24 February, 2026 09:52 AM IST | Mumbai | Anil Patel
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
અમેરિકન સુપ્રીમ કોર્ટે ટ્રમ્પના રેસિપ્રોકલ ટૅરિફના હથિયારને સાવ ધાર વગરનું કરી નાખ્યું છે. ટ્રમ્પનું નાક કપાયું છે એટલે આ માણસ વધુ ગિન્નાયો છે. રેસિપ્રોકલ ટૅરિફ રદ કરવાની સાથે જ તેણે વિશ્વભરના દેશો ઉપર નવી ૧૦ ટકાની અને વળતા દિવસે વધારી ૧૫ ટકાની ડ્યુટી નાખી દીધી છે. ટ્રમ્પના ઉધામા આટલેથી અટકવાના નથી. તેનું શૈતાની દિમાગ નવાં કારસ્તાન શોધી કાઢશે એ નક્કી છે. હાલની સ્થિતિ પ્રમાણે જોઈએ તો MFN પેટેના ત્રણેક ટકા પ્લસ ૧૫ ટકા એમ મળીને ભારત ઉપર ટૅરિફ ૧૮ ટકા જેવી થવા જાય છે. તાજેતરમાં જે ઇન્ટરિમ ટ્રેડ-ડીલ ઉપર સહી-સિક્કા થયાં હતાં એનો હવે કોઈ અર્થ રહેતો નથી. જોકે ટ્રમ્પ કહે છે કે આ ટ્રેડ-ડીલ લાગુ નથી થયું, પણ સહી-સિક્કા થયાં છે એટલે ભારત માટે તે કર્તા છે. મતલબ કે રશિયન ઑઇલ ખરીદવા માટે આપણે સ્વતંત્ર નથી. અમેરિકન સુપ્રીમ કોર્ટના ચુકાદા પછી એક વાત બહુ ચોક્કસ છેઃ ટ્રમ્પ તરફથી ૧૦૦-૧૫-૨૦૦ અને ૫૦૦ ટકા સુધ્ધાં ટૅરિફ લાદવાની જે ધમકી છાશવારે આવતી હતી એ હવે બંધ થઈ જશે. સૌથી મોટો ફાયદો ચાઇનાને થયો છે. માહોલમાં અનિશ્ચિતતા વધી છે.
સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ રેસિપ્રોકલ ટૅરિફ રદ થતાં ચૅનલિયા પંડિતો સોમવારે નિફ્ટી ૩૦૦-૪૦૦ પૉઇન્ટ વધવાની વારતા માંડતા હતા એવું કશું થયું નહીં સેન્સેક્સ આગલા બંધથી ૯૨ પૉઇન્ટ પ્લસમાં, ૮૨,૯૦૭ ખૂલી છેવટે ૪૮૦ પૉઇન્ટ વધીને ૮૩,૨૯૫ તથા નિફ્ટી ૧૪૨ પૉઇન્ટ વધીને ૨૫,૭૧૩ બંધ થયો છે. આરંભથી અંત સુધી માર્કેટ પૉઝિટિવ હતું. પ્રારંભિક તેજીમાં શૅરઆંક ઉપરમાં ૮૩,૪૮૬ તથા નિફ્ટી ૨૫,૭૭૧ દેખાયો હતો. માર્કેટબ્રેડ્થ નબળી રહી છે. NSEમાં વધેલા ૧૪૯૪ શૅર સામે ૧૬૭૫ જાતો ઘટી છે. માર્કેટકૅપ ૨.૦૮ લાખ કરોડ રૂપિયા વધી ૪૬૯.૧૯ લાખ કરોડ થયું છે. પીએસયુ બૅન્ક નિફ્ટી બારમાંથી ૧૦ શૅરની મજબૂતીમાં ૯૮૪૭ની નવી વિક્રમી સપાટી નોંધાવી ૧.૪ ટકા વધીને ૯૭૯૭ હતો. IT બેન્ચમાર્ક ૧.૪ ટકા કે ૪૨૪ પૉઇન્ટ કપાયો છે એના ૭૭માંથી ૫૬ શૅર ડાઉન હતા. ૬૩ મૂન્સ ૮.૮ ટકા તૂટી ૫૮૫ થયો છે. ઇન્ફોસિસ ૧.૮ ટકા બગડી ૧૩૨૮ બંધમાં સેન્સેક્સમાં ટૉપ લૂઝર બની બજારને ૭૩ પૉઇન્ટ નડી છે. વિપ્રો ૧.૯ ટકા, ટેક મહિન્દ્ર ૧.૧ ટકા, HCL ટેક્નો પોણો ટકો, TCS ૦.૪ ટકા, લાટિમ દોઢ ટકા ડૂલ થઈ હતી. નિફ્ટી ખાતે હિન્દાલ્કો બે ટકા ઘટી ૯૧૬ હતી. ONGC એક ટકો, સિપ્લા ૧.૧ ટકા, ટ્રેન્ટ પોણો ટકો, મેક્સ હેલ્થકૅર અડધો ટકો, ITC અડધો ટકો નરમ થઈ છે. અદાણી પોર્ટસ ૨.૮ ટકા વધીને ૧૫૫૪ બંધ સાથે બન્ને બજારમાં ઝળકી છે. કોટક બૅન્ક ૨.૨ ટકા, અલ્ટ્રાટેક ૧.૬ ટકા, પાવરગ્રીડ દોઢ ટકા, ઍક્સિસ બૅન્ક ૧.૩ ટકા, મહિન્દ્ર પોણો ટકો, ડૉ. રેડ્ડીઝ લૅબ ૨.૧ ટકા, ગ્રાસિમ ૧.૪ ટકા, SBI લાઇફ ૧.૪ ટકા, તાતા કન્ઝ્યુમર ૧.૩ ટકા, HDFC લાઇફ ૧.૯ ટકા વધી હતી. HDFC બૅન્ક સવા ટકો વધી બજારને ૧૫૪ પૉઇન્ટ ફળી છે. રિલાયન્સ અડધો ટકો વધીને ૧૪૨૮ હતી. સ્ટેટ બૅન્ક ૧૨૩૧ની સર્વોચ્ચ સપાટી હાંસલ કરી એક ટકો વધીને ૧૨૨૮ રહી છે. લાર્સન ૪૪૨૦ની ઑલટાઇમ હાઈ મેળવી પોણો ટકો વધીને ૪૪૧૭ બંધ થતાં માર્કેટકૅપ ૬.૦૭ લાખ કરોડ થઈ ગયું છે. નેસ્લે ૧.૭ ટકા તથા હિન્દુસ્તાન યુનિલીવર સવા ટકો પ્લસ હતી. અદાણી એન્ટરપ્રાઇઝિસ ૧.૪ ટકા વધીને ૨૧૯૧ થઈ છે.
IDFC ફર્સ્ટ બૅન્કની ચંડીગઢ બ્રાન્ચમાં હરિયાણા સરકારના અકાઉન્ટમાં ૫૭૦ કરોડની ગોલમાલ થઈ હોવાનું બહાર આવ્યું છે. હરિયાણા રાજ્ય સરકારે એના કામકાજમાં IDFC ફર્સ્ટ બૅન્ક ઉપરાંત AU બૅન્કને બૅન કરી હોવાના પણ અહેવાલ છે. ગઈ કાલે IDFC ફર્સ્ટ બૅન્કનો શૅર ૨૯.૭ ગણા કામકાજમાં ૬૭ની નીચે જઈને ૧૬.૨ ટકા તૂટી ૭૦ બંધ થયો છે. AU બૅન્ક નીચામાં ૯૫૦ બતાવી સવાપાંચ ટકા ગગડી ૯૭૫ રહી છે. મુંબઈના બોરીવલી-વેસ્ટ ખાતેની સુદર્શન ફાર્મા ઇન્ડસ્ટ્રીઝની ઑફિસ ઉપર GST ડિપાર્ટમેન્ટે ઝડતી અને જપ્તી હાથ ધરી હોવાના અહેવાલ છે. શૅર ગઈ કાલે નીચે ૨૫.૬૨ થઈ સવાબે ટકા વધીને ૨૭ બંધ હતો. ફેસવૅલ્યુ એકની છે. કંપની મે ૨૦૨૩માં ૧૦ના શૅરદીઠ ૭૩ના ભાવથી ૫૦ કરોડના BSE SME IPO લાવી હતી. નવેમ્બર ૨૦૨૪માં ૧૦ના શૅરનું એકમાં વિભાજન કર્યું હતું. ૨૦૨૫ની ૬ જાન્યુઆરીએ શૅર ૫૩.૫૦ના બેસ્ટ લેવલે ગયો હતો.
ઇન્દોરની ઇન્ફોબીન્સ ટેક્નૉલૉજીઝ એક શૅરદીઠ ૩ બોનસમાં ૨૭મીએ એક્સ બોનસ થવાની છે. શૅર ઉપર ૯૦૦ થઈ સાધારણ ઘટી ૮૮૬ બંધ થયો છે. મુંબઈના અંધેરી-ઈસ્ટ ખાતેની અગાઉ રજત ફાઇનૅન્સ તરીકે ઓળખાતી FYNX કૅપિટલ ૧૦ના શૅરના એક રૂપિયામાં વિભાજનમાં પચીસમીએ એક્સ સ્પ્લિટ થશે. શૅર ગઈ કાલે ઉપરમાં ૬૬.૭૪ થઈ બે ટકા વધી ત્યાં જ હતો. એન્જલ વન ૧૦ના શૅરના એક રૂપિયામાં વિભાજનમાં ગુરુવારે એક્સ સ્પ્લિટ થવાની છે. શૅર ઉપરમાં ૨૫૩૦ થઈ નજીવો ઘટીને ૨૪૯૩ રહ્યો છે. મુંબઈના બોરીવલી ઈસ્ટની હિલ્ટન મેટલ ૬૦ શૅરદીઠ ૨૯ શૅરના પ્રમાણમાં ૧૦ના શૅરદીઠ ૧૬.૬૮ના ભાવથી રાઇટમાં મંગળવારે એક્સ રાઇટ થવાની છે. ભાવ ૧૯.૫૦નું બૉટમ બતાવી ૭.૮ ટકા તૂટી ૧૯.૬૨ હતો. હરિયાણાના કર્નાલની પદમ કૉટન ૧૦ શૅરદીઠ સાતના પ્રમાણમાં એકના શૅરદીઠ ભાવોભાવ, એકના ભાવે રાઇટમાં આજે એક્સ રાઇટ થશે. શૅર ગઈ કાલે ઉપરમાં ૨.૬૨ થઈ ૪.૪ ટકા વધીને ૨.૬૧ બંધ હતો.
ઍક્સિસ બૅન્ક તરફથી ક્રેડિટ ઍક્સેસ ગ્રામીણને ટેકઓવર કરવામાં કોઈ રસ નહીં હોવાની સ્પષ્ટતા કરવામાં આવી છે. ક્રેડિટ ઍક્સેસનો શૅર ગઈ કાલે ઉપર ૧૩૩૨ થઈ અડધો ટકો સુધરી ૧૨૯૩ તથા ઍક્સિસ બૅન્ક ઉપરમાં ૧૪૦૨ થઈ ૧.૩ ટકા વધી ૧૩૮૬ બંધ હતી. વિદેશી પ્રમોટર્સની એક્ઝિટના પગલે આગલા દિવસે ૮ ગણા વૉલ્યુમે ૨૦ ટકાની ઉપલી સર્કિટે ૧૬૫ રૂપિયાની તેજીમાં બંધ થયેલી નોવાર્ટિસ ઇન્ડિયા ગઈ કાલે ઉપરમાં ૧૦૭૪ થઈ પોણો ટકો વધીને ૧૦૦૫ રહી છે. અમદાવાદી કંપની સિટી પલ્સ મલ્ટિવેન્ચર્સ ૨૦ ટકાની મંદીની સર્કિટમાં ૬૧૯ રૂપિયા તૂટી આગલા દિવસે ૨૪૭૫ બંધ રહ્યા પછી ગઈ કાલે નીચામાં ૧૯૮૦ થઈ ૧૫.૭ ટકા ઊછળી ૨૮૬૫ રહી છે. આ કંપની સિટી પલ્સ મલ્ટિપ્લેક્સના નામે જૂન ૨૦૧૯માં ૧૦ના શૅરદીઠ ૩૦ના ભાવથી ૪ કરોડ રૂપિયાનો BSE SME IPO લાવી હતી. ૨૦૧૯ની ૧૧ જુલાઈએ લિસ્ટિંગમાં ભાવ ૨૯.૬૫ બંધ થયો હતો. ૨૦૨૫ની ૧૨ ડિસેમ્બરે ભાવ ૩૨૯૦ના સર્વોચ્ચ શિખરે ગયો હતો. કંપનીમાં પ્રમોટર્સ હોલ્ડિંગ હાલ ૧૨ ટકા છે, ઇક્વિટી ૧૦૬૬ લાખ રૂપિયા છે. કુલ ૪૪૩ શૅરધારક છે. ૪૩૮ જેટલા પબ્લિક શૅરધાકર પાસે ૮૮ ટકા માલ છે. એમાંથી ૩૩૪ નાના શૅરધારક પાસે ફક્ત ૮ ટકા હોસ્ડિંગ છે. ૨૦૨૧ની ૧ માર્ચે ભાવ ૮ રૂપિયાના ઑલટાઇમ તળિયે ગયો હતો. કંપનીએ ગયા વર્ષે ૨૮૧ લાખની આવક ઉપર ૧૩૪ લાખ નેટ નફો કરીને સવા રૂપિયાની શૅરદીઠ કમાણી બતાવી છે.
ઓલા ઇલેક્ટ્રિક ૨૫.૭૦ના ઑલટાઇમ તળિયે જઈને ૨.૭ ટકા ગગડી ૨૫.૮૬ રહી છે. ક્વૉલિટી વૉલ્સ ૨૬.૫૪નો સૌથી નીચો ભાવ બતાવી અઢી ટકા બગડી ૨૭.૦૭ થઈ છે. મોરપેન લૅબ ૬૦ ગણા કામકાજે ઉપરમાં ૪૭ નજીક જઈને ૧૫.૪ ટકાના ઉછાળે ૪૫ બંધમાં A ગ્રુપમાં ઝળકી છે. ન્યુ લૅન્ડ લૅબ ૭ ગણા કામકાજે ૭.૯ ટકા કે ૯૯૯ રૂપિયા ઊંચકાઈને ૧૩,૬૫૩ હતી. સિગારેટ કંપની ગૉડફ્રે ફિલિપ્સ નીચામાં ૨૧૮૦ થઈ ૧૧.૨ ટકા કે ૨૭૮ રૂપિયા ગગડી ૨૨૧૩ રહી છે. યુપીએલ ૩૦ ગણા વૉલ્યુમે ૧૪.૩ ટકા તૂટી ૬૪૪ બંધ હતી.
ગઈ કાલે કુલ પાંચ નવાં ભરણાં ખૂલ્યાં છે. મેઇન બોર્ડમાં મુંબઈના ચર્ચગેટ ખાતેની ક્લીન મૅક્સ એન્વિરો એનર્જી સૉલ્યુશન્સ એક રૂપિયાના શૅરદીઠ ૧૦૫૩ની મારફાડ અપરબૅન્ડથી કુલ ૩૧૦૦ કરોડનો ઇશ્યુ લાવી છે, જેમાંથી ૧૯૦૦ કરોડ ઑફર ફોર સેલના છે. છેલ્લાં ૩ વર્ષમાંથી કંપનીએ સતત બે વર્ષ ખોટ કરી છે છતાં ઇશ્યુમાં રીટેલ પોર્શન ૩૫ ટકા રખાયો છે જે એક નવાઈ છે. ભરણું ગઈ કાલે પ્રથમ દિવસે રીટેલમાં ત્રણેક ટકા સહિત કુલ ૩૭ ટકા ભરાયું છે. ગ્રેમાર્કેટમાં ૧૪થી શરૂ થયલું પ્રીમિયમ ગગડતું રહી હાલ બે થઈ ગયું છે. કંપનીનું દેવું ૧૦,૧૨૧ કરોડથી પણ વધુ છે. ઇશ્યુમાંથી કંપનીને જે ૧૨૦૦ કરોડ મળવાના છે એમાંથી ૧૧૨૩ કરોડ દેવું ચૂકવવામાં જવાના છે. મતલબ કે કંપનીનું જે ૧૦,૧૨૧ કરોડનું દેવું છે એનો દસમો ભાગ ચૂકવવા રોકાણકારો પાસે એકના શૅરના ૧૦૫૩ રૂપિયા કંપની માગી રહી છે. ગુજરાતના ગોંડલ ખાતેની કૉટન યાર્ન કંપની શ્રીરામ ટ્વીસ્ટેકસ ૧૦ના શૅરદીઠ ૧૦૪ની અપરબૅન્ડમાં ગઈ કાલે ૧૧૦ કરોડનો ઇશ્યુ લાવી છે. એમાં QIB પોર્શન ૭૫ ટકા છે. ઇશ્યુ પ્રથમ દિવસે રીટેલમાં એકાદ ગણા સહિત કુલ ૧૨ ટકા ભરાયો છે. ગ્રેમાર્કેટમાં ૪થી શરૂ થયેલું પ્રીમિયમ હાલ ૭ રૂપિયા બોલાય છે.
ગઈ કાલે ૩ SME ભરણાં ખૂલ્યાં છે જેમાંથી ગુડગાંવ હરિયાણાની એકૉર્ડ ટ્રાન્સફૉર્મર ઍન્ડ સ્વિટ્ચગિઅરનો ૧૦ના શૅરદીઠ ૪૬ની અપરબૅન્ડમાં ૨૬ કરોડનો ઇશ્યુ રીટેલમાં ૧૫ ગણા સહિત કુલ દસેક ગણો, ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદની કિયાસા રીટેલનો ૧૦ના શૅરદીઠ ૧૨૭ના ભાવનો ૭૦ કરોડનો ઇશ્યુ રીટેલમાં ૧૮ ટકા સહિત કુલ ૧૨ ટકા તથા હરિયાણાના ફરીદાબાદની મોબિલાઇસ ઍપ લૅબનો ૧૦ના શૅરદીઠ ૮૦ના ભાવનો ૨૦ કરોડનો ઇશ્યુ રીટેલમાં ૪.૫ ગણા સહિત ૩.૭ ગણો ભરાયો છે. ગ્રેમાર્કેટ ખાતે એકૉર્ડ ટ્રાન્સફૉર્મરમાં ૧૩ રૂપિયા અને કિયાસા રીટેલમાં ૨૬ રૂપિયા પ્રીમિયમ ચાલે છે. મોબિલાઇસમાં ૧૬ના રેટ બોલાય છે.
આજે પુણેની PNGS રેવા ડાયમન્ડ જ્વેલરી ૧૦ના શૅરદીઠ ૩૮૬ની અપરબૅન્ડમાં કુલ ૩૮૦ કરોડનો ઇશ્યુ મેઇનબોર્ડમાં કરવાની છે. ઇશ્યુમાં QIB ક્વોટા ૭૫ ટકા છે, રીટેલ પોર્શન ૧૦ ટકા રખાયો છે. ૨૦૦૪માં સ્થપાયેલી PNGS રેવા ડાયમન્ડ જ્વેલરી મુખ્યત્વે ડાયમન્ડ તથા પ્રેશ્યસ અને સેમિ-પ્રેશ્યસ સ્ટોનનો ઉપયોગ કરીને વિવિધ પ્રકારનાં આભૂષણ બનાવે છે. આ કંપનીને બજારમાં હાલ લિસ્ટેડ પીએન ગાડગિલ જ્વેલર્સ સાથે કશો સંબંધ નથી, પણ PNGS ગાર્ગી ફૅશન જ્વેલરી એની ગ્રુપ કંપની છે. ગોવિંદનાથ ગાડગીળ ગ્રુપની આ કંપની મિડ ડિસેમ્બર ૨૦૨૨માં ૧૦ના શૅરદીઠ ૩૦ના ભાવથી ૮ કરોડ રૂપિયાનો BSE SME IPO લાવી હતી. ભરણું ૨૩૧ ગણું છલકાયું હતું. શૅર ૨૦ ડિસેમ્બર ૨૦૨૨ના રોજ લિસ્ટિંગમાં ૬૦ નજીક બંધ થયો હતો. લિસ્ટિંગ બાદ ભાવ વધતો રહી ૨૦૨૫ની ૨૦ જાન્યુઆરીએ ૧૫૧૭ નજીક ઑલટાઇમ હાઈ થયો હતો, હાલ રેટ ૮૯૯ આસપાસ છે. PNGS ગાર્ગી ફૅશનનો આ ટ્રેક રેકૉર્ડ ગોવિંદનાથ ગાડગીળ ગ્રુપની બીજી કંપની PNGS રેવા ડાયમન્ડ જ્વેલરીના ઇશ્યુને કેટલો લાભદાયી નીવડે છે તે જોવું રહ્યું.
PNGS રેવા ડાયમન્ડ જ્વેલરીએ ગયા વર્ષે ૩૨ ટકા વધારામાં ૨૫૯ કરોડ પ્લસની આવક ઉપર ૪૦ ટકાના વૃદ્ધિદરથી ૫૯૪૭ લાખ નેટ નફો કર્યો છે. ચાલુ વર્ષના પ્રથમ ૬ મહિનામાં ૧૫૭ કરોડની આવક ઉપર ૨૦૧૩ લાખ રૂપિયા ચોખ્ખો નફો કર્યો છે. કંપની ડેટફ્રી હતી, દોઢ વર્ષમાં દેવું ૧૩૦ કરોડ વટાવી ગયું છે. ઇશ્યુ બાદ ૨૧૮૭ લાખની ઇક્વિટી વધીને ૩૧૭૧ લાખ થશે. પ્રમોટર્સની શૅરદીઠ પડતર બહુધા સવા રૂપિયાથીય નીચી છે. ચાલુ વર્ષના પ્રથમ ૬ મહિનાની કમાણી ઍન્યુલાઇઝ્ડ કરતાં ઇશ્યુ પ્રાઇસ ૩૦.૪૦ જેવો અતિ ઊંચો પીઇ બતાવે છે. ઇશ્યુના ભંડોળમાંથી કંપની ૨૮૬ કરોડના ખર્ચે નવા ૧૫ સ્ટોર્સ ખોલવાની છે. ૩૫ કરોડ રેવા બ્રન્ડના પ્રચારમાં વાપરશે. ગ્રેમાર્કેટમાં ૨૦થી શરૂ થયેલું પ્રીમિયમ હાલમાં ગગડીને ૧૨ ચાલે છે.