વિદેશી ફન્ડ્સની અવિરત ખરીદીએ બજારમાં પાંચમા સપ્તાહે પણ ઉછાળો

05 December, 2020 12:23 PM IST  |  Mumbai | Mumbai correspondent

વિદેશી ફન્ડ્સની અવિરત ખરીદીએ બજારમાં પાંચમા સપ્તાહે પણ ઉછાળો

પ્રતીકાત્મક તસવીર

વૈશ્વિક બજારમાં વૅક્સિનના આશાવાદ બાદ ભારતમાં પણ જાન્યુઆરીથી તેનો ઉપયોગ શરૂ થશે એવા સંકેત મળતાં શૅરબજારમાં આજે વિક્રમી ઉછાળાની સ્થિતિ યથાવત્ જોવા મળી હતી. વિદેશી ફન્ડ્સની સતત ખરીદી, ધારણા કરતાં ભારતીય અર્થતંત્ર વધારે ઝડપથી વિકસી રહ્યું છે એવા રિઝર્વ બૅન્કના આકલન અને વ્યાજદર ઘટે કે નહીં, પણ બજારમાં લિક્વિડિટી સતત જોવા મળશે એવી ધિરાણ નીતિ સાથે વ્યાપક ખરીદી વચ્ચે પાંચમા સપ્તાહે પણ શૅરબજાર વૃદ્ધિ સાથે બંધ આવ્યાં હતાં.
સત્ર દરમિયાન સેન્સેક્સ ૪૫૧૪૮ અને નિફ્ટી ૧૩૨૮૦ પૉઇન્ટની વિક્રમી સપાટી સ્પર્શ્યા હતા. બૅન્કિંગ, ફાર્મા, એફએમસીજી અને મેટલ્સમાં ખરીદી જોવા મળી હતી. દિવસના અંતે સેન્સેક્સ ૪૪૬.૯૦ પૉઇન્ટ કે એક ટકા વધી ૪૫૦૭૯ અને નિફ્ટી ૧૨૪ પૉઇન્ટ કે ૦.૯૬ ટકા વધી ૧૩૨૫૮ પૉઇન્ટની સપાટીએ બંધ આવ્યા હતા. આજે ઇન્ડેક્સની વૃદ્ધિમાં આઇસીઆઇસીઆઇ બૅન્ક, હિન્દુસ્તાન યુનીલીવર, ભારતી એરટેલ, એક્સીસ બૅન્ક, એચડીએફસી બૅન્ક અને કોટક મહિન્દ્ર બૅન્કનો સૌથી મોટો હિસ્સો હતો. સામે રિલાયન્સ, એચડીએફસી અને બજાજ ફિનસર્વ ઘટ્યા હતા.
નવેમ્બર મહિનામાં વિદેશી ફન્ડ્સની ૬૫,૩૧૭ કરોડ રૂપિયાની ખરીદી બાદ ડિસેમ્બરમાં પણ તેમની ખરીદી ચાલુ રહી છે. આજે વિદેશી ફન્ડ્સની ૨૯૬૯ કરોડ રૂપિયાની ખરીદી સાથે આ મહિનામાં વિદેશી ફન્ડનો પ્રવાહ૧૦,૨૦૬ કરોડ રૂપિયા પહોંચ્યો છે. જોકે સ્થાનિક ફન્ડ્સ સતત વેચાણ કરી રહ્યા છે. નવેમ્બરમાં ૪૮,૩૧૯ કરોડના વેચાણ બાદ આજે ૧૯૭૨ કરોડ રૂપિયાનું વેચાણ જોવા મળ્યું છે. આ મહિનામાં અત્યાર સુધીમાં સ્થાનિક ફન્ડ્સની વેચવાલી ૬૦૯૧ કરોડ રૂપિયા પહોંચી છે.
સ્ટૉક એક્સચેન્જ પર આજે બધા ક્ષેત્રોમાં વૃદ્ધિ જોવા મળી હતી. સૌથી વધુ વૃદ્ધિ બૅન્કિંગ, મેટલ્સ, ફાર્મા અને રીઅલ એસ્ટેટમાં જોવા મળી હતી. એક્સચેન્જ ઉપર ૧૬૧ કંપનીઓના શૅરના ભાવ નવી બાવન સપ્તાહની ઉપરની સપાટીએ બંધ આવ્યા હતા અને પાંચ નવી નીચી સપાટીએ બંધ આવ્યા હતા. અહીં ૨૨૯ કંપનીઓમાં તેજીની સર્કિટ હતી, જ્યારે ૬૨ કંપનીઓમાં મંદીની સર્કિટ જોવા મળી હતી.
બીએસઈ ઉપર ૨૭૪ કંપનીઓના શૅરના ભાવ નવી બાવન સપ્તાહની ઉપરની સપાટીએ બંધ આવ્યા હતા જ્યારે ૩૧ના ભાવ નવી નીચી સપાટીએ બંધ આવ્યા હતા. અહીં ૩૮૩ કંપનીઓમાં તેજીની સર્કિટ હતી જ્યારે ૧૭૧માં મંદીની સર્કિટ જોવા મળી હતી. બીએસઈ સ્મૉલ કૅપ ઇન્ડેક્સ ૦.૪૨ ટકા અને મિડ કૅપ ઇન્ડેક્સ ૦.૪૪ ટકા વધ્યા હતા. શુક્રવારે બૉમ્બે સ્ટૉક એક્સચેન્જનું માર્કેટ કેપિટલાઇઝેશન ૧,૨૪,૮૪૯ કરોડ વધી ૧૭૯.૪૮ લાખ કરોડ રૂપિયા રહ્યું હતું.
બૅન્કિંગમાં ફરી ઉછાળો, ફેબ્રુઆરીની ઊંચી સપાટીથી ૧૨૦ પૉઇન્ટ દૂર
રિઝર્વ બૅન્કની ધિરાણ નીતિમાં આજે વ્યાજના દર સ્થિર રાખવામાં આવ્યા હતા પણ તેની સાથે બજારમાં લિક્વિડિટી સતત જાળવી રાખવામાં આવશે એવા સંકેત મળતા બૅન્કિંગ શૅરોમાં ઉછાળો આવ્યો હતો. આજે નિફ્ટી બૅન્ક ૨.૦૫ ટકા વધ્યો હતો. નિફ્ટી બૅન્કના છેલ્લા ૧૦૦૦ પૉઇન્ટના ઉછાળામાં સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા, ઇન્ડસઇન્ડ બૅન્ક, કોટક મહિન્દ્ર બૅન્ક અને આઇસીઆઇસીઆઇ બૅન્ક મળી ૭૫૦ પૉઇન્ટનો હિસ્સો ધરાવે છે.
ખાનગી બૅન્કનો નિફ્ટી પ્રાઇવેટ બૅન્ક ઇન્ડેક્સ બે ટકા વધ્યો હતો. બંધન બૅન્ક ૪.૭૫ ટકા, આઇસીઆઇસીઆઇ બૅન્ક ૪.૪૯ ટકા, આરબીએલ બૅન્ક ૨.૪૬ ટકા, ઇન્ડસઇન્ડ બૅન્ક ૨.૨૩ ટકા, એક્સીસ બૅન્ક ૨.૨૧ ટકા, કોટક મહિન્દ્ર બૅન્ક ૧.૮૧ ટકા, એચડીએફસી બૅન્ક ૦.૯૪ ટકા, ફેડરલ બૅન્ક ૦.૭૬ ટકા, સિટી યુનિયન બૅન્ક ૦.૫૩ ટકા અને આઇડીએફસી ફર્સ્ટ બૅન્ક ૦.૪૧ ટકા વધ્યા હતા.
સરકારી બૅન્કોનો નિફ્ટી પીએસયુ બૅન્ક ઇન્ડેક્સ ૧.૪૯ તક વધ્યો હતો. બૅન્ક ઑફ મહારાષ્ટ્ર ૯.૫૮ ટકા, સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા ૩.૦૨ ટકા, સેન્ટ્રલ બૅન્ક ૨.૧૪ ટકા, બૅન્ક ઑફ બરોડા ૧.૨૯ ટકા, કેનેરા બૅન્ક ૧.૧૪ ટકા, યુકો બૅન્ક ૦.૭૮ ટકા, યુનિયન બૅન્ક ૦.૪૮ ટકા વધ્યા હતા.
બીજા દિવસે પણ
એફએમસીજી શૅરોમાં વૃદ્ધિ
આજે બીજા દિવસે એફએમસીજી શૅરોમાં વૃદ્ધિ જોવા મળી હતી. નિફ્ટી એફએમસીજી ઇન્ડેક્સ આજે ૧.૪૦ ટકા વધ્યો હતો. હિન્દુસ્તાન યુનીલીવર ૨.૮૫ ટકા, તાતા કન્ઝ્યુમર પ્રોડક્ટ ૨.૪૭ ટકા, નેલ્સે ૧.૮૭ ટકા, જ્યોતિ લેબ ૧.૧૮ ટકા, બજાજ કન્ઝ્યુમર ૦.૬૬ ટકા, બ્રિટાનિયા ૦.૩૯ ટકા, ડાબર ઇન્ડિયા ૦.૨૪ ટકા વધ્યા હતા. મેરિકોના શૅર પણ પ્રોટીન ફૂડસ પ્રોડક્ટના પ્રારંભ સાથે ૧.૧૪ ટકા વધ્યા હતા.
નોન બૅન્કિંગ ફાઇનૅન્સ કંપનીઓના શૅરમાં ઘટાડો
રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાએ નોન બૅન્કિંગ ફાઇનૅન્સ કંપનીઓ કેટલું ડિવિડન્ડ આપી શકે એવી માર્ગદર્શિકા બનાવવાનો આજની ધિરાણ નીતિમાં સંકેત આપ્યો હતો. કોરોના વાઇરસની સ્થિતિમાં અત્યારે બૅન્કો ઉપર ડિવિડન્ડની ચુકવણી ઉપર મનાઈ છે, શક્ય છે કે આવા નિયંત્રણ એનબીએફસી ઉપર પણ આવે એટલે દેશની અગ્રણી કંપનીઓના શૅરમાં ઘટાડો જોવા મળ્યો હતો. શ્રીરામ ટ્રાન્સપોર્ટ ફાઇનૅન્સ ત્રણ ટકા, પિરામલ એન્ટરપ્રાઈઝ ૧.૮૫ ટકા, એચડીએફસી લાઇફ ૦.૭૩ ટકા, એચડીએફસી ૦.૩ ટકા અને બજાજ હોલ્ડીંગ ૦.૨૪ ટકા ઘટીને બંધ આવ્યા હતા.
ફાર્મા ઇન્ડેક્સ પાંચ
વર્ષની ઊંચી સપાટીએ
ફાર્મા કંપનીઓના શૅરમાં જોરદાર ખરીદી જોવા મળી રહી છે. આ સપ્તાહમાં ૪.૨ ટકાના ઉછાળા સાથે નિફ્ટી ફાર્મા ઇન્ડેક્સ પાંચ વર્ષની ઊંચી સપાટીએ જોવા મળ્યો છે. બીએસઈ હેલ્થકેર ઇન્ડેક્સ વિક્રમી ઊંચી સપાટીએ બંધ આવ્યો હતો. આજે સન ફાર્મા ૩.૬૮ ટકા, લુપીન ૨.૨૪ ટકા, બાયોકોન ૧.૯૧ ટકા, કેડીલા હેલ્થ ૧.૮૬ ટકા, સિપ્લા ૦.૫૯ ટકા, અલ્કેમ લેબ ૦.૫ ટકા, ડીવીઝ લેબ ૦.૪૮ ટકા, ઓરોબિંદો ફાર્મા ૦.૩૬ ટકા વધ્યા હતા.
અન્ય શૅરોમાં વધઘટ
કેન્દ્ર સરકારે ગુરુવારે જાહેરાત કરી હતી કે હવે વિમાની સેવાઓ પોતાની ફ્લાઇટમાં ૮૦ ટકા ક્ષમતાએ કાર્ય કરી શકશે એના કારણે સ્પાઇસ જેટના શૅર ૯.૭૭ ટકા અને ઇન્ટરગ્લોબ એવિએશનના શૅર ૫.૭૯ ટકા વધ્યા હતા. દેશની સૌથી મોટી સિમેન્ટ ઉત્પાદક અલ્ટ્રાટેક સિમેન્ટ દ્વારા પોતાની વર્તમાન ક્ષમતા વધારવા માટે વધુ ૫૪૭૭ કરોડના મૂડીરોકાણની જાહેરાત કરી હતી જેના કારણે શૅરના ભાવ આજે ૪.૧૦ ટકા વધ્યા હતા. રાકેશ ઝુનઝુનવાલાએ કંપનીમાં હિસ્સો વધારતા એનસીસીના શૅર ૭.૭૨ ટકા વધ્યા હતા. સિરમ ઇન્સ્ટીટયુટ દ્વારા પેનેશિયા બાયોટેકમાં હિસ્સો ઘટાડવાની જાહેરાત થતાં શૅરનો ભાવ ૮.૪૩ ટકા તૂટ્યો હતો. મુન્દ્રા પાવર પ્લાન્ટ માટેનું દેવું સંપૂર્ણ ભરપાઈ કરી દેવાની જાહેરાત સાથે તાતા
પાવરના શૅર ૩.૫૪ ટકા વધ્યા હતા. માસિક ધોરણે છેલ્લાં ચાર વર્ષમાં પ્રથમ વખત જિયો કરતાં વધારે ગ્રાહકો ઉમેરતા ભારતી એરટેલના શૅરમાં ૨.૯૧ ટકાની વૃદ્ધિ જોવા મળી હતી.

business news