મિશન એજ્યુકેશન : શિક્ષણ ક્ષેત્રમાં પણ હવે એફડીઆઈ

02 February, 2020 07:39 AM IST  |  New Delhi

મિશન એજ્યુકેશન : શિક્ષણ ક્ષેત્રમાં પણ હવે એફડીઆઈ

નાણા પ્રધાન નિર્મલા સિતારામણ

નાણાપ્રધાને શિક્ષણ ક્ષેત્ર વિશે જણાવ્યું હતું કે દેશમાં ખૂબ જ જલદી નવી શિક્ષણ નીતિ રજૂ કરવામાં આવશે. તેમણે કહ્યું કે આ અંગે રાજ્યો સાથે વાતચીત ચાલી રહી છે અને તેની પ્રારંભિક પ્રક્રિયા પૂર્ણ થતાં જ નવી શિક્ષણ નીતિ રજૂ કરવામાં આવશે. તેમણે કહ્યું કે શિક્ષણ ક્ષેત્રે સારા શિક્ષકો અને અન્ય સુવિધાઓ માટે મોટા પાયે મૂડી ઊભી કરવામાં આવશે. તેને ધ્યાનમાં રાખીને નાણાપ્રધાને શિક્ષણ ક્ષેત્રે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ લાવવાની જાહેરાત કરી છે. નાણાપ્રધાને કહ્યું કે માર્ચ ૨૦૨૧ સુધીમાં દેશભરની ૧૫૦ ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં એપ્રેન્ટિસશિપ પ્રોગ્રામ શરૂ કરવામાં આવશે.

બજેટ સ્પીચ ૨૦૨૦માં નાણાપ્રધાને શિક્ષણ ક્ષેત્ર માટે ૯૯,૩૦૦ કરોડ રૂપિયા ફાળવવાની જાહેરાત કરી છે. તેમણે માહિતી આપી હતી કે શિક્ષણ ક્ષેત્રે કૌશલ્ય વિકાસ પ્રોગ્રામ માટે ૩ હજાર કરોડ રૂપિયા ફાળવવામાં આવશે.

૧.૦૫ લાખ કરોડ રૂપિયા રોકાણનો ટાર્ગેટ: એલઆઇસીમાં સરકાર પોતાનો હિસ્સો વેચવા આઇપીઓ લાવશે

નાણાપ્રધાન નિર્મલા સીતારમણે બજેટમાં એલઆઇસીને લઈને મોટી જાહેરાત કરી. નાણાપ્રધાને કહ્યું કે સરકાર દેશની સૌથી મોટી ઇન્સ્યુરન્સ કંપની ભારતીય જીવન વીમા નિગમમાં પોતાની હિસ્સેદારી વેચશે. તેના માટે ઇનિશિયલ પબ્લિક ઑફરિંગ (આઇપીઓ) લાવવામાં આવશે. નાણાપ્રધાને કહ્યું કે સરકારે આઇપીઓ દ્વારા એલઆઇસીમાં પોતાના શૅરનો હિસ્સો વેચવાનો પ્રસ્તાવ કર્યો છે. સરકાર એલઆઇસીમાં પોતાની હિસ્સેદારી વેચીને પૈસા એકત્ર કરશે.

નાણાપ્રધાને બજેટ ૨૦૨૦-૨૧ રજૂ કરતાં કહ્યું કે સરકાર એલઆઇસીમાં પોતાની જવાબદારી આઇપીઓ દ્વારા વેચશે. હાલ ભારતીય જીવન વીમા નિગમમાં સરકારની હિસ્સેદારી ૧૦૦ ટકા છે. સરકારની ડિસઇન્વેસ્ટમેન્ટ નીતિ હેઠળ એલઆઇસીનું લિસ્ટિંગ થશે.

સરકારે ચાલુ નાણાકીય વર્ષમાં ૧.૦૫ લાખ કરોડ ડિસઇન્વેસ્ટમેન્ટનો લક્ષ્ય રાખ્યો છે. બીજી તરફ નાણાકીય વર્ષ ૨૦૨૧માં ડિસઇન્વેસ્ટમેન્ટનું લક્ષ્ય ૨.૧ લાખ કરોડ રૂપિયા છે. હાલ નાણાકીય વર્ષમાં સરકારે અત્યાર સુધી ૧૮,૦૯૪.૫૯ કરોડ રૂપિયા ડિસઇન્વેસ્ટમેન્ટ કર્યું છે.

business news budget 2020 railway budget nirmala sitharaman