અમેરિકામાં બેરોજગારી વધતાં સોનાની તેજીને બ્રેક, ચાંદીમાં વૃદ્ધિ

09 May, 2020 01:17 PM IST  |  Mumbai Desk | Mumbai Correspondence

અમેરિકામાં બેરોજગારી વધતાં સોનાની તેજીને બ્રેક, ચાંદીમાં વૃદ્ધિ

સોનું

સોનાના ભાવમાં ઊંચા મથાળે તેજીને બ્રેક લાગી છે. બેરોજગારીનો આંકડો ૨.૦૫ કરોડ લોકો કે ૧૪.૭ ટકા આવતાં એમાં ઊંચા મથાળે તેજી અટકી હતી. જોકે ચાંદીના ભાવમાં ખૂલી રહેલા લૉકડાઉનને કારણે વણથંભી તેજી ચાલુ રહી છે. ભારતમાં પણ સોના-ચાંદીના ભાવમાં વૃદ્ધિ જોવા મળી છે. 

બજારની અપેક્ષા અનુસાર અમેરિકામાં એપ્રિલ મહિનામાં ૨.૦૫ કરોડ લોકો બેરોજગાર થયા હતા, જે અર્થશાસ્ત્રીઓની અપેક્ષા ૨.૨ કરોડની આસપાસ જ છે. જૉબલેસ ક્લેમ વધી રહ્યા હોવાથી બેરોજગારી વધશે એવી આશાએ સોનું વધી ગયું હતું એટલે આજે આવેલા અહેવાલ બાદ કોઈ મોટી તેજી કે મંદી જોવા મળી રહી નથી. શૅરબજારમાં પણ તેજી ચાલી રહી છે જે સોનાને તેજી માટે અવરોધ ગણવામાં આવે છે.

વૈશ્વિક બજારમાં આજે સોનાના ભાવ ઊંચા મથાળેથી નીચે સરકી રહ્યા છે. અત્યારે સોનું જૂન વાયદો ૦.૩૧ ટકા કે ૫.૪૦ ડૉલર ઘટી ૧૭૨૦.૪ ડૉલર પ્રતિ ઔંસ છે. હાજરમાં ભાવ ૨.૧૮ ડૉલર વધી ૧૭૧૮.૨૪ ડૉલર પ્રતિ ઔંસ છે. ચાંદી વાયદો ૧૪ સેન્ટ વધી ૧૫.૭૩ અને હાજરમાં ૧૫ સેન્ટ વધી ૧૫.૪૯ ડૉલર પ્રતિ ઔંસ હતા.

એક દિવસની રજા પછી આજે ઇન્ડિયન બુલિયન ઍન્ડ જ્વેલર્સ અસોસિએશન દ્વારા ટૅક્સ રહિત રેફરન્સ રેટ જાહેર થયા હતા જેમાં વિદેશી બજારમાં સોનાની મજબૂતીની અસર જોવા મળી રહી છે. આજે સોનાના ભાવ ૪૨૮ વધીને ૪૬,૨૯૨ રૂપિયા અને ચાંદીના ભાવ ૮૫૦ વધી ૪૨,૬૦૦ રૂપિયા રહ્યા હતા. ખાનગીમાં હાજરના ભાવમાં સોનું ૪૭,૬૦૧ પ્રતિ ૧૦ ગ્રામ અને ચાંદી ૪૪,૧૪૯ રૂપિયા પ્રતિ કિલો હતી. બંધ બજારે સોનું૫૬૦ અને ચાંદી ૧૨૧૩ રૂપિયા ઊછળ્યા છે.

સોનું જૂન વાયદો ૧૦ ગ્રામદીઠ ૪૬૩૭૭ ખૂલી, ઉપરમાં ૪૬૩૭૭ અને નીચામાં ૪૫૯૩૪ રૂપિયાના મથાળે અથડાઈ પ્રથમ સત્રના અંતે ૨૭ ઘટીને ૪૬૧૩૪ રૂપિયા બંધ રહ્યો હતો. ગોલ્ડ-ગિની મે કૉન્ટ્રૅક્ટ પ્રથમ સત્રના અંતે ૧૦ વધીને ૮ ગ્રામદીઠ ૩૭૨૯૮ અને ગોલ્ડ-પેટલ મે કૉન્ટ્રૅક્ટ પ્રથમ સત્રના અંતે ૧ રૂપિયો વધીને ૧ ગ્રામદીઠ ૪૬૩૦ રૂપિયા થયા હતા, જ્યારે સોનું-મિની જૂન વાયદો ૧૦ ગ્રામદીઠ ૩૦ ઘટીને બંધમાં ૪૬૧૧૭ રૂપિયાના ભાવ રહ્યા હતા.

ચાંદીના વાયદાઓમાં ચાંદી જુલાઈ કૉન્ટ્રૅક્ટ કિલોદીઠ ૪૩૧૩૩ ખૂલી, ઉપરમાં ૪૩૬૫૫ અને નીચામાં ૪૩૧૦૧ રૂપિયાના સ્તરને સ્પર્શી પ્રથમ સત્રના અંતે ૨૧૨ વધીને ૪૩૩૩૫ રૂપિયા બંધ રહ્યો હતો. ચાંદી-મિની જૂન ૧૨૯ વધીને ૪૩૬૨૩ અને ચાંદી-માઇક્રો જૂન ૧૫૦ વધીને ૪૩૭૨૩ રૂપિયા બંધ રહ્યા હતા.

ડૉલર નબળો, રૂપિયો વધ્યો
વૈશ્વિક બજારમાં નબળો પડેલો ડૉલર અને શૅરબજાર જેવાં જોખમી સાધનોમાં વધી રહેલા આકર્ષણને કારણે આજે ભારતીય રૂપિયો વધીને બંધ આવ્યો હતો. આજે રૂપિયો ડૉલર સામે ૭૫.૩૬ની મજબૂત સપાટીએ ખૂલ્યા પછી થોડો નરમ પડીને ૭૫.૫૪ની સપાટીએ બંધ આવ્યો હતો જે આગલા બંધ કરતાં ૧૮ પૈસાની વૃદ્ધિ દર્શાવે છે. વૈશ્વિક બજારમાં ડૉલર ઇન્ડેક્સ આજે ફરી ઘટીને ૯૯.૮૪ થઈ ગયો હતો.

business news