અમેરિકાના અનએમ્પ્લૉયમેન્ટ બેનિફિટ ડેટા નબળા આવતાં સોનામાં સતત આગળ વધી રહેલી મંદીને બ્રેક

11 March, 2023 12:29 PM IST  |  Mumbai | Mayur Mehta

બૅન્ક ઑફ જપાને અલ્ટ્રા લો ઇન્ટરેસ્ટ રેટ પૉલિસી ચાલુ રાખતાં અમેરિકી ડૉલરને મજબૂતી મળી

પ્રતીકાત્મક તસવીર

અમેરિકાના અનએમ્પ્લૉયમેન્ટ બેનિફિટ ડેટા નબળા આવતાં સોનામાં સતત આગળ વધી રહેલી મંદીને બ્રેક લાગી હતી અને સોનાના ભાવ સુધર્યા હતા, પણ આ સુધારો લાંબો ટકી શક્યો નહોતો. મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનું પ્રતિ ૧૦ ગ્રામ ૩૮૩ રૂપિયા વધ્યું હતું, જ્યારે ચાંદી પ્રતિ કિલો બે રૂપિયા ઘટી હતી.

વિદેશી પ્રવાહ

અમેરિકામાં બેરોજગારી ભથ્થું લેનારાઓની સંખ્યા એકાએક ૨૧ હજાર વધતાં સોનામાં મંદીને બ્રેક લાગીને સુધારો જોવાયો હતો, પણ આ સુધારો લાંબો ટકી શકયો નહોતો, કારણ કે અમેરિકી ડૉલરની મજબૂતી યથાવત્ રહી હતી. હવે બધાની નજર અમેરિકાના ફેબ્રુઆરી મહિનાના જૉબડેટા પર છે. પ્રાઇવેટ સેક્ટરના જૉબડેટા સ્ટ્રૉન્ગ આવ્યા બાદ નૉન ફાર્મ પે-રોલ ડેટા જો સ્ટ્રૉન્ગ આવશે તો સોનામાં આગળ જતાં મોટો ઘટાડો જોવા મળી શકે છે, પણ જો આ ડેટા ધારણા કરતાં નબળા આવશે તો સોનામાં ટૂંકા ગાળા માટે એક જમ્પ જોવા મળી શકે છે. બેરોજગારી ભથ્થું લેનારાઓની સંખ્યા વધતાં સોનું વધીને ૧૮૩૮.૨૦ ડૉલર થયું હતું, પણ ત્યાર બાદ ઘટીને ૧૮૨૮.૨૦ ડૉલર થયા બાદ શુક્રવારે સાંજે ૧૮૩૩થી ૧૧૩૪ ડૉલરની રેન્જમાં હતું. સોનું ઊંચા મથાળેથી ઘટતાં એને પગલે ચાંદી, પ્લૅટિનમ અને પૅલેડિયમ પણ ઘટ્યાં હતાં.

ઇકૉનૉમિક ઇન્ડિકેટર

ચીનનું સોશ્યલ ફાઇનૅન્સિંગ ફેબ્રુઆરીમાં ઘટીને ૩.૧૬ ટ્રિલ્યન (લાખ કરોડ રૂપિયા) યુઆન રહ્યું હતું જે જાન્યુઆરીમાં ૫.૯૮ ટ્રિલ્યન યુઆન રહ્યું હતું, પણ માર્કેટની ધારણા ૨.૨૦ ટ્રિલ્યન યુઆનની હતી. ચાઇનીઝ રીઓપનિંગ બાદ ગવર્મેન્ટની ગ્રોથ ઓરિએન્ટેડ પૉલિસીને કારણે સોશ્યલ ફાયનૅન્સિંગ બેટર બની રહ્યું છે. ચીનમાં ફેબ્રુઆરીમાં નવી બૅન્ક લોન ૧.૮૧ ટ્રિલ્યન યુઆન રહી હતી જે જાન્યુઆરીમાં ૪.૯૦ ટ્રિલ્યન યુઆન હતી, માર્કેટની ધારણા ૧.૫૦ ટ્રિલ્યન યુઆનની હતી. ચીનનું વેહિકલ સેલ્સ ફેબ્રુઆરીમાં ૧૧૩.૫ ટકા વધીને ૧૯.૮ લાખે પહોંચ્યું હતું જે જાન્યુઆરીમાં ૩૫ ટકા ઘટ્યું હતું. વેહિકલ સેલ્સમાં છેલ્લા ચાર મહિનામાં પહેલો વધારો જોવા મળ્યો હતો. જાન્યુઆરી-ફેબ્રુઆરી બે મહિનામાં ચીનમાં કાર-સેલ્સ ૧૫.૨ ટકા વધ્યું હતું.

બૅન્ક ઑફ જપાને અલ્ટ્રા લો ઇન્ટરેસ્ટ રેટ પૉલિસી ચાલુ રાખતાં યેન ડૉલર સામે વધુ ઘટીને ૧૩૭ના લેવલે પહોંચ્યો હતો. બૅન્ક ઑફ જપાનના ગવર્નર હરૂહિકો કુરોડાની છેલ્લી મીટિંગમાં મૉનિટરી પૉલિસી યથાવત્ રખાઈ હતી. બૅન્કના મેમ્બરોએ મૉનિટરી પૉલિસીમાં ફેરફાર થવાના કોઈ સંકેતો આપ્યા ન હોવાથી જૅપનીઝ યેન વધુ નબળો પડ્યો હતો. બૅન્ક ઑફ જપાનના નવા ગવર્નરના દાવેદાર ઉડાના સ્ટૅન્ડ પર હવે નજર મંડાયેલી છે. જપાનના ઇન્ટરેસ્ટ રેટ હાલ નેગેટિવ ૦.૧૦ ટકા અને ટેન યર બૉન્ડનાં યીલ્ડ ઝીરો ટકા છે.

અમેરિકી ડૉલર શુક્રવારે ૧૦૫.૨ના લેવલે સ્ટેડી હતો. અમેરિકાના ફેબ્રુઆરીના જૉબરિપોર્ટની રાહે ડૉલરમાં કોઈ મોટા ફેરફાર થયા નહોતા. ફેડ ચૅરમૅન જેરોમ પૉવેલના ઇન્ટરેસ્ટ રેટમાં સ્ટ્રૉન્ગ વધારાની કમેન્ટ બાદ ડૉલરમાં સતત મજબૂતી વધી રહી છે. અમેરિકામાં બેરોજગારી ભથ્થું લેનારાઓ નવા કૅ​ન્ડિડેટની સંખ્યા ૪થી માર્ચે પૂરા થયેલા સપ્તાહના અંતે ૨૧ હજાર વધીને કુલ ૨.૧૧ લાખે પહોંચી હતી જે છેલ્લા ત્રણ મહિનાની સૌથી વધુ હતી અને માર્કેટની ૧.૯૫ લાખની ધારણા કરતાં ઘણી વધુ હતી. બેરોજગારી ભથ્થું લેનારા એ​ક્ઝિ​સ્ટિંગની કૅ​ન્ડિડેટની સંખ્યા ૩૫,૩૫૭ વધીને ૨.૩૭ લાખે પહોંચી હતી.

શૉર્ટ ટર્મ-લૉન્ગ ટર્મ

અમેરિકન ઇકૉનૉમિક ડેટા જ્યાં સુધી સ્ટ્રૉન્ગ આવી રહ્યા છે ત્યાં સુધી ફેડનું સ્ટૅન્ડ ઇન્ટરેસ્ટ રેટ વધારવા માટે બુલિશ રહેશે, આથી સોનામાં તેજી થવી મુશ્કેલ છે. સોનામાં તેજી થવા માટે અમેરિકન ઇકૉનૉમિક ડેટામાં એક નેગેટિવ ઝટકો આવવાની જરૂર છે. અમેરિકામાં બેરોજગારી ભથ્થું લેનારાઓની સંખ્યા સતત ઘટી રહી હતી, પણ છેલ્લા સપ્તાહમાં એકાએક સંખ્યા ૨૧ હજાર વધી હતી. અમેરિકાની સ્ટ્રૉન્ગ ઇકૉનૉમીને તરફેણ કરનારાઓ માટે આ એક ઝટકો હતો, પણ આ કોઈ મોટો ઝટકો નહોતો. આવા એક-બે નાના ઝટકા સાથે એક મોટો ઝટકો આવે તો ફેડને ઇન્ટરેસ્ટ રેટ વધારવામાં થોડી સાવચેતી રાખવી પડે અને ફેડના મેમ્બરની કમેન્ટ થોડી નરમ પડે તો સોનામાં નવેસરથી લેવાલી નીકળી શકે છે. ચીન અને ભારત વર્લ્ડમાં સોનાના કન્ઝમ્પ્શનમાં ૫૦ ટકા હિસ્સો ધરાવે છે અને ચીન વર્લ્ડનું સૌથી મોટું કન્ઝ્યુમર છે આથી ચીનની ઇકૉનૉમિક ક​ન્ડિશનમાં કોઈ મોટું પૉઝિટિવ ડેવલપમેન્ટ જોવા મળે તો પણ સોનાની તેજી માટે પૉઝિટિવ બની શકે છે. સૌથી મહત્ત્વની વાત એ છે ડૉલરની તેજી જો કોઈ પણ હિસાબે તૂટે તો સોનામાં ઉછાળાની હારમાળા સર્જાશે. અમેરિકાના ઇન્ટરેસ્ટ રેટવધારો વહેલો કે મોડો અટકવાનો છે. જે દિવસે ઇન્ટરેસ્ટ રેટવધારો ધીમો પડવાનો કે અટકવાનો સંકેત મળશે ત્યારે ડૉલર ગગડવા લાગશે અને સોનામાં તેજીનો આરંભ થશે. હાલમાં સોનામાં ઇન્વેસ્ટ કરવાનો ઉત્તમ સમય ગણી શકાય.

ભાવ તાલ

સોનું (૯૯.૯ ટચ, દસ ગ્રામ): ૫૫,૬૬૯
સોનું (૯૯.૫ ટચ, દસ ગ્રામ): ૫૫,૪૪૬
ચાંદી (.૯૯૯ ટચ, કિલોદીઠ): ૬૧,૭૯૧

(સોર્સઃઇન્ડિયન બુલિયન ઍન્ડ જ્વેલર્સ અસોસિએશન લિમિટેડ)

business news china united states of america