અમેરિકન ટ્રેઝરી યીલ્ડમાં સતત ઉછાળો, સોનું-ચાંદી વધુ ઘટ્યાં

27 February, 2021 11:00 AM IST  |  Mumbai | Mayur Mehta

અમેરિકન ટ્રેઝરી યીલ્ડમાં સતત ઉછાળો, સોનું-ચાંદી વધુ ઘટ્યાં

પ્રતીકાત્મક તસવીર

અમેરિકાનો ગ્રોથ-રેટ, જૉબડેટા અને ડ્યુરેબલ ગુડ્સના ડેટા સ્ટ્રૉન્ગ આવતાં ટ્રેઝરી યીલ્ડમાં નવેસરથી વધારો જોવા મળ્યો હતો એને પગલે સોના-ચાંદીમાં મોટી વેચવાલી જોવા મળતાં વર્લ્ડ માર્કેટમાં સોનાનો ભાવ એક સપ્તાહના તળિયે પહોંચ્યો હતો એની પાછળ તમામ પ્રૅસિયસ મેટલ તૂટ્યાં હતાં. ભારતીય માર્કેટમાં રૂપિયો તૂટતાં સોનાના ભાવ સુધર્યા હતા, મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનું ૧૨૪ રૂપિયા સુધર્યું હતું, પણ ચાંદી પ્રતિ કિલો ૧૬૦૪ રૂપિયા તૂટી હતી.

વિદેશી પ્રવાહો

અમેરિકન મેગા રિલીફ પૅકેજની અસર ઇકૉનૉમિક ડેટામાં રિફ્લેક્ટ થવા લાગી છે. સ્ટ્રૉન્ગ ઇકૉનૉમિક ડેટા અને મેગા રિલીફ પૅકેજની અસરે ઇન્ફ્લેશન વધવાના ચાન્સ વધતાં ટ્રેઝરી યીલ્ડ વધ્યા હતા. સોનું નૉન-યીલ્ડ ઍસેટ હોવાથી બૉન્ડ યીલ્ડ વધતાં ઇન્વેસ્ટરો અને ફન્ડોને સોના કરતાં ટ્રેઝરી બૉન્ડનું આકર્ષણ વધી રહ્યું છે. વર્લ્ડ માર્કેટમાં સોનું ગુરુવારે ઓવરનાઇટ ૧.૯ ટકા ઘટીને એક સપ્તાહના તળિયે પહોંચ્યું હતું. ચાલુ સપ્તાહે સોનામાં ભારે ઉતાર-ચડાવ જોવા મળ્યો છે. સપ્તાહના પહેલા બે દિવસ સોનું વધ્યા બાદ ઘટાડો જોવા મળી રહ્યો છે. સપ્તાહના આરંભે એક તબક્કે ૧૮૦૦ ડૉલરની સપાટીને પાર કરી ગયેલું સોનું ઘટીને ૧૭૬૨ ડૉલરની સપાટીએ પહોંચ્યું છે. ચાલુ સપ્તાહે સોનું ૦.૯થી એક ટકો ઘટવાની ધારણા છે જે સતત બીજા સપ્તાહે ઘટાડો હશે. સોનાએ ૧૮૦૦ ડૉલરની સપાટી તોડી હોવાથી હવે મનોવૈજ્ઞાનિક રીતે મંદીની શક્યતા વધી છે. સોનું ઘટતાં ચાંદી, પ્લૅટિનમ અને પેલેડિયમ પણ ઘટ્યાં હતાં.

ઇકૉનૉમિક ઇન્ડિકેટર

અમેરિકાનો ચોથા ક્વૉર્ટરનો ગ્રોથ-રેટ સેકન્ડ એસ્ટિમેટમાં ૪.૧ ટકા જોવા મળ્યો હતો જે પહેલા એસ્ટિમેટમાં ચાર ટકા હતો, માર્કેટની ધારણા ૪.૨ ટકા ગ્રોથ-રેટની હતી. જોકે ૨૦૨૦નો આખા વર્ષનો ગ્રોથ-રેટ માઇનસ ૩.૫ ટકા રહેવાનો અંદાજ છે, જે ૧૯૪૬ પછીનો સૌથી નીચો ગ્રોથ-રેટ છે. અમેરિકાના વીકલી જૉબલેસ ક્લેમમાં વીતેલા સપ્તાહ દરમ્યાન ૧.૧૧ લાખનો ઘટાડો થયો હતો જે ઑગસ્ટ પછીનો સૌથી મોટો ઘટાડો હતો અને જૉબલેસ ક્લેમ ત્રણ મહિનાની નીચી સપાટીએ પહોંચ્યા હતા. અમેરિકન ડ્યુરેબલ ગુડ્સ ઑર્ડરમાં જાન્યુઆરીમાં ૩.૪ ટકાનો વધારો થયો હતો જેને કારણે ડ્યુરેબલ ગુડ્સ ઑર્ડર ૬ મહિનાની ઊંચાઈએ પહોંચ્યા હતા. જપાનના ઇન્ડસ્ટ્રિયલ આઉટપુટમાં જાન્યુઆરીમાં ૪.૨ ટકાનો વધારો નોંધાયો હતો, જેમાં ડિસેમ્બરમાં એક ટકાનો ઘટાડો થયો હતો. જોકે જપાનના રીટેલ સેલ્સમાં જાન્યુઆરીમાં ૨.૪ ટકાનો ઘટાડો નોંધાયો હતો. અમેરિકા સ્ટ્રૉન્ગ ઇકૉનૉમિક ડેટાને પગલે બૉન્ડ યીલ્ડ વધુ સુધર્યા હતા અને સોનું વધુ ઘટ્યું હતું.

શૉર્ટ ટર્મ-લૉન્ગ ટર્મ

ઇન્ફ્લેશનના વધારા સામે સોનું બેસ્ટ હેજિંગ ટૂલ્સ મનાય છે, પણ અમેરિકન ટ્રેઝરી યીલ્ડના ઝડપી વધારાને કારણે સોનાનું આકર્ષણ સતત ઘટી રહ્યું છે. અમેરિકાના પ્રેસિડન્ટપદે જો બાઇડન આવી ગયા બાદ ઇકૉનૉમિક અને જિયોપૉલિટિકલ સ્ટેબિલિટી ધીમે ધીમે સ્ટ્રૉન્ગ થશે જે સોનાની તેજી માટે નેગેટિવ ફૅક્ટર હોવાથી સોનામાં મોટી તેજી થવાની શક્યતા હવે રહી નથી. સોનું ઘટે ત્યારે નવા કારણ થકી ભાવ સુધરશે. કોરોના વાઇરસના કેસ ભારત, અમેરિકા, બ્રાઝિલ સહિત યુરોપિયન દેશોમાં છેલ્લા બે દિવસમાં સતત વધી રહ્યા છે. જર્મની, ફ્રાન્સ અને પોલૅન્ડમાં કેસ વધ્યા છે. એ ઉપરાંત બ્રિટનમાં પણ હજી ૧૦,૦૦૦ આસપાસ નવા કેસ આવી રહ્યા છે. અમેરિકા-બ્રાઝિલમાં ધીમી ગતિએ સંક્રમિત કેસ વધી રહ્યા છે. કોરોના-વૅક્સિનેશનનો પ્રોગ્રામ સતત આગળ વધી રહ્યો છે ત્યારે પણ જો આગામી દિવસોમાં કોરોનાના કેસ વધશે તો સોનામાં તેજીનું નવું કારણ બનશે, અન્યથા સોનું ધીમી ગતિએ ઘટતું રહેશે.

ભાવ-તાલ

સોનું (૯૯.૯ ટચ, દસ ગ્રામ): ૪૬,૫૭૦

સોનું (૯૯.૫ ટચ, દસ ગ્રામ): ૪૬,૩૮૪

ચાંદી (.૯૯૯ ટચ, કિલોદીઠ): ૬૮,૬૨૧

(સોર્સઃઇન્ડિયન બુલિયન ઍન્ડ જ્વેલર્સ અસોસિએશન લિમિટેડ)

business news