કોરોનાની માર : એપ્રિલ મહિનામાં વાહનોનું અને ઈંધણનું વેચાણ ઘટ્યું

13 May, 2021 11:49 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કોરોનાના બીજા મોજાનો માર એક પછી એક અભ્યાસ અને અહેવાલમાં વ્યક્ત થઈ રહ્યો છે. ગત એપ્રિલ મહિનામાં દેશમાં પેસેન્જર વાહનોનું વેચાણ અને સાથે સાથે ઈંધણનું વેચાણ પણ ઘટ્યું છે.

ફાઈલ તસવીર

કોરોનાના બીજા મોજાનો માર એક પછી એક અભ્યાસ અને અહેવાલમાં વ્યક્ત થઈ રહ્યો છે. ગત એપ્રિલ મહિનામાં દેશમાં પેસેન્જર વાહનોનું વેચાણ અને સાથે સાથે ઈંધણનું વેચાણ પણ ઘટ્યું છે. આ ઉપરાંત વર્ક ફ્રોમ હોમની નવી સ્થિતિ આવવાને લીધે ઑફિસોનાં ભાડાંમાં પણ ઘટાડો થઈ રહ્યો છે. 

ઑટોમોબાઇલ ક્ષેત્રની સંસ્થા સોસાયટી ઑફ ઇન્ડિયન ઑટોમોબાઇલ મૅન્યુફૅક્ચરર્સે (એસઆઇએએમ) બુધવારે જણાવ્યા મુજબ સમગ્ર દેશમાં પેસેન્જર વાહનોનું વેચાણ ગયા માર્ચની તુલનાએ એપ્રિલમાં ૧૦ ટકા ઘટ્યું હતું. માર્ચનું વેચાણ ૨,૯૦,૯૩૯ યુનિટ અને એપ્રિલનું ૨,૬૧,૬૩૩ યુનિટ હતું. નોંધનીય છે કે એપ્રિલ ૨૦૨૦માં દેશભરમાં લૉકડાઉન હોવાને કારણે એક પણ પેસેન્જર વાહનનું વેચાણ થયું નહોતું. 

એસઆઇએએમે એકઠા કરેલા આંકડાઓ મુજબ ટૂ વ્હીલરનું વેચાણ માર્ચની તુલનાએ ૩૩ ટકા તથા થ્રી વ્હીલરનું ૫૭ ટકા ઘટ્યું હતું. બધા પ્રકારનાં વાહનો મળીને ઘટાડો ૩૦ ટકા હતો. 

દરમ્યાન ઑઇલ મંત્રાલયના પેટ્રોલિયમ પ્લાનિંગ ઍન્ડ એનાલિસીસ સેલે જણાવ્યા મુજબ ગત માર્ચની તુલનાએ એપ્રિલમાં ઈંધણનું વેચાણ ૯.૪ ટકા ઘટ્યું હતું. ગયા વર્ષે એપ્રિલમાં ઈંધણનું વેચાણ ૫૦ ટકા ઘટ્યું હતું. વાર્ષિક દૃષ્ટિએ જોઈએ તો ગયા એપ્રિલની તુલનાએ આ વર્ષે એપ્રિલમાં વપરાશ ૮૧.૫ ટકા વધી છે. 

અન્ય એક અહેવાલ મુજબ ગયા જાન્યુઆરી-માર્ચ દરમ્યાન પ્રાઇમ ઑફિસોનાં ભાડાંમાં પણ અનેક શહેરોમાં ઘટાડો થયો છે. બૅન્ગલોરમાં આ ઘટાડો ૮ ટકા અને મુંબઈમાં ૬.૨ ટકા રહ્યો છે. 

નાઇટ ફ્રાન્કના અહેવાલ મુજબ નૅશનલ કૅપિટલ રિજનમાં ઘટાડો ફક્ત ૧ ટકા રહ્યો છે. એશિયા પેસિફિક પ્રદેશને આવરી લેતા નાઇટ ફ્રાન્કના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે ટોકિયો, હૉન્ગકૉન્ગ અને બૅન્ગલોરમાં ૩થી ૨.૮ ટકાનો ઘટાડો થયો છે. 

business news