અમેરિકી ફેડરલ રિઝર્વે બૉન્ડ બાઇંગ લાંબા સમય સુધી ચાલુ રાખવાની જાહેરાત

16 January, 2021 11:16 AM IST  |  Mumbai | Mayur Mehta

અમેરિકી ફેડરલ રિઝર્વે બૉન્ડ બાઇંગ લાંબા સમય સુધી ચાલુ રાખવાની જાહેરાત

પ્રતીકાત્મક તસવીર

અમેરિકી ફેડરલ રિઝર્વ ચૅરમૅન જેરોમ પોલે લાંબા સમય સુધી બૉન્ડ બાઇંગ ચાલુ રાખવાની જાહેરાત કરતાં તેની અસરે વર્લ્ડ માર્કેટમાં સોનું-ચાંદી સુધર્યાં હતાં પણ મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનું-ચાંદી ઘટ્યાં હતાં. મુંબઈમાં

સોનું પ્રતિ ૧૦ ગ્રામ ૧૫૨ રૂપિયા અને ચાંદી પ્રતિ કિલો ૨૫ રૂપિયા ઘટી હતી.

વિદેશી પ્રવાહો

અમેરિકી ફેડ ચૅરમૅન જેરોમ પોલે એક વક્તવ્યમાં જણાવ્યું હતું કે ફેડના ઇન્ફ્લેશન અને એમ્પ્લોમેન્ટના ટાર્ગેટ હજી પૂરા થવાના બાકી હોઈ હાલ બૉન્ડ બાઇંગ પોગ્રામ ઘટાડવાની કોઈ વિચારણા કરવામાં આવશે નહીં. ફેડ દ્વારા બૉન્ડ બાઇંગ પોગ્રામ લાંબો સમય સુધી ચાલુ રાખવાની જાહેરાતને પગલે ડૉલર ઘટતાં સોના-ચાંદીના ભાવમાં સુધારો જોવા મળ્યો હતો. અમેરિકન ઇલેક્ટેડ પ્રેસિડન્ટ બાઇડને ગુરુવારે ૧.૯ ટ્રિલ્યન (લાખ કરોડ) ડૉલરના રિલીફ પૅકેજની દરખાસ્ત મૂકી હતી જેને પગલે અમેરિકન ઇકૉનૉમીમાં લિક્વિડિટીનો મોટો ફ્લો આવવાની ધારણાએ સોના-ચાંદી સહિત તમામ ફાઇનૅન્શિયલ એસેટમાં લેવાલી વધી હતી. અમેરિકન હાઉસ ઑફ રિપ્રેઝન્ટિવે ડોનલ્ડ ટ્રમ્પની હકાલપટ્ટીને માન્યતા આપ્યા બાદ હવે આવતાં સપ્તાહના આરંભે સૅનેટમાં આ પ્રસ્તાવ રજૂ કરવામાં આવશે, આમ પોલિટિકલ અનિશ્ચિતતાની અસરે પણ સોના-ચાંદીમાં લેવાલી વધી હતી. આમ વર્લ્ડ માર્કેટમાં સ્પોટ માર્કેટમાં સોનું ૦.૪ ટકા વધીને ૧૮૫૩.૮૧ ડૉલરના લેવલે પહોંચ્યું હતું.

ઇકૉનૉમિક ઇન્ડિકેટર

અમેરિકાના જોબલેસ ક્લેઇમ તા. ૯મી જાન્યુઆરીએ પૂરા થયેલા સપ્તાહ દરમ્યાન વધીને ૯.૫૯ લાખે પહોંચ્યા હતા, જોબલેસ ક્લેઇમની સંખ્યા ઑગસ્ટ પછીની સૌથી હાઇએસ્ટ રહી હતી જે બતાવે છે કે અમેરિકામાં કોરોના વાઇરસની જોબ-માર્કેટમાં બહુ જ મોટી અસર જોવા મળી રહી છે. બ્રિટનનો ઇકૉનૉમિક ગ્રોથ નવેમ્બરમાં ૮.૯ ટકા ઘટયો હતો જે જુલાઈ પછી સૌથી નીચો રહ્યો હતો. જોકે માર્કેટની ૧૨.૧ ટકાના ઘટાડાની ધારણા કરતાં ઓછો ઘટ્યો હતો. જોકે બ્રિટનની એક્સપોર્ટ નવેમ્બરમાં ૩.૯ ટકા વધીને નવ મહિનાની ઊંચાઈએ પહોંચી હતી તેમ જ ઇમ્પોર્ટ ૮.૯ ટકા વધીને એક વર્ષની ઊંચાઈએ પહોંચી હતી. ચીનના ૭૦ ટોચનાં શહેરોમાં નવાં મકાનોના ભાવ ડિસેમ્બરમાં ૩.૮ ટકા વધ્યા હતા જે ઑકટોબરમાં ચાર ટકા વધ્યા હતા, ડિસેમ્બરમાં નવાં મકાનોના ભાવ વધવાનો વૃદ્ધિદર ફેબ્રુઆરી-૨૦૧૬ પછીનો સૌથી ઓછો રહ્યો હતો. ચીનની ગવર્નમેન્ટ રિયલ એસ્ટેટ માર્કેટની તેજીને ઠંડી પાડવા છેલ્લા દોઢ-બે વર્ષથી પ્રયત્ન કરી રહી છે જેને કારણે હવે રિયલ એસ્ટેટ

માર્કેટની તેજી ઠંડી પડી રહી છે. અમેરિકાના જોબ-માર્કેટના નબળા ડેટા અને ચીન-બ્રિટનના ડેટા સોનાની માર્કેટ માટે પૉઝિટિવ રહ્યા હતા.

શોર્ટ ટર્મ-લોગ ટર્મ ભાવિ

કોરોના વાઇરસના કેસ છેલ્લા ત્રણ-ચાર દિવસમાં ફરી વધવા લાગતાં અનેક દેશોએ લૉકડાઉનનાં પગલાં લીધાં છે. ખાસ કરીને ચીનમાં સ્થિતિ ઝડપથી બગડી રહી છે. ચીનમાં નવ શહેરોમાં લૉકડાઉન લાદવામાં આવ્યું છે અને ૨૮ શહેરોને હાઇ અલર્ટ કરવામાં આવ્યાં છે. જર્મની અને ફ્રાન્સમાં કેસ વધતાં લૉકડાઉન હજી ચાલુ છે. મલેશિયા અને જપાનની સ્થિતિ વધુ બગડી રહી છે. મલેશિયામાં પણ લૉકડાઉન લાદવામાં આવ્યું છે અને જપાનમાં સ્ટેટ ઑફ ઇમર્જન્સી લાગુ કરવામાં આવી છે. કોરોના વાઇરસના કેસ ફરી વધતાં સોનાનું સેઇફ હેવન સ્ટેટ્સ સુધર્યું છે તેમ જ કોરોના વાઇરસને કારણે ઇકૉનૉમીને જે માર પડશે તેના માટે સેન્ટ્રલ બૅન્ક દ્વારા ઇન્ટરેસ્ટ રેટ ઘટાડા સહિત રિલીફ પૅકેજ વિગેરે જાહેર કરવામાં આવશે જેનાથી માર્કેટમાં લિક્વિડીટી વધશે જે સોનાની તેજીને ઇંધણ પૂરું પાડશે. આમ સોનામાં હવે શોર્ટ ટર્મ અને લોગ ટર્મ બન્ને રીતે તેજીના સંજોગો ઊભા થઈ રહ્યા છે.

ભારતમાં રૂપિયાની નબળાઈ અને સોનાના ઊંચા ભાવથી ડિસ્કાઉન્ટ પાંચ વર્ષની ઊંચાઈએ

વર્લ્ડ માર્કેટમાં સોનાના ભાવ વધવાની સાથે ભારતીય રૂપિયો નબળો પડતાં સ્થાનિક માર્કેટમાં સોનાનો ભાવ વધતાં સોનાના ભાવનું ડિસ્કાઉન્ટ વધીને પાંચ વર્ષની ઊંચાઈએ પહોંચ્યું હતું. હાલ ભારતીય માર્કેટમાં સોનાના ડીલરો બ્રિટનના સોનાના ભાવની સરખામણીમાં પ્રતિ ઔંસ ૧૫ ડૉલર ડિસ્કાઉન્ટ ઑફર કરી રહ્યા છે જે સપ્ટેમ્બર-૨૦૧૬ પછીનું સૌથી વધુ છે. ગત સપ્તાહે ડીલરો સાત ડૉલર ડિસ્કાઉન્ટ ઑફર કરી રહ્યા હતા. બ્રિટનના ભાવ કરતાં અહીં સોનું પ્રતિ ઔસ ૧૫ ડૉલર સસ્તું હોવા છતાં હાલ વર્લ્ડ માર્કેટમાં ડીલરો સોનું ખરીદવા તૈયાર નથી, કારણ કે ડિસ્કાઉન્ટ હજી વધવાની ધારણા છે.

ભાવ-તાલ

સોનું (૯૯.૯ ટચ, દસ ગ્રામ): ૪૯,૩૨૭

સોનું (૯૯.૫ ટચ, દસ ગ્રામ): ૪૯,૧૨૯

ચાંદી (.૯૯૯ ટચ, કિલોદીઠ): ૬૫,૪૨૦

(સોર્સઃઇન્ડિયન બુલિયન ઍન્ડ જ્વેલર્સ અસોસિએશન લિમિટેડ)

business news