શૅરબજાર માઇન્ડગેમ છે, પોતાના સહિત દરેકના અનુભવોથી શીખો

22 December, 2025 09:57 AM IST  |  Mumbai | Jayesh Chitalia

સાઇકોલૉજિકલ ગેમ જેવા શૅરબજારને સમજવા માટે ગ્લોબલ અનુભવીઓ-નિષ્ણાતોનાં એકેએક વિધાનને સમજવાં જોઈએ. આ એકેએક વિધાનમાં સમજણનો સાર આવી જતો હોય છે. જાતઅનુભવથી સોનામાં સુગંધ ભળે, પરંતુ ઘણા જાતઅનુભવ બાદ પણ ભૂલ કરતા હોય છે.

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

શૅરબજાર આર્થિક ફન્ડામેન્ટલ્સ પર ચાલે છે? પ્રવાહિતા પર ચાલે છે કે સેન્ટિમેન્ટ પર? આમ તો બજાર માટે આ ત્રણેય પાયાનાં પરિબળો છે, પરંતુ રોકાણકારનો વ્યક્તિગત સવાલ આવે છે ત્યાં તેનું મન, સ્વભાવ અને માનસિકતા મહત્ત્વની ભૂમિકા ભજવે છે. આપણે બજારને ચંચળ કહીએ છીએ, પણ ખરેખર આપણું મન વધુ ચંચળ હોય છે. એથી જ માર્કેટ વ્યક્તિગત, ખાસ કરીને રીટેલ રોકાણકારો માટે માઇન્ડગેમ બની જાય છે અને એની અસર માર્કેટ-બિહેવિયર પર પણ થાય છે.

ઇન્વેસ્ટર્સને કાયમ થતા સવાલો

શૅરબજારમાં શું ખરીદવું? કયારે ખરીદવું? ક્યાં સુધી રાખવું? ક્યારે વેચી દેવું? ફલાણો શૅર લેવાય? કેટલા સમય માટે રખાય? શૅરબજારની બૉટમ શું માનીને ચાલવું? બજાર ઊંચામાં ક્યાં સુધી જઈ શકે? મ્યુચ્યુઅલ ફન્ડ કયા સારા? મ્યુચ્યુઅલ ફન્ડની કઈ યોજના સારું વળતર આપે? શેમાં રોકાણ કરાય? SIP કયા બેસ્ટ? હાલ કયા સેક્ટરમાં રોકાણ કરવામાં લાભ ગણાય? આવા સવાલોની યાદી બહુ લાંબી થઈ શકે છે. આ પ્રકારના સવાલો વર્ષોથી થતા રહ્યા છે, ભરપૂર તેજીમાં પણ સવાલો થાય, આકરી મંદીમાં પણ આવા સવાલો થતા રહે છે. અનેક વાર બજારમાં નાનાં-મોટાં કૌભાંડો થતાં હોય છે, નાની-મોટી ગેરરીતિ થતી રહે છે. જૂના રોકાણકારો ચોક્કસ કડવા અનુભવો બાદ બજાર છોડી દે છે, ચોક્કસ સમયે નવા રોકાણકારો કમાવા માટે આવતા જાય છે અને ઘણી વાર ફરી તેજી વેગ પકડે ત્યારે જૂના રોકાણકારો પણ પાછા ફરતા હોય છે. આ ચક્ર ચાલતું જ રહે છે. છેલ્લાં અમુક વર્ષોમાં તો નવા રોકાણકારોના આગમનમાં જબ્બર ઉછાળો આવ્યો છે. નવા રોકાણકારો નવી જનરેશનના પણ છે. તેમનો માર્કેટને જોવા-સમજવાનો રવૈયો પણ જુદો હોય છે. એથી થોડા નવા પરિપ્રેક્ષ્યમાં આ દરેક સવાલો અને એની પાછળનાં સાઇકોલૉજિકલ કારણો સમજવાં જોઈએ.

માનસિકતામાં પરિવર્તન જરૂરી

શૅરબજારમાં નવા રોકાણકારોની સંખ્યા વધી રહી છે, પરંતુ માનસિકતા બહુ બદલાઈ નથી. મહદંશે જૂની જ રહી છે. એને કારણે દરેક વખતે રોકાણકારો એકની એક ભૂલો કર્યા કરે છે. શું તમે આમ કરો છો કે તમે બદલાયા છો? એ તમારે જ સમજવું પડશે. શૅરબજારને ઘણા લોકો માઇન્ડગેમ કહે છે તો ઘણા એને ઇન્વેસ્ટર્સ બિહેવિયર કહે છે. જેનો જેવો સ્વભાવ તેમને બજાર એવું લાગે અને તેઓ બજારમાં એ મુજબ સોદા અને રોકાણ કરે.

ગ્લોબલ અનુભવીઓનાં કથન

આ સંદર્ભમાં આપણે કેટલાક ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ ગુરુઓ-નિષ્ણાતોનાં વિધાનો જોઈએ, જેમાં વર્ષોના અનુભવો અને અભ્યાસનું ઊંડું ડહાપણ-શાણપણ હોય છે.

શૅરબજાર એ ધીરજની પરીક્ષાનું મેદાન છે. જેટલી ધીરજ વધુ એટલી સંપત્તિ વધવાની શક્યતા વધુ. કહો, તમારામાં કેટલી ધીરજ છે? માર્કેટ એક્સપર્ટ જણાવે છે કે પ્રથમ તમારે વ્યૂહાત્મક અલોકેશન કરવું જરૂરી છે, બોલો તમે તમારા રોકાણનું આવું અલોકેશન કર્યું છે? શેમાં અને કેટલું? આવી જ બીજી પાયાની વાત, તમે શૉર્ટ ટર્મ, મીડિયમ ટર્મ કે લૉન્ગ ટર્મ રોકાણકાર છો? આ સવાલનો જવાબ પણ તમારી સફળતાને ઘડવામાં નિમિત્ત બનશે. સ્પષ્ટ સત્ય એ છે કે લૉન્ગ ટર્મ જ શ્રેષ્ઠ છે. બાકી બધી ઊછળકૂદ છે, એને વૉલેટિલિટી કે ચંચળતા પણ કહેવાય છે. મજાની વાત એ છે કે બજારને આપણે વૉલેટાઇલ-ચંચળ કહીએ છીએ, જ્યારે કે બજાર કરતાં વધુ ચંચળ-વૉલેટાઇલ આપણે હોઈએ છીએ જે નિર્ણયોમાં ફેરફાર કરાવ્યા કરે છે. એ ક્યારેક આડેધડ તેજીનું માનસ બનાવે છે તો ક્યારેક સમજ્યા વિના પૅનિકમાં આવી જાય છે. ખોટા કે કસમયે નિર્ણયો લઈને પોતાને ખોટના ખાડામાં લઈ જાય છે.

માનસિકતાની મથામણ

માનસિકતાની વાત આવે ત્યારે અનુભવીઓ કહે છે કે તેજીની બજારમાં લોકો ચણા-મમરાના ભાવના શૅર હીરાના ભાવે ખરીદે છે અને મંદીની બજારમાં હીરા જેવા શૅર માટે પણ ચણા-મમરા જેવા ભાવ આપવા તૈયાર થતા નથી. મોટા ભાગના રોકાણકારો સાચી સમજ વિના જ રોકાણ કરવાનું શરૂ કરી દે છે, તેઓ ભૂતકાળ તરફ જોવાની તસ્દી પણ લેતા નથી. કથિત લૉન્ગ ટર્મ ઇન્વેસ્ટરો માટે એક વિધાન બહુ વેધક છે જેમાં એક્સપર્ટ કહે છે કે જ્યાં સુધી માર્કેટ નીચે જતું નથી ત્યાં સુધી વિશ્વમાં દરેક લૉન્ગ ટર્મ ઇન્વેસ્ટર છે. સાચા લૉન્ગ ટર્મ રોકાણકારો માટે આ વાત લાગુ થતી નથી, પરંતુ દ્રાક્ષ હાથમાં ન આવતાં એ ખાટી છે એવું કહેનારા વર્ગ માટે છે.

શૅરબજારમાં સફળતા વિશે વાતો કે સલાહ આપતાં ઘણાં પુસ્તકો છે, પરંતુ આ જ વાતને એક વાક્યમાં કહેવી હોય તો સફળતા શિસ્તબદ્ધ, નિયમિત અને કન્સિસ્ટન્ટ (સાતત્યપૂર્ણ) ઍક્શનમાં છે, બિગ ઍક્શનમાં નથી.

ટૂંકી-લાંબી દૃષ્ટિ અને વૉલેટિલિટી

બિલ ગેટ્સના મતે આપણે આગામી બે વર્ષમાં આવનારા પરિવર્તનને વધુ પડતા અંદાજ (ઓવરએસ્ટિમેટ) સાથે મૂલવીએ કે જોઈએ છીએ, જ્યારે કે આગામી ૧૦ વર્ષમાં આવનારા બદલાવને વધુ પડતા નીચા અંદાજ (અન્ડરએસ્ટિમેટ) સાથે જોઈએ છીએ. અર્થાત્ સરળ શબ્દોમાં કહીએ તો આપણી ટૂંકી દૃષ્ટિ વધુ વિચારે છે અને લાંબી દૃષ્ટિ ઓછું વિચારે છે.

કહેવાય છે કે વૉલેટિલિટી એક એવો સંકેત છે જ્યારે લોકો અન્ડરલાઇંગ વૅલ્યુને સમજવામાં માર ખાઈ જાય છે. વૉલેટિલિટીની વાત વિશે જ્યૉર્જ સોરોસે કહ્યું હતું કે ઓછી વૉલેટિલિટીમાં આઉટપર્ફોર્મ કરવું અસંભવ છે. જ્યારે વૉલેટિલિટી વિશે વધુ એક એક્સપર્ટે કહ્યું હતું કે જે રોકાણકાર જાણે છે કે એ શું કરી રહ્યો છે તેના માટે વૉલેટિલિટી ઑપોર્ચ્યુનિટી ઊભી કરે છે.  
ગ્લોબલ એક્સપર્ટ માને છે કે અનુભવે મને એ શીખવા-સમજવા મળ્યું છે કે ક્રાઇસિસ કેટલી પણ બૂરી હોય, જો ઇન્વેસ્ટમેન્ટ સાઉન્ડ હશે તો એ આખરે વળતર આપશે જ. લાંબા ગાળાના રોકાણકારો આ હકીકતને સમજીને પોતાની ક્ષમતા અને વિવેકબુદ્ધિ સાથે નિર્ણય લે એ હિતાવહ છે.

business news sensex nifty share market stock market national stock exchange bombay stock exchange jayesh chitalia