વોડાફોન આઇડિયામાંના હિસ્સાના બધા શૅર્સ વોડાફોને ગિરવે મૂક્યો

10 May, 2019 09:43 AM IST  |  નવી દિલ્હી

વોડાફોન આઇડિયામાંના હિસ્સાના બધા શૅર્સ વોડાફોને ગિરવે મૂક્યો

દેશની સૌથી મોટી ટેલિકૉમ ઑપરેટર કંપની વોડાફોન આઇડિયાએ દેવું ઓછું કરવા માટેનું ભંડોળ એકત્ર કરવા તેના પ્રમોટરોને નવા શૅર્સ ઇશ્યુ કર્યા એના ટૂંક સમયમાં વોડાફોન પીએલસીએ તેના સંપૂર્ણ હિસ્સાને સાત વિદેશી બૅન્કોમાં ગીરવે રાખી દીધો હતો.

વોડાફોન આઇડિયામાં વોડાફોન ૪૪.૩૯ ટકા હિસ્સો ધરાવે છે અને ગુરુવારની ટ્રેડિંગ પ્રાઇસ પ્રમાણે ગણીએ તો તેનું કુલ મૂલ્ય ૧૮,૦૦૦ કરોડ રૂપિયા થાય છે. કંપનીએ એક્સચેન્જમાં કરેલા ફાઈલિંગમાં જણાવ્યું છે કે વોડાફોન ગ્રુપની કંપનીઓએ વોડાફોન આઇડિયામાંના ૪૪.૩૯ ટકા હિસ્સાને ગીરવે રાખ્યો છે.

ગીરોખત વોડાફોન ગ્રુપની કંપનીઓ સાથેની ધિરાણવ્યવસ્થા સંબંધે એચએસબી કૉર્પોરેટ ટ્રસ્ટી કંપની (યુકે)ની તરફેણમાં કરવામાં આવ્યો છે. એચએસબી કૉર્પોરેટ ટ્રસ્ટી કંપની (યુકે) બીએપી પારીબાસ, એચએસબીસી બૅન્ક, આઇએનજી બૅન્ક, એનવી સિંગાપોર બ્રાન્ચ, સ્ટેન્ચાર્ટ બૅન્ક, બૅન્ક ઑફ અમેરિકા, મેરિલ લિન્ચ અને ર્મોગન સ્ટેન્લી સિનિયર ફન્ડિંગ ઇન્ક માટે ટ્રસ્ટી તરીકેનું કામ કરે છે. આ દરેક હસ્તીની સ્થાપના ભારત બહાર થયેલી છે, એમ કંપનીએ ફાઈલિંગમાં જણાવ્યું હતું.

વોડાફોન ગ્રુપ તેની ભારત બહાર અને મૉરિશિયસ સ્થિત ૧૨ હસ્તીઓ મારફત વોડાફોનમાં હિસ્સો ધરાવે છે, જેમાં અલ-અમીન ઇન્વેસ્ટમેન્ટ્સ, એશિયન ટેલિકૉમ્યુનિકેશન ઇન્વેસ્ટમેન્ટ્સ (મૉરિશિયસ), ટ્રાન્સ-ક્રિસ્ટલ, વોડાફોન ટેલિકમ્યુનિકેશન્સ (ઇન્ડિયા), સીસીઆઈ (મૉરિશિયસ), ઇન્ક યુરો પૅસિફિક સિક્યૉરિટીઝ, પ્રાઇમ મેટલ્સ અને મોબિલવેસ્ટનો સમાવેશ થાય છે.

આ પણ વાંચોઃ અનિલ અંબાણી ગ્રુપની રિલાયન્સ કમ્યુનિકેશન્સ નાદાર જાહેર થઈ

ભારતીય હસ્તીઓમાં ઓમેગા ટેલિકૉમ હોલ્ડિંગ્સ, જેકે ફિનહોલ્ડિંગ (ઇન્ડિયા), ટેલિકૉમ ઇન્વેસ્ટમેન્ટ્સ ઇન્ડિયા અને ઉષા માર્ટિન ટેલિમેટિક્સ સામેલ છે. વોડાફોન આઇડિયામાં વોડાફોન પ્રમોટર શૅરહોલ્ડરો ૧૨૭.૫૫ કરોડ શૅર્સ ધરાવે છે, જે કંપનીની ઇક્વિટી મૂડીના આશરે ૪૪.૩૯ ટકા છે. વોડાફોન આઇડિયાના રાઈટ ઇશ્યુ મારફતે વોડાફોન ગ્રુપ અને તેના ભાગીદાર આદિત્ય બિરલા ગ્રુપે વોડાફોન આઇડિયામાં ૧૭,૯૨૦ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું એના ગણતરીના દિવસોમાં શૅરો ગીરવે રાખવામાં આવ્યા હતા. રાઇટ ઇશ્યુ બાદ પ્રમોટરોનો હિસ્સો ૭૧.૩૩ ટકાથી વધીને ૭૧.૫૭ ટકા થયો હતો.


કંપની ૧.૧૪ લાખ કરોડ રૂપિયાનું દેવું ધરાવે છે, તેને ઓછું કરવા રાઇટ ઇશ્યુ દ્વારા ૨૫,૦૦૦ કરોડ રૂપિયા એકત્ર કરવામાં આવ્યા હતા.

vodafone news