અમેરિકી બૉન્ડ યીલ્ડ વધતાં શૅરબજારોમાં કરેક્શન

25 January, 2021 10:33 AM IST  |  Mumbai | Biren Vakil

અમેરિકી બૉન્ડ યીલ્ડ વધતાં શૅરબજારોમાં કરેક્શન

પ્રતીકાત્મક તસવીર

અમેરિકામાં બાઇડન-હેરીસ વહીવટીતંત્રે કાર્યભાર સંભાળ્યો છે. સ્ટિમ્યુલસ દ્વારા અર્થતંત્રને સહાય અને વૅક્સિન દ્વારા કોરોના સામે જંગ જીતવાનો છે. નાગરિકોને રોકડ સહાય સાથે સ્ટિમ્યુલસ શરૂ થયું છે. સરકારી કચેરીઓ, જાહેર સ્થળોએ ફરજિયાત માસ્ક પહેરવા સાથે એક ચોક્કસ નીતિ નક્કી થઈ રહી છે. સ્ટિમ્યુલસનું કારણ ડિસ્કાઉન્ટ થઈ ગયું છે. સુપરરિચ લોકો પર ટૅક્સ વધશે, બિગ ટૅક કંપનીઓ પર અંકુશો આવશે, શૅરબજારો પર રેગ્યુલેટરી તવાઈ વધશે એવી આશંકા વચ્ચે બિગમની પ્રોફિટ બુકિંગના મૂડમાં છે. બાઇડન સરકારમાં સૌથી શક્તિશાળી પૉઝિશન પર રહેલા નાણામંત્રી જૅનેટ યેલેને રાજકારણમાં બેનંબરી પૈસાની ભૂમિકા પર સખતાઈનાં પગલાં લેવાનો નિર્દેશ આપ્યા પછી બિટકોઇન ૯૦૦૦ ડૉલર તૂટી ગયો! લોંગ ટર્મ બૉન્ડ યીલ્ડ વધતાં અમુક આર્થિક નિષ્ણાતો એમ માને છે કે ફેડ કદાચ વ્યાજદર ધારણા કરતાં પહેલાં વધારી શકે, બૉન્ડબાઇંગ ઘટાડી શકે-જેને ટેપર ટેન્ટ્રમ કહે છે. મંગળવારની બેઠકમાં ફેડ ચૅરમૅન પૉવેલે કઈ ટેપરિંગનો ડર દૂર કરવો પડશે અન્યથા શૅરબજારો ધરાશાયી થતાં માહોલ બગડશે. વેલ્યુએશન જોતા લાર્જ કૅપ શૅરો ઓવરહીટેડ દેખાય છે. બજારમાં નોંધપાત્ર કરેક્શન દેખાય છે. જોકે જૅનેટ યેલેનના હાથમાં અર્થતંત્રનુ સુકાન હોઈ હાલ બજારો કરેક્શન પચાવી ફરી પાછા તેજીની ચાલ પકડી લેશે.

કરન્સી બજારોની વાત કરીએ તો રૂપિયો એશિયામાં સૌથી કમજોર કરન્સી રહ્યો. મોટા ભાગની ઇમર્જિંગ કરન્સી ડૉલર સામે ઘણી મજબૂત થઈ, પણ રૂપિયો મામૂલી નબળો રહ્યો. રિઝર્વ  બૅન્કે ૧૨૦ અબજ ડૉલર ખરીદી ખૂબ આક્રમક દરમ્યાનગીરી કરી. અમેરિકા ભારતને કરન્સી મેનિપ્યુલેરની યાદીમાં મૂકી દે અને અમુક આર્થિક પ્રતિબંધો લગાવે એવી શક્યતા વચ્ચે પણ રિઝર્વ બૅન્કે હાલની નીતિ ૨૦૨૧માં પણ ચાલુ રાખવાનું કહ્યું છે. આરબીઆઇ ગવર્નર દાસ કહે છે કે બાહ્ય જોખમો સામે રક્ષણ માટે મોટી ફોરેકસ રિઝર્વનું બફર જરૂરી છે. રિઝર્વ બૅન્કની ડૉલર ખરીદી- લોંગ પૉઝિશન ઑકટોબરમાં ૧૩ અબજ ડૉલર હતી અને નવેમ્બરમાં ૨૮ અબજ ડૉલર હતી. ફોરેકસ રિઝર્વ ૫૮૧ અબજ ડૉલરની સર્વોચ્ચ સપાટીએ છે. વિશ્વ બજારમાં બેસુમાર લિક્વિડિટી હોવાથી અને ભારતીય શૅરબજારમાં શાનદાર વળતર હોઈ વિદેશી રોકાણકારો માટે ભારત હોટ ફેવરીટ છે. હવે બજારની નજર બુધવારે ફેડની પ્રેસ કૉન્ફરન્સ પર અને આવતા સપ્તાહના બજેટ પર છે. રૂપિયો છેલ્લા કેટલાયે સપ્તાહોથી ખૂબ મર્યાદિત રેન્જમાં સ્ટેબલ રહ્યો છે. રેન્જ ૭૨.૮૫-૭૩.૭૫ છે.

વૈશ્વિક બજારોમાં બાઇડન આવ્યા પછી સ્ટિમ્યુલસની તેજીનો આશાવાદ અચાનક ઠંડો થઈ ગયો છે. પાછલા બે વીકમાં અમેરિકામાં લોંગ ટર્મ યીલ્ડ વધવાથી ફુગાવો વધવાની શક્યતા જોતાં ફેડને કદાચ બૉન્ડ બાઇંગ ઘટાડવું પડે. ફેડ ચૅરમૅન પૉવેલ જો સધિયરો આપી દે કે ફેડ વ્યાજદર નીચા રાખશે અને લિક્વિડિટી મળતી રહેશે તો બજારો ફરી તેજી પકડી લે.

બાઇડનની ટીમમાં નાણામંત્રી યેલેન, વિદેશમંત્રી એન્ટોની બ્લિન્કેન, નૅશનલ સિક્યૉરિટી એડવાઇઝર જેક સૂલિવાન, રક્ષામંત્રી જનરલ ઑસ્ટિન, વેપારમંત્રી જીના રેમન્ડો ઘણા કાબેલ રાજદ્વારીઓ છે. હાઇપ્રોફાઇલ અને કંઈક અંશે વિવાદાસ્પદ, લિબરલ ઇલાઇટસ નેતાઓ એલિજાબેથ વોરેન, બર્ની સેન્ડર કે એલેકઝાન્ડ્રિયા કોર્ટેસને હજી સુધી કોઈ મોટા પદ મળ્યા નથી એ જોતાં કૅબિનેટની રચના બેલેન્સ્ડ લાગે છે. બાઇડન સરકારનું સૂત્ર બીલ્ડબેક બેટર- નવેસરથી સારું બનાવો એવું છે. તૂટેલું સારું બનાવો કે તોડી નાખો પછી સારું બનાવો એ બધું અધ્યાહાર છે.

કોરોના મામલે ભારતમાં સ્થિતિ ગણી સુધરી છે. વૅક્સિનેશન વેગ પકડી રહ્યું છે. યુરોપમાં પણ વૅક્સિનેશન ચાલુ છે. યુકેમાં વાઇરસનું નવું સ્વરૂપ થોડું ચિંતાકારક છે. ચીનમાં પણ કોરોના ફરી દેખાયો છે. જોકે વૅક્સિન આવી ગયા પછી ડર ઘણો ઘટ્યો છે. વિકસિત દેશોએ હવે સાવચેતી સાથે  તબક્કાવાર ફુલ અનલૉકડાઉન તરફ જવાનું છે. હાલપૂરતું આવનારું ભારતીય બજેટ, ફેડની બેઠક અને બાઇડન ટીમના પહેલા ૫૦ દિવસ પર નજર રાખીએ, વૅક્સિનેશન, અનલૉકડાઉન રોડમેપ પર નજર રાખીએ. શૅરબજારના સંદર્ભમાં ઓલ્ડ ઇકૉનૉમી વેલ્યુ સ્ટૉક ફરી લાઇમલાઇટમાં આવી રહ્યા છે.

(આ લેખમાં રજૂ થયેલા મંતવ્યો લેખકના અંગત છે, ન્યુઝપેપરના નહીં.)

business news