અમેરિકાના રીટેલ સેલ્સમાં અણધાર્યો વધારો થતાં સોના-ચાંદીમાં ઝડપી ઘટાડો

18 September, 2021 08:29 AM IST  |  Mumbai | Mayur Mehta

ફેડ દ્વારા ટેપરિંગ માટે અનુકૂળતાં વધતાં ડૉલરના સુધારાથી સોનું ચાલુ સપ્તાહે બે ટકા ઘટ્યું

પ્રતીકાત્મક તસવીર

કોરોનાની ઇકૉનૉમિક રિકવરી પર અસર થવાની સતત થઈ રહેલી વાતો વચ્ચે અમેરિકાના રીટેલ સેલ્સ અને ટ્રેડ-મૅન્યુફૅક્ચરિંગ ઇન્વેન્ટરીના ડેટા બુલિશ આવતાં ફેડ માટે ટેપરિંગની અનુકૂળતા વધી હતી જેને પગલે સોનું-ચાંદી વર્લ્ડ માર્કેટમાં ઘટ્યાં હતાં. મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનું પ્રતિ ૧૦ ગ્રામ ૩૪૫થી ૩૪૭ રૂપિયા અને ચાંદી પ્રતિ કિલો ૧૧૨૭ રૂપિયા ઘટી હતી.

વિદેશી પ્રવાહો

અમેરિકાના રીટેલ સેલ્સમાં અણધાર્યો વધારો થતાં સોનું ગુરુવારે ૨.૭ ટકા તૂટીને એક મહિનાની નીચી સપાટીએ પહોંચ્યું હતું. જોકે શુક્રવારે સોનું ઘટ્યા મથાળેથી થોડું સુધર્યું હતું. સોનું શુક્રવાર સુધીમાં ચાલુ સપ્તાહે બે ટકા ઘટ્યું હતું. અમેરિકાના ઇકૉનૉમિક ડેટા ધારણા કરતાં વધુ સારા આવતા ડૉલર વધીને કરન્સી બાસ્કેટમાં ત્રણ સપ્તાહની ઊંચાઈએ પહોંચતાં સોનામાં પ્રૉફિટ બુકિંગ વધ્યું હતું અને નવી ખરીદીનું આકર્ષણ પણ ઘટ્યું હતું. ચાંદી ગુરુવારે ઘટીને એક મહિનાની નીચી સપાટીએ પહોંચ્યા બાદ શુક્રવારે સ્થિર રહી હતી. પ્લેટિનમમાં સુધારો હતો પણ પેલેડિયમના ભાવ ઘટ્યા હતા.

ઇકૉનૉમિક ઇન્ડિકેટર

અમેરિકાના રીટેલ સેલ્સમાં ઑગસ્ટ મહિનામાં ૦.૭ ટકાનો વધારો થયો હતો જેમાં જુલાઈમાં ૧.૮ ટકાનો ઘટાડો નોંધાયો હતો અને ટ્રેડની ધારણા પણ ૦.૮ ટકા ઘટાડાની હતી. આમ રીટેલ સેલ્સમાં થયેલો વધારો એકદમ ધારણાથી વિપરીત હતો. અમેરિકામાં બેરોજગારી ભથ્થું મેળવવાની સંખ્યા ૧૧ સપ્ટેમ્બરે પૂરા થયેલા સપ્તાહને અંતે ૨૦ હજાર વધીને ૩.૩૨ લાખે પહોંચી હતી જે અગાઉના સપ્તાહે ૩.૧૨ લાખ હતી. જોકે પેનડેમિક અનએમ્પ્લોયમેન્ટ સ્કીમનો લાભ લેનારની સંખ્યા ઘટીને ૨૮ હજારે પહોંચી હતી. અમેરિકાની ટ્રેડ અને મૅન્યુફૅક્ચરિંગ ઇન્વેન્ટરી જુલાઈમાં ૦.૫ ટકા વધી હતી જે જૂનમાં ૦.૯ ટકા વધી હતી અને ટ્રેડ અને બિઝનેસ ઇન્વેન્ટરી સતત ૧૩મા મહિને વધી હતી. યુરો ઝોનનું ઇન્ફ્લેશન ઑગસ્ટમાં વધીને ત્રણ ટકાએ પહોંચ્યું હતું જે છેલ્લાં દસ વર્ષનું સૌથી ઊંચું હતું, ઇસીબી (યુરોપિયન સેન્ટ્રલ બૅન્ક)નો ટાર્ગેટ બે ટકાનો છે જ્યારે ઇન્ફ્લેશન ટાર્ગેટ કરતાં એક ટકા વધ્યું હતું. જોકે યુરો ઝોનનું કન્સ્ટ્રકશન્સ આઉટપુટ જુલાઈમાં ૩.૩ ટકા વધ્યું હતું જે જૂનમાં ૪.૧ ટકા વધ્યું હતું. યુરો ઝોનની કરન્ટ અકાઉન્ટ સરપ્લસ જુલાઈમાં વધીને ૩૦.૨ અબજ યુરોએ પહોંચી હતી જે ગત વર્ષે આ સમયે ૨૬.૧ અબજ યુરો હતી. બ્રિટનના રીટેલ સેલ્સમાં ૦.૯ ટકાનો ઘટાડો નોંધાયો હતો જેમાં સતત ચોથા મહિને ઘટાડો નોંધાયો હતો અને માર્કેટની ધારણા ૦.૫ ટકાની ઘટાડાની હતી. ઇકૉનૉમિક ઇન્ડિકેટર એકદમ મિક્સ હોઈ સોનામાં તેજી-મંદીની નિશ્ચિત દિશા હાલ નક્કી થઈ શકતી નથી.

શૉર્ટ ટર્મ-લૉન્ગ ટર્મ

ચાઇનીઝ ગવર્નમેન્ટે ઇકૉનૉમિક સ્લોડાઉનથી બચવા માર્કેટમાં બૅન્કિંગ સિસ્ટમ દ્વારા ૧૦૦ અબજ યુરો ઠાલવ્યા હતા, ગત ફેબ્રુઆરી પછી આટલા જંગી નાણાં પ્રથમ વખત માર્કેટમાં ઠલવાયા હતા. ચાઇનીઝ ઇકૉનૉમિક ડેટા સ્પષ્ટપણે ઇકૉનૉમિક રિકવરી ધીમી પડી હોવાનો સંકેત આપે છે જ્યારે અમેરિકાના ઇકૉનૉમિક ડેટા મિક્સ હોઈ કોઈ સ્પષ્ટ સંકેત મળતો નથી. જોકે અમેરિકાના રીટેલ સેલ્સમાં અણધાર્યો વધારો નોંધાયો હતો. અમેરિકાની ટ્રેડ અને મૅન્યુફૅક્ચરિંગ ઇન્વેન્ટરી પણ વધી હતી. અમેરિકાના લેટેસ્ટ ડેટા બાદ આગામી સપ્તાહે મળનારી ફેડની મીટિંગમાં બૉન્ડ બાઇંગમાં ઘટાડો કરવાનો નિર્ણય લેવાનું નિશ્ચિત મનાઈ રહ્યું છે. વળી ફેડના મોટા ભાગના મેમ્બર્સ ૨૦૨૧ના અંત પહેલાં બૉન્ડ બાઇંગમાં ઘટાડો શરૂ કરવા ધારે છે. બૉન્ડ બાઇંગના ઘટાડા બાદ અમેરિકી ડૉલરને મજબૂતી મળશે અને સોના પર ઘટાડાનું દબાણ વધશે. આમ સોનાના ભાવની દિશા નક્કી કરવા માટે હવે

આગામી સપ્તાહે યોજાનારી ફેડની મીટિંગમાં શું નિર્ણય લેવાશે? તે મહત્ત્વનું બની રહેશે.

ભાવ તાલ

સોનું (૯૯.૯ ટચ, દસ ગ્રામ): ૪૬,૩૧૦

સોનું (૯૯.૫ ટચ, દસ ગ્રામ): ૪૬,૧૨૫

ચાંદી (.૯૯૯ ટચ, કિલોદીઠ): ૬૧,૧૩૧

(સોર્સઃઇન્ડિયન બુલિયન ઍન્ડ જ્વેલર્સ અસોસિએશન લિમિટેડ)

business news