોંચી ગયું છે. ઑક્ટોબર મહિનાની જીએસટીની આવકના આંકડા, કોર સેક્ટર (માળખાકીય સવલતો)નો આંક, ઑક્ટોબર અંત સુધીના ફિસ્કલ ડેફિસિટના તથા સરકારની કરવેરા સહિતની કુલ આવકના આંકડા, કુલ બૅન્ક ધિરાણના અને મોટી કંપનીઓને અપાયેલ બૅન્ક લોનના આંકડા, હોટેલની રૂમોના બુકિંગના આંકડા, મૅન્યુફૅક્ચરિંગ ક્ષેત્રનો નવેમ્બર મહિનાનો પીએમઆઇ, છેલ્લાં દસ વર્ષના વિક્રમરૂમ કંપનીઓના નવા ઇશ્યુના નવેમ્બરના આંકડા અને નવેમ્બરનો નિકાસનો વધારો, ડિસેમ્બર ક્વૉર્ટરનો અને તેને પરિણામે ચાલુ નાણાકીય વર્ષનો આર્થિક વિકાસનો દર ઊંચો (૯ થી ૧૦ ટકાનો) રહેવાની આશા તો ઊભી કરે છે, પણ નવા વેરિઅન્ટે ઊભા કરેલા ભયના માહોલમાં અને તે આગળ ભયાનક સ્વરૂપ પકડે તો આ પૉઝિટિવ ચિત્ર પલટાઈ શકે એની સતત ચિંતામાં સપ્ટેમ્બર ક્વૉર્ટરના સારા આર્થિક વિકાસના સમાચારે જોઈએ તેવી ખુશી જન્માવી નથી. 
વિશ્વ સલામત તો જ તમે સલામત
એકબીજા પર અનેક બાબતો માટે અવલંબિત આજની દુનિયામાં વિશ્વ સલામત તો જ તમે (કોઈ એક દેશ) સલામત એ વાત સાઉથ આફ્રિકાના ઓમાઇક્રોને ફરી એકવાર સાબિત કરી છે, સમૃદ્ધ દેશોએ અને વૅક્સિનનું ઉત્પાદન કરતાં ભારત જેવા દેશોએ સાઉથ આફ્રિકાને તેની પ્રજાના ઝડપી વૅક્સિનેશન બાબતે માનવતાની દૃષ્ટિએ મદદ કરી હોત તો કદાચ વિશ્વ સામે આ ખતરો ઊભો થયો ન હોત.
વિશ્વની વસ્તીના ૪૩ ટકાનું સંપૂર્ણ વૅક્સિનેશન થયાની સામે આફ્રિકા ખંડમાં આ પ્રમાણ માત્ર સાત ટકા જેટલું છે. વૅક્સિનથી વંચિત રહેલ વસ્તીના મોટા પ્રમાણને કારણે ઓમાઇક્રોન જેવો શક્તિશાળી વેરિઅન્ટ ત્યાં ઉદ્‌ભવ્યો છે. ડેલ્ટા વેરિઅન્ટને એપ્રિલથી જૂન ૨૦૨૧માં બીજા મોજારૂપે પ્રસરતા પાંચ મહિનાનો સમય લાગ્યો હતો. ઓમાઇક્રોન વેરિઅન્ટ ડેલ્ટા કરતાં વધુ શક્તિશાળી હોઈ શકે છે, જેને નાથવાનો સમય આપણી પાસે નથી. 
ભારત, અમેરિકા અને યુરોપિયન યુનિયન પાસે બૂસ્ટર શોટ માટેનો જથ્થો જુદો કાઢ્યા પછી પણ વૅક્સિનનો સ્પેર પુરવઠો સારા એવા પ્રમાણમાં છે. અમેરિકાએ છેલ્લા છ મહિનામાં રસીના દોઢ કરોડ જેટલા ડોઝનો નાશ કર્યાના સમાચાર છે. અમેરિકાએ વૅક્સિનના ઉત્પાદનમાં વપરાતા રો- મટીરિયલ્સ પર લાદેલા પ્રતિબંધોએ પણ વૅક્સિનના ઉત્પાદનને મર્યાદિત કર્યું હોય. એટલે અમેરિકાને આરોપીના પિંજરામાં ઊભું રાખવા માટે યોગ્ય ઠેરવી શકાય. અત્યાર સુધી સમૃદ્ધ અને વિકસિત દેશો આ જ પ્રમાણે આર્થિક રીતે નબળા અને ગરીબ દેશોને અન્યાય કરતા આવ્યા છે.
ભારતમાં વૅક્સિનના બન્ને ડોઝ લેનારનું પ્રમાણ ૩૨ ટકા જેટલું નીચું છે. વળી બાળકોનાં રસીકરણનો અને બૂસ્ટર ડોઝનો કાર્યક્રમ દેશમાં શરૂ કરાયો નથી. એટલે આપણી નૈતિક જવાબદારી થોડી ઓછી ગણાય. વિશ્વમાં રસીના રોજના ૫.૫ કરોડ ડોઝનું ઉત્પાદન થાય છે. એમાંથી ચોક્કસપણે અમુક ડોઝની આફ્રિકા જેવા ઓછી આવકવાળા દેશો માટે ફાળવણી કરાવી જોઈએ.
ટાઇમ ઇઝ ઑફ ધ એસેન્સ
ડેલ્ટા વેરિઅન્ટ અને એને કારણે આવેલ બીજી લહેરે આપણને ઘણુંબધું શીખવ્યું છે. હાલના ઓમાઇક્રોનનો ચેપ ડેલ્ટાથી પણ વધુ ઝડપે લાગતો હોઈ અને વિશ્વના અનેક દેશોમાં ઓમાઇક્રોનના કેસમાં થઈ રહેલ ઝડપી વધારાને કારણે સરકારે ઝડપી નિર્ણયો લેવા પડે તેમ હોય છે. એ સંદર્ભમાં સરકારે ૧૫ ડિસેમ્બરથી આંતરરાષ્ટ્રીય ફલાઇટ શરૂ કરવાનો નિર્ણય બદલ્યો છે. અનેક રાજ્યોએ પ્રાથમિક શાળાઓ શરૂ કરવાના નિર્ણયની પણ ફેરવિચારણા કરી છે. અમેરિકા સહિત વિશ્વના અનેક દેશોએ આંતરરાષ્ટ્રીય પ્રવાસ માટેના નિયમો સખત બનાવવા જેવા સાવચેતીનાં પગલાં લીધાં છે. 
જોતજોતામાં વિશ્વના ૨૪ જેટલા દેશોમાં ઓમાઇક્રોનથી સંક્રમિત થયેલ કેસ નોંધાયા છે. આ વેરિઅન્ટના દરદીઓ ‘એસિમ્પ્ટોમેટિક (કોઈ પણ જાતના રોગનાં ચિહ્ન કે લક્ષણ ન દેખાય એવાં) હોવાનું ધ્યાનમાં આવ્યું છે. 
નવી વૅક્સિનની શોધ ચાલુ, પણ ત્યાં સુધી લૉકડાઉન એ ઉપાય નથી 
વૈજ્ઞાનિકો ભવિષ્યના કોઈ પણ વેરિઅન્ટ સામે સંરક્ષણ પૂરું પાડી શકે તેવી વૅક્સિનની શોધ પર કામ કરી રહ્યા છે, પણ એ કાંઈ રાતોરાત સંભવિત નથી. એટલે ત્યાં સુધી તો અગમચેતી જ આ ફેલાવો અટકાવવામાં અગત્યનો ભાગ ભજવી શકે.
જરા પણ ચૂક થાય તો લૉકડાઉનની નોબત આવી શકે, જે આપણને પરવડે તેમ નથી એ આપણને આપણા ૨૦૨૦ના રાષ્ટ્રવ્યાપી લાંબા સમયના લૉકડાઉને શીખવ્યું છે. લૉકડાઉન લાગુ કરવો એટલે તો કોરોના સામેની લડાઈમાં હથિયાર હેઠાં મૂકીને શરણાગતિ (હાર) સ્વીકારવા જેવી વાત થઈ. એને બદલે તો કોવિડ સંબંધી પ્રોટોકોલનું કડક પાલન અને દેશને અને વિશ્વને સંપૂર્ણ વૅક્સિનેશન દ્વારા સુરક્ષિત રાખવાના પ્રયત્ન જ આપણને અકલ્પનીય આર્થિક નુકસાન કે જાનહાનિમાંથી બચાવી શકે.
સરકારે પણ કોવિડ-19ને મહાત કરવા માટે અગાઉ જાહેર કરાયેલ ‘કન્ટેનમેન્ટ સ્ટેપ્સ’ના અમલની મુદત ૩૧ ડિસેમ્બર સુધી લંબાવી છે.
આપણું અર્થતંત્ર મહામારી પહેલાંના સ્તરે પહોંચ્યું
સપ્ટેમ્બર ક્વૉર્ટરના આર્થિક વિકાસના ૮.૪ ટકાના દર સાથે (જૂન ક્વૉર્ટરમાં ૨૦.૧ ટકા) આપણું અર્થતંત્ર મહામારી પહેલાંના સ્તરે પહોંચ્યું છે. સપ્લાય સાઇડ પર સારા ચોમાસાને કારણે કૃષિક્ષેત્રે (૪.૫ ટકા) અને તહેવારોમાં અસરકારક માગના વધારાને કારણે ઉત્પાદન ક્ષેત્રે (૫.૫ ટકા) અર્થતંત્રને સધ્ધર કરવામાં મદદ કરી. આ સાથે ફિસ્કલ ’૨૨ના પૂર્વાર્ધ (એપ્રિલ-સપ્ટેમ્બર)માં આર્થિક વિકાસનો સરેરાશ દર ૧૩.૭ ટકાનો રહ્યો.
આ પૂર્વાર્ધમાં સરકારી ખર્ચ આખા વર્ષના કુલ ખર્ચના બાવન ટકા જેટલો રહ્યો. સરકારના મૂડીખર્ચમાં પણ વધારો થયો છે, પણ રેવન્યુના સારા વધારાને કારણે ફિસ્કલ ડેફિસિટ આખા વર્ષની ડેફિસિટના ૩૬ ટકા જેટલી જ રહી. છતાં ઓમાઇક્રોનના ઉદય સાથે ઊભી થયેલ અનિશ્ચિતતાને કારણે આગળ ઉપર માગમાં ઘટાડો થઈ શકવાની ગણતરીએ ફિસ્કલ ’૨૨માં આર્થિક વિકાસનો દર થોડો ઓછો રહી શકે.
ખાનગી ક્ષેત્રની માગ ચિંતાનો વિષય : સપ્ટેમ્બર ક્વૉર્ટરમાં એફએમસીજીનાં વેચાણમાં ઘટાડો
ખાનગી વપરાશ ખર્ચ સપ્ટેમ્બર ક્વૉર્ટરમાં મહામારી પહેલાંના સ્તર (૨૦૧૯ના સપ્ટેમ્બર ક્વૉર્ટર) કરતાં નીચો છે એટલે એ ચિંતાનો વિષય ગણાય. આ અસમાન આર્થિક રિકવરીના સંદર્ભમાં આપણી રિકવરી કેટલી મજબૂત અને સસ્ટેઇનેબલ બનશે એ એક પ્રશ્ન છે. 
ખાનગી વપરાશ ખર્ચ ન વધવાનું મુખ્ય કારણ બાંધકામ અને સેવાઓના ક્ષેત્રે (ખાસ કરીને વેપાર અને હોટેલ) આપણે હજી મહામારી પહેલાંના સ્તરે પહોંચ્યા નથી. આ બધી સેવાઓ વપરાશકાર અને સેવાઓ પૂરી પાડનારે એકબીજાના ઘનિષ્ઠ સંપર્કમાં આવવું પડે તેવી છે અને આ જ ક્ષેત્ર અસંગઠિત ક્ષેત્રે મોટી સંખ્યામાં રોજગારી પૂરી પાડે છે. એ રોજગારીમાં ધાર્યો વધારો ન થવાને કારણે ખાનગી વપરાશખર્ચ પણ ઇચ્છિત પ્રમાણમાં ન વધ્યું હોય તે સ્વાભાવિક છે.
સપ્ટેમ્બર ક્વૉર્ટરમાં દેશના ઉત્પાદન અને સેવાઓના પ્રમાણ (આર્થિક વિકાસનો ૮.૪ ટકાનો દર) કરતાં ચાલુ ભાવે (કરવેરા સહિત) આર્થિક વિકાસનો દર ઊંચો (૧૭.૧ ટકાનો) રહ્યો. આ તફાવત ભાવવધારા અને કરવેરાને કારણે હોય છે. સરકારની આવક વધી; સાથે અન્ય ભાવવધારા અને કરવેરાને કારણે થયેલ ભાવવધારાની અસર અસંગઠિત ક્ષેત્ર પર પડી. આ ક્ષેત્રે જોઈતા પ્રમાણમાં રોજગારી અને આવક ન વધતાં ભાવવધારાને કારણે આ ક્ષેત્રની માગ ઘટી. 
એક રિસર્ચના અહેવાલ પ્રમાણે સપ્ટેમ્બર ક્વૉર્ટરમાં એફએમસીજીનાં વેચાણની કુલ વૅલ્યુ વધી પણ તેના વૉલ્યુમ (કદ) માં ઘટાડો થયો. ચીજવસ્તુઓનાં વેચાણનું વૉલ્યુમ વધે તો જ અર્થતંત્રની રિકવરી સસ્ટેઇનેબલ બને.
વિશ્વની આર્થિક રિકવરી સામે મોટું જોખમ છે
ઓમાઇક્રોન નામનો નવો વેરિઅન્ટ, વિવિધ દેશો દ્વારા ટ્રાવેલ પર મુકાયેલા પ્રતિબંધો, ૨૦૨૧ના વર્ષના મોટા ભાગમાં પ્રવર્તતી સપ્લાય ચેનની ખામીઓ ચાલુ રહેવાની સંભાવના, ક્રૂડના ઊંચા ભાવ અને તે અંગે પ્રવર્તતી અનિશ્ચિતતા અને ફેડરલ રિઝર્વ પર વ્યાજના દર ધાર્યા કરતાં વહેલાં વધારવાનું દબાણ આ બધાં પરિબળોને વિશ્વની આર્થિક રિકવરી સામેના જોખમોમાં સમાવી શકાય. ભારત માટે મૂડીખર્ચ વધારીને રોજગારી અને આવકનો વધારો કરવાની જગ્યા છે, પરંતુ ભાવવધારાના જોખમને કારણે રિઝર્વ બૅન્ક પાસે તેની મૉનેટરી પૉલિસી હળવી કરવાનો અવકાશ ઓછો છે. એ સંજોગોમાં સરકારે મૂડીખર્ચ વધારવાનો જે અવકાશ છે તેનો પૂરો લાભ ઉઠાવવો જોઈએ.

business news