મહારેરા હેઠળ પક્ષકારોને આપસી સમજૂતીથી વાદનો હલ લાવવાની સુવિધા પણ ઉપલબ્ધ છે

20 November, 2021 04:16 PM IST  |  mumbai | Parag Shah

મહારેરામાં કરાયેલી લોકોપયોગી જોગવાઈઓ વિશે આપણે વાત કરી રહ્યા છીએ. ઘર ખરીદનારાઓની સાથે સાથે બિલ્ડરોને પણ કોઈ તકલીફ હોય તો તેનું નિરાકરણ લાવવાનો આ કાયદાનો ઉદ્દેશ્ય છે.

પ્રતીકાત્મક તસવીર

મહારેરામાં કરાયેલી લોકોપયોગી જોગવાઈઓ વિશે આપણે વાત કરી રહ્યા છીએ. ઘર ખરીદનારાઓની સાથે સાથે બિલ્ડરોને પણ કોઈ તકલીફ હોય તો તેનું નિરાકરણ લાવવાનો આ કાયદાનો ઉદ્દેશ્ય છે. આજે આપણે કન્સિલિએશન તરીકે ઓળખાતી તકરાર નિવારણની પદ્ધતિ વિશે વાત કરીશું. અગાઉ આપણે રેરા ઑથોરિટી સમક્ષ કરાતી સુનાવણીની વાત કરી હતી. કન્સિલિએશન એ ખટલો ચલાવ્યા વગર આપસમાં સમજૂતીથી વાદનો અંત લાવવા માટેની પ્રક્રિયા છે.  
જેમની વચ્ચે વિવાદ હોય એ બન્ને પક્ષકારો કન્સિલિએશન હેઠળ પોતાના ઝઘડાની પતાવટ માટે કન્સિલિએટર પાસે જાય છે. કન્સિલિએટર બન્ને પક્ષોની રજૂઆત અલગ અલગ સાંભળે છે અને પછી બન્નેને ભેગા બેસાડીને એમની વચ્ચે સમાધાન કરાવવાનો પ્રયાસ કરે છે. 

કન્સિલિએટર વાસ્તવમાં તટસ્થ ત્રીજો પક્ષ હોય છે. તેઓ વાદ વિશે કોઈ ચુકાદો કે નિર્ણય આપી શકતા નથી, પરંતુ જેમની વચ્ચે વાદ હોય એ બન્ને પક્ષોને સાથે બેસાડીને એમની વચ્ચે વાદના નિરાકરણ માટે આપસી સમજૂતી કરાવવાનો એમનો પ્રયત્ન હોય છે.

આ રીતે પક્ષકારો ખર્ચના ખાડામાં ઊતર્યા વગર ઝડપથી વાદનો અંત લાવી શકે છે. આ પ્રક્રિયાને તકરાર નિવારણની વૈકલ્પિક પ્રક્રિયા પણ કહેવાય છે. 
મહારેરામાં ઑથોરિટીએ મહારેરા કન્સિલિએશન ઍન્ડ ડિસ્પ્યુટ રિઝોલ્યુશન ફોરમની સ્થાપના કરી છે. જેમને બાંધકામ હેઠળના પ્રોજેક્ટમાં ફ્લૅટ ફાળવવામાં આવ્યો હોય એ વ્યક્તિ, પ્રમોટર તથા રિયલ એસ્ટેટ એજન્ટ એ બધા વચ્ચે કોઈ પણ તકરાર થાય તો તેના ઝડપી ઉકેલ માટે આ વ્યવસ્થા ઉપયોગી સાબિત થઈ રહી છે. 

મહારેરા ઑથોરિટીએ હાલમાં એક પરિપત્રમાં કહ્યું છે કે ફરિયાદ કન્સિલિએશન બેન્ચ સમક્ષ જાય ત્યારે ફરિયાદ મળ્યાના એક સપ્તાહની અંદર બેન્ચે તમામ પક્ષકારોને પ્રથમ સુનાવણીની નોટિસ મોકલવાની રહેશે. ફરિયાદ મળ્યા બાદની આ પ્રથમ સુનાવણી પંદર દિવસની અંદર કરવાની રહેશે. પહેલી વારની સુનાવણી થયા બાદ પતાવટ માટે ઘણો લાંબો સમય નીકળી
જાય છે એવું ધ્યાનમાં આવતાં ઑથોરિટીએ ઝડપી ઉકેલ માટે કાર્યપદ્ધતિ દર્શાવી છે. 

મહારેરાએ કહ્યું છે કે કન્સિલિએશન બેન્ચ સમક્ષ આવેલી ફરિયાદની પ્રથમ સુનાવણી થઈ ગયા બાદ એનો નીવેડો પ્રથમ સુનાવણીથી ૬૦ દિવસની અંદર લાવવાનો રહેશે. જો એ વખતે એવું લાગે કે કેસમાં આપસી સમજૂતી થઈ શકે એમ નથી, તો ફરિયાદ સંબંધે કાર્યવાહી બંધ કરીને એ કેસ ૬૦ દિવસની અંદર મહારેરાને પાછો સુપરત કરવો. વળી જો કન્સિલિએશન બેન્ચને એવું લાગે કે ફરિયાદમાં પતાવટ થવાની સંભાવના વધતી જાય છે અને તેની શરતો ૬૦ દિવસની અંદર નક્કી થવાનું મુશ્કેલ છે, તો પક્ષકારોના હિતમાં ૬૦ દિવસ પછી પણ સુનાવણી ચાલુ રાખી શકાય છે. 

જોકે એ સ્થિતિમાં મહારેરાના સચિવને તેની જાણ કરવામાં આવવી જોઈએ. એટલું જ નહીં, ૬૦ દિવસ પછીનો વધારાનો સમય ફક્ત ૩૦ દિવસનો રહેશે. એ સંપૂર્ણ સમયગાળો પૂરો થયા બાદ જેની પતાવટ થઈ હોય અથવા પતાવટ લાવવાનું શક્ય બન્યું ન હોય એ બધી ફરિયાદો મહારેરાને સોંપવામાં આવવી જોઈએ, જેથી મહારેરા એનો

તથ્યોના આધારે યોગ્ય નિર્ણય લઈ શકે. મહારેરાને આ જાણ ૯૦ દિવસનો સમય પૂરો થયાના એક સપ્તાહની અંદર કરવાની હોય છે. આજની આપણી ચર્ચા પરથી જોઈ શકાય છે કે રેરા હેઠળ તકરાર નિવારણ માટેની વ્યવસ્થામાં ઘણો સુધારો થયો છે. આથી જેમને કોઈ પણ ફરિયાદ હોય એમણે કોઈ પણ સંકોચ રાખ્યા વગર મહારેરા હેઠળ ઉપલબ્ધ કન્સિલિએશનની સુવિધાનો ઉપયોગ કરવો જોઈએ. 

business news maharashtra