આજે નાણાપ્રધાન નિર્મલા સીતારમણ આર્થિક સર્વેક્ષણ રજૂ કરશે

31 January, 2020 07:25 AM IST  |  New Delhi

આજે નાણાપ્રધાન નિર્મલા સીતારમણ આર્થિક સર્વેક્ષણ રજૂ કરશે

નાણાપ્રધાન નિર્મલા સીતારમણ

આવતી કાલ ૩૧ જાન્યુઆરી શુક્રવારથી બજેટ સત્રનો પ્રારંભ થઈ રહ્યો છે. કેન્દ્રમાં મોદી સરકાર ૨.૦નું આ બીજું બજેટ હશે, જે આખા વર્ષ માટેનું હશે. નાણાપ્રધાન નિર્મલા સીતારમણ ૧ ફેબ્રુઆરીના રોજ સવારે ૧૧ વાગે નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧નું સામાન્ય બજેટ રજૂ કરશે. બજેટના દિવસે શનિવાર હોવા છતાં શૅરબજાર એ દિવસે કામકાજ હાથ ધરશે. બજેટ દરખાસ્તોની શૅરબજારમાં અસરો જોવા મળતી હોય છે.

દરમ્યાન ગુરુવારે સરકારે બોલાવેલી સર્વપક્ષીય બેઠકમાં કૉન્ગ્રેસ, તૃણમૂલ કૉન્ગ્રેસ, સમાજવાદી પાર્ટી, ડીએમકે, ડાબેરી પક્ષો વગેરેએ ભાગ લીધો હતો. આ બેઠકમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, સંસદીય કાર્યપ્રધાન પ્રહલાદ જોશી જેવા વરિષ્ઠ પ્રધાનો પણ હાજર હતા.

આજે શુક્રવારના રોજ સંસદમાં દેશની આર્થિક બાબતો દર્શાવનાર દસ્તાવેજ આર્થિક સર્વે રજૂ કરશે. સીએએ, એનપીઆર, એનઆરસી વગેરેના મામલે દિલ્હીના શાહિનબાગ સહિત અન્યત્ર થઈ રહેલા વિરોધને કારણે સંસદમાં પહેલા જ દિવસે કૉન્ગ્રેસ અને અન્ય વિપક્ષો દ્વારા મોદી સરકારને ઘેરવાનો પ્રયાસ કરાય તેમ છે. જોકે સત્તાપક્ષ બીજેપી અને સરકારમાં સહયોગી પક્ષોએ તેનો સામનો કરવાની તૈયારીઓ પણ કરી હોવાનું મનાય છે.

આ પણ વાંચો : સાવધાન : આજથી બે દિવસ બૅન્ક-કર્મચારીઓ હડતાળ પર

મીડિયા રિપોર્ટ અનુસાર ૨૦૧૭-૧૮ દરમ્યાન સરેરાશ ગ્રાહક ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. આર્થિક મંદી છુપાવવા માટે સરકાર આ આંકડા બહાર પાડતી નથી. અર્થશાસ્ત્રીઓએ કહ્યું છે કે ડેટા રોકવો એ અર્થતંત્રના હિતમાં નથી. પારદર્શિતા અને જવાબદારી જાળવવા માટે સરકારે ગ્રાહક ખર્ચના સર્વેક્ષણના ડેટા જાહેર કરવા જોઈએ. સરકાર આ માહિતીનો જાતે અર્થઘટન કરી શકે છે.

business news railway budget Budget 2019 nirmala sitharaman