ફેડના નવેમ્બરથી ટેપરિંગ કરવાના નિર્ણયને પગલે અમેરિકી ડૉલર સુધરતાં સોના-ચાંદી ઘટ્યાં

24 September, 2021 10:56 AM IST  |  Mumbai | Mayur Mehta

ફેડે ૨૦૨૨ના અંતે ઇન્ટરેસ્ટ રેટ વધારવાનો નિર્ણય કરતાં સોનામાં લૉન્ગ ટર્મ ઘટાડો જોવા મળશે

પ્રતીકાત્મક તસવીર

છેલ્લા ત્રણ-ચાર મહિનાથી જેની ચર્ચા થતી હતી એ ટેપરિંગ અંગે ફેડનો નિર્ણય આવી જતાં તેમ જ ઇન્ટરેસ્ટ રેટમાં વધારો કરવાની ટાઇમલાઇન પણ જાહેર થતાં ડૉલર સુધર્યો હતો અને નવી ખરીદીનું આકર્ષણ ઘટતાં સોના-ચાંદી વર્લ્ડ માર્કેટમાં ઘટ્યાં હતાં. મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનું પ્રતિ ૧૦ ગ્રામ ૧૩૨ રૂપિયા ઘટ્યું હતું, જ્યારે ચાંદીના ભાવ યથાવત્ રહ્યા હતા.

વિદેશી પ્રવાહો

અમેરિકન ફેડે નવેમ્બરથી ટેપરિંગ ચાલુ કરવાનો અને આગામી એક વર્ષમાં ઇન્ટરેસ્ટ રેટમાં વધારો કરવાની સ્પષ્ટ જાહેરાત કરતાં ડૉલર સુધર્યો હતો અને સોનું વર્લ્ડ માર્કેટમાં ઘટ્યું હતું. ફેડના નિર્ણયના પગલે કરન્સી બાસ્કેટમાં ડૉલર એક મહિનાની ઊંચાઈએ પહોંચ્યો હતો. સોનું ઘટતાં ચાંદી, પ્લૅટિનમ અને પેલેડિયમ પણ ઘટ્યા હતા.

ઇકૉનૉમિક ઇન્ડિકેટર

અમેરિકન ફેડની બે દિવસીય પાલિસી મીટિંગને અંતે થયેલી જાહેરાત અનુસાર હવે પછીની ૨-૩ નવેમ્બરની મીટિંગમાં ટેપરિંગ એટલે દર મહિને થતી ૧૨૦ અબજ ડૉલરના બૉન્ડની ખરીદીમાં ઘટાડો કરવામાં આવશે અને ૨૦૨૨માં અંતે ઇન્ટરેસ્ટ રેટમાં ઘટાડો કરવામાં આવશે. ફેડની મીટિંગમાં હાજર રહેલા ૧૮ મેમ્બર્સમાંથી અડધા મેમ્બર્સે ૨૦૨૨ના અંત સુધીમાં ઇન્ટરેસ્ટ રેટમાં વધારો કરવાની તરફેણ કરી હતી, જ્યારે સાત મેમ્બર્સે જૂન-૨૦૨૨માં ઇન્ટરેસ્ટ રેટમાં વધારો કરવાની તરફેણ કરી હતી. ૧૮ મેમ્બર્સમાંથી અડધાએ ૨૦૨૩ના એન્ડ સુધીમાં ઇન્ટરેસ્ટ રેટમાં એક ટકાનો વધારો કરવાની અને ૨૦૨૪માં વધુ એક ટકાનો વધારો કરવાની તરફેણ કરી હતી. મોટા ભાગના ફેડ મેમ્બર્સ ઇન્ટરેસ્ટ રેટમાં વધારો કરવાની શરૂઆત થાય એ પહેલાં બૉન્ડ બાઇંગ પ્રોસેસ પૂરી કરી લેવાના મતના હતા. ફેડ દ્વારા અમેરિકાનો ગ્રોથરેટ ચાલુ વર્ષે ૫.૯ ટકા રહેવાનું પ્રોજેક્શન મુકાયું હતું, જે જૂન મીટિંગમાં સાત ટકાનું મુકાયું હતું. ઇન્ફલેશન ચાલુ વર્ષે વધીને ૩.૭ ટકા રહેવાની આગાહી કરી હતી, જે જૂનમાં ૩.૦ ટકા રહેવાની આગાહી કરા, હતી. ઇન્ફલેશન ૨૦૨૨માં ૨.૩ ટકા અને ૨૦૨૩માં ૨.૨ ટકા રહેવાની આગાહી કરાઈ હતી. અનએમ્પ્લોયમેન્ટ રેટ ચાલુ વર્ષે ચોથા ક્વૉર્ટરમાં ૪.૮ ટકા રહેવાનું પ્રોજેક્શન મુકાયું હતું જે જૂનમાં ૪.૫ ટકા મુકાયું હતું. બૅન્ક ઑફ ઇંગ્લૅન્ડની પૉલિસી મીટિંગમાં ઇન્ટરેસ્ટ રેટ લૉ લેવલે જાળવી રાખવામાં આવ્યો હતો અને બૉન્ડ બાઇંગ પ્રોગ્રામ યથાવત જાળવી રાખવામાં આવ્યો હતો. બ્રિટનના ગ્રોથરેટમાં એક ટકાનો ઘટાડો કરીને ૨.૫ ટકા રહેવાનું પ્રોજેક્શન મુકાયું હતું. બ્રિટનનો સર્વિસ ગ્રોથના પ્રોવિઝનલ ડેટામાં સપ્ટેમ્બરમાં ઘટીને ૫૪.૬ પૉઇન્ટે પહોંચ્યો હતો જે ઑગસ્ટમાં ૫૫ પૉઇન્ટ હતો, જ્યારે મૅન્યુફૅકચરિંગ ગ્રોથના પ્રોવિઝનલ ડેટામાં સપ્ટેમ્બરમાં ઘટીને ૫૬.૩ પૉઇન્ટ રહ્યો હતો જે ઑગસ્ટમાં ૬૦.૩ પૉઇન્ટ હતો. યુરો એરિયાનો મૅન્યુફૅકચરિંગ ગ્રોથ પ્રોવિઝનલ સપ્ટેમ્બરમાં ઘટીને ૫૮.૭ પૉઇન્ટ રહ્યો હતો જે ઑગસ્ટમાં ૬૦.૩ પૉઇન્ટ હતો, જ્યારે સર્વિસ સેકટરનો ગ્રોથ સપ્ટેમ્બરમાં ઘટીને ૫૬.૩ પૉઇન્ટ રહ્યો હતો જે ઑગસ્ટમાં ૫૯ પૉઇન્ટ હતો. 

શૉર્ટ ટર્મ - લૉન્ગ ટર્મ

ફેડ અને બૅન્ક ઑફ ઇંગ્લૅન્ડની પૉલિસી મીટિંગના નિર્ણયો જુદી-જુદી દિશાના હોવા છતાં સોના-ચાંદીની માર્કેટની નવી દિશાનો ઘણોખરો નિર્દેશ આપનારા હતા. અમેરિકન ફેડે બૉન્ડ બાઇંગ પ્રોસેસ ઝડપથી પૂરી કરીને ઇન્ટરેસ્ટ રેટ વધારવાની ચોખ્ખી જાહેરાત કરતાં લૉન્ગ ટર્મ અમેરિકન ડૉલરમાં મજબૂતી વધશે એ નક્કી થઈ ચૂક્યું છે. બૅન્ક ઑફ ઇંગ્લૅન્ડની પૉલિસી મીટિંગમાં બૉન્ડ બાઇંગ અંગે કોઈ નિશ્ચિત માર્ગરેખા નક્કી થઈ નથી, પણ બૅન્ક ઑફ ઇંગ્લૅન્ડના બે મેમ્બર્સે બૉન્ડ બાઇંગ ઝડપથી ઘટાડવાની તરફેણમાં મત આપ્યો હતો. આથી બૅન્ક ઑફ ઇંગ્લૅન્ડ પણ આગામી ચારથી છ મહિનામાં બૉન્ડ બાઇંગ ઘટાડશે એ નક્કી છે. કોરોનાનો ડર હવે વિશ્વમાં પહેલા જેવો રહ્યો નથી અને અમેરિકા સિવાયના મોટા ભાગના દેશોમાં નવા કેસ ઘટી રહ્યા હોવાથી કોરોનાની ઇકૉનૉમિક ઇમ્પેક્ટ હવે ખતમ થઈ ચૂકી હોવાનું મોટા ભાગના ઇકૉનૉમિસ્ટો માની રહ્યા છે. આમ,

સોના-ચાંદીના ભાવનું શૉર્ટ ટર્મ પ્રોજેક્શન ટૂંકી વધ-ઘટવાળું રહેશે, પણ મિડિયમથી લૉન્ગ ટર્મ સોનામાં ઘટાડો જોવા મળશે.

ભાવ તાલ

સોનું (૯૯.૯ ટચ, દસ ગ્રામ): ૪૬,૬૯૪

સોનું (૯૯.૫ ટચ, દસ ગ્રામ): ૪૬,૫૦૭

ચાંદી (.૯૯૯ ટચ, કિલોદીઠ): ૬૦,૭૮૮

(સોર્સઃઇન્ડિયન બુલિયન ઍન્ડ જ્વેલર્સ અસોસિએશન લિમિટેડ)

business news