વોડાફોન આઇડિયાએ સરકારનાં લેણાંનું ઇક્વિટીમાં રૂપાંતર કરવાનો નિર્ણય લીધો

12 January, 2022 01:54 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આને પગલે સરકારને કંપનીમાં મળશે ૩૫.૮ ટકા બહુમતી હિસ્સો

પ્રતીકાત્મક તસવીર. ફોટો/આઈસ્ટોક

વોડાફોન આઇડિયાએ સરકારને ચૂકવવાના ઍડ્જસ્ટેડ ગ્રોસ રેવન્યુ અને સ્પેક્ટ્રમ પરના વ્યાજની રકમને ઇક્વિટીમાં રૂપાંતરિત કરવાનો નિર્ણય લીધો હોવાથી હવે સરકાર આ કંપનીમાં ૩૫.૮ ટકા હિસ્સા સાથેની સૌથી મોટી શૅરધારક બની જશે. 
દેશની ત્રીજા ક્રમાંકની આ ટેલિકૉમ કંપનીએ મંગળવારે સવારે નિયમનકારી ફાઇલિંગમાં જણાવ્યું હતું કે કંપનીના બોર્ડ ઑફ ડિરેક્ટર્સે સોમવારની મીટિંગમાં નક્કી કર્યા પ્રમાણે સરકારને ચૂકવવાની રકમનું ઇક્વિટીમાં રૂપાંતર કરવામાં આવશે. સરકારને પ્રતિ શૅર ૧૦ રૂપિયાના ભાવે શૅરની ફાળવણી કરવામાં આવશે. આ રૂપાંતરને પગલે કંપનીના પ્રમોટરો સહિતના તમામ વર્તમાન શૅરધારકોના હિસ્સામાં ઘટાડો થશે. સરકારનો હિસ્સો ૩૫.૮ ટકા તથા વોડાફોન ગ્રુપનો આશરે ૨૮.૫ ટકા અને આદિત્ય બિરલા ગ્રુપનો હિસ્સો લગભગ ૧૭.૮ ટકા રહેશે. 
નોંધનીય છે કે થોડા વખત પહેલાં વોડાફોન આઇડિયાના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર રવીન્દર ટક્કરે એક અંગ્રેજી અખબાર સાથેની વાતચીતમાં કહ્યું હતું કે કંપની હવે સરકારી ક્ષેત્રની બની જશે, એવું કહી શકાય નહીં. સરકાર ઇચ્છે છે કે કંપની અસરકારક રીતે અને સ્પર્ધાત્મક રીતે કામ કરે. સરકાર દેશની ટેલિકૉમ કંપનીઓ હસ્તગત કરીને ચલાવવા ઇચ્છતી નથી. 
કંપનીએ બૅન્કની લોનની ચુકવણી માટે તથા આ વર્ષે 5G સેવા માટેના સ્પેક્ટ્રમની ખરીદી માટે નાણાં ઊભાં કરવાં પડશે. ગત સપ્ટેમ્બરના અંતે કંપની પરનું કુલ કરજ ૧.૯૪ ટ્રિલ્યન રૂપિયા હતું. એમાં સ્પેક્ટ્રમની ચુકવણી ૧.૦૮ ટ્રિલ્યન અને ઍડ્જસ્ટેડ ગ્રોસ રેવન્યુની રકમ ૬૩,૪૦૦ કરોડ રૂપિયા હતી. બૅન્કના કરજનું પ્રમાણ ૨૨,૭૭૦ કરોડ રૂપિયા હતું. 
કંપનીના પ્રમોટરોએ શૅરધારકોના કરાર તથા આર્ટિકલ્સ ઑફ અસોસિએશનમાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે. પ્રમોટરો કંપનીનું સંચાલન કરી શકે એ હેતુથી આ ફેરફાર કરવામાં આવશે. વળી, પ્રમોટરનું શૅરહોલ્ડિંગ ઘટી ગયું હોવાથી પણ ફેરફાર કરવો જરૂરી હતો. કંપનીના ડિરેક્ટરોની નિમણૂક સહિતના કંપનીના સંચાલનનાં કાર્યો પરનો અધિકાર ટકાવી રાખવા માટે પ્રમોટરોએ શૅરધારકોના કરારમાં સુધારો કરવાનું નક્કી કર્યું છે. સંચાલનના અધિકાર હવે લઘુતમ ૨૧ ટકા નહીં, પણ ૧૩ ટકા હિસ્સા સાથે મળી શકશે, એમ કંપનીના ફાઇલિંગમાં જણાવવામાં આવ્યું છે.
કંપનીએ કરેલી ઉક્ત જાહેરાતને પગલે એના સ્ટૉકનો ભાવ ગગડ્યો હતો. બીએસઈ પર કામકાજ બંધ થવાના સમયે વોડાફોન આઇડિયાનો સ્ટૉક ૨૦.૫૪ ટકાના ઘટાડા સાથે ૧૧.૮૦ રૂપિયે બંધ રહ્યો હતો.

તાતા ટેલિસર્વિસિસ પણ વોડાફોન આઇડિયાના માર્ગે

વોડાફોન આઇડિયા બાદ તાતા ટેલિસર્વિસિસ કંપનીએ પણ સ્પેક્ટ્રમ પરના વ્યાજ અને ઍડ્જસ્ટેડ ગ્રોસ રેવન્યુની દેણી રકમને ઇક્વિટીમાં રૂપાંતરિત કરવાનો નિર્ણય લીધો છે. સરકારને આ કંપનીમાં લગભગ ૯.૫ ટકા હિસ્સો મળશે. 
તાતા ટેલિસર્વિસિસે મંગળવારે નિવેદનમાં જણાવ્યું હતું કે કંપની પરસ્પર સહમતીના આધારે દેણી રકમનું ઇક્વિટીમાં રૂપાંતર કરવા ઇચ્છે છે. 
સરકાર કંપનીના સંચાલન બાબતે પણ પરસ્પર વાટાઘાટ કરીને નિર્ણય લઈ શકે એવો સૂર આ નિવેદનમાં વ્યક્ત થયો છે. 
નિવેદનમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે ડિપાર્ટમેન્ટ ઑફ ટેલિકૉમને આ નિર્ણયની જાણ કરવામાં આવશે. 
વ્યાજનું ચોખ્ખું વર્તમાન મૂલ્ય આશરે ૮૫૦ કરોડ રૂપિયા હોવાનો કંપનીનો અંદાજ છે. હવે ડિપાર્ટમેન્ટે એને માન્યતા આપવાની છે. ગત ૧૪ ઑગસ્ટે કંપનીના શૅરનો સરેરાશ ભાવ પ્રતિ શૅર ૪૧.૫૦ રૂપિયા હોવાનો કંપનીનો અંદાજ છે,  એમ કંપનીએ સ્ટૉક એક્સચેન્જોને મોકલેલા નિવેદનમાં જણાવ્યું છે. 
તાતા ટે‌લિસર્વિસિસે ઍડ્જસ્ટેડ ગ્રોસ રેવન્યુના ૧૬,૭૯૮ કરોડ રૂપિયા ચૂકવવાના નીકળતા હતા. એમાંથી એણે ૪૧૯૭ કરોડ રૂપિયા ચૂકવી દીધા બાદ
બાકીની રકમની ચુકવણી માટે સરકારે આપેલી ચાર વર્ષની મુદતનો લાભ લેવાનું નક્કી
કર્યું હતું. 
નોંધનીય છે કે દેણાંનું ઇક્વિટીમાં રૂપાંતર કરવાની જાહેરાતને પગલે વોડાફોન આઇડિયાના શૅરનો ભાવ ઘટ્યો હતો, જ્યારે તાતા ટેલિસર્વિસિસના શૅરનો ભાવ વધ્યો હતો. મંગળવારે બીએસઈ પર કામકાજ બંધ થવાના સમયે ભાવ ૫ ટકા વધીને ૨૯૧.૦૫ બંધ રહ્યો હતો. 

business news