અમેરિકન ઇન્ફ્લેશન ઘટતાં બૉન્ડ બાઇંગ ઘટાડાની અનિશ્ચિતતાથી સોનામાં ઊથલપાથલ વધી

16 September, 2021 01:42 PM IST  |  Mumbai | Mayur Mehta

ચીનની ઇકૉનૉમિક રિકવરી ધીમી પડવાના રિપોર્ટને પગલે સોનાની ફિઝિકલ ડિમાન્ડ ઘટવાની ધારણા

પ્રતિકાત્મક તસવીર

અમેરિકન ઇન્ફલેશન ઘટતાં ફેડના બૉન્ડ બાઇંગના ઘટાડાના નિર્ણય અંગે ફરી અનિશ્ચિતતા સર્જાઈ હતી જેને કારણે સોનામાં ઊથલપાથલ વધી હતી. મંગળવારે એક તબક્કે સોનું ૧૮૦૮.૫૦ ડૉલર થયા બાદ બુધવારે દિવસ દરમિયાન ૧૮૦૦ ડૉલરની સપાટી તોડી હતી. મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનું પ્રતિ ૧૦ ગ્રામ ૨૩૮ રૂપિયા અને ચાંદી પ્રતિ કિલો ૨૭૫ રૂપિયા વધી હતી. 
વિદેશી પ્રવાહો
અમેરિકાનું ઇન્ફલેશન ઘટતાં ફેડના નિર્ણય અંગે ફરી અનિશ્ચિતતા સર્જાઈ હતી. ફેડની આગામી મીટિંગ આગામી સપ્તાહે યોજાઈ રહી છે જેમાં ટેપરિંગ (બૉન્ડ બાઇંગનો ઘટાડો) અંગે શું નિર્ણય લેવાય છે એની અનિશ્ચિતતા વધતાં સોનામાં લેવાલી વધી હતી. ગત સપ્તાહે આવેલા ડેટાને પગલે ફેડ ટેપરિંગ કરશે એવું નિશ્ચિત મનાતું હતું આથી સોનું ઘટ્યું હતું, પણ ફરી અનિશ્ચિતતા સર્જાતાં સોનું વધ્યું હતું. જોકે ચાંદી અને પ્લૅટિનમ ઘટ્યાં હતાં, પણ પેલેડિયમમાં ઘટ્યા ભાવથી સુધારો હતો. 
ઇકૉનૉમિક ઇન્ડિકેટર
ચીનના રીટેલ સેલ્સમાં ઑગસ્ટમાં ૨.૫ ટકાનો વધારો થયો હતો જે જુલાઈમાં ૮.૫ ટકાનો વધારો થયો હતો અને માર્કેટની ધારણા ૧૧.૫ ટકા વધારાની હતી. રીટેલ સેલ્સનો ગ્રોથ એક વર્ષના તળિયે પહોંચ્યો હતો. ચીનનું ઇન્ડસ્ટ્રિયલ પ્રોડક્શન ઑગસ્ટમાં ૫.૩ ટકા વધ્યું હતું જેમાં છેલ્લા ૧૩ મહિનાનો સૌથી ઓછો વધારો થયો હતો. ચીનનો જૉબલેસ રેટ ઑગસ્ટમાં ૫.૧ ટકા યથાવત રહીને ત્રણ મહિનાની ઊંચાઈએ પહોંચ્યો હતો. અમેરિકાનું ઇન્ફલેશન રેટ ઑગસ્ટમાં ઘટીને ૫.૩ ટકા રહ્યો હતો જે જૂન-જુલાઈમાં ૧૩ વર્ષની ઊંચાઈએ ૫.૪ ટકા હતો, મન્થ્લી ઇન્ફલેશન રેટ ૦.૩ ટકા ઘટ્યો હતો જેના વિશે માર્કેટની ધારણા ૦.૪ ટકા ઘટાડાની હતી અને જુલાઈમાં ઇન્ફલેશન મન્થ્લી ૦.૫ ટકા વધ્યો હતો. અમેરિકન જો બાઇડનની પૉલિટિકલ પાર્ટી ડેમોક્રૅટિક દ્વારા કૉર્પોરેટ ટૅક્સ ૨૧ ટકાથી વધારીને ૨૬.૫ ટકા અને કૅપિટલ ગેઇન ટૅક્સ વધારવાની ભલામણ હાઉસ ઑફ રિપ્રેઝન્ટેટિવમાં કરવામાં આવી હતી. આ દરખાસ્તમાં ચાલુ સપ્તાહે વૉટિંગ થશે. બાઇડન ઍડ્મિનિસ્ટ્રેશનની ૩.૫ ટ્રિલ્યન ડૉલરના હેલ્થ, એજ્યુકેશન અને કલાઇમેન્ટ ચેન્જ પૅકેજની ભરપાઈ માટે ટૅક્સ વધારાની દરખાસ્ત મૂકવામાં આવી હોવાનું મનાય છે. અમેરિકાની એક્સપોર્ટ પ્રાઇસ ઑગસ્ટમાં ૦.૪ ટકા વધી હતી જે જુલાઈમાં ૧.૧ ટકા વધી હતી અને માર્કેટની ધારણા ૦.૪ ટકા વધારાની જ હતી. અમેરિકાની એક્સપોર્ટ પ્રાઇસમાં સતત ૧૫મા મહિને વધારો નોંધાયો હતો. અમેરિકાની ઇમ્પોર્ટ પ્રાઇસ ઑગસ્ટમાં ૦.૩ ટકા ઘટી હતી જે ૧૧ મહિના પછી પ્રથમ વખત ઘટી હતી. અમેરિકાની મૉર્ગેજ ઍપ્લિકેશન ૧૦ સપ્ટેમ્બરે પૂરા થયેલા સપ્તાહના અંતે ૦.૩ ટકા વધી હતી. યુરો ઝોનમાં લેબર કોસ્ટ જૂન ક્વૉર્ટરમાં ૦.૧ ટકા ઘટી હતી. યુરો ઝોનનું ઇન્ડસ્ટ્રિયલ આઉટપુટ જુલાઈમાં ૧.૫ ટકા વધ્યું હતું જે સતત બે મહિના ઘટ્યા બાદ વધ્યું હતું અને માર્કેટની ૦.૬ ટકા વધારાની ધારણા કરતાં બમણું વધ્યું હતું. ફ્રાન્સનું ઇન્ફલેશન ઑગસ્ટમાં ૧.૨ ટકા વધીને ત્રણ વર્ષની ઊંચાઈએ પહોંચ્યું હતું. બ્રિટનનું પ્રોડ્યુસર્સ પ્રાઇસ ઇન્ફલેશન ઑગસ્ટમાં મન્થ્લી ૫.૯ ટકા વધીને ૧૦ વર્ષની ઊંચાઈએ અને વાર્ષિક ૩.૨ ટકા વધીને નવ વર્ષની ઊંચાઈએ પહોંચ્યું હતું. અમેરિકાના ઇન્ફલેશનના ડેટા ઘટીને આવતાં ફેડ દ્વારા બૉન્ડ બાઇંગના નિર્ણય અંગે ફરી અનિશ્ચિતતા ઊભી થતાં સોનું સુધર્યું હતું. 
શૉર્ટ ટર્મ - લૉન્ગ ટર્મ
ચીનના નૅશનલ બ્યુરો ઑફ સ્ટેટસ્ટિકે જાહેર કરેલા રિપોર્ટ અનુસાર ઇકૉનૉમિક રિકવરી આગળ જતાં ધીમી પડી શકે છે અને હજી વધુ પગલાં જરૂરી છે, ખાસ કરીને ચીનનો રીટેલ સેલ્સનો ગ્રોથ એક વર્ષની નીચી સપાટીએ પહોંચ્યો હતો. ઉપરાંત ઇન્ડસ્ટ્રિયલ પ્રોડક્શનનો ગ્રોથ ૧૩ મહિનાના તળિયે પહોંચ્યો છે તેમ જ અનએમ્પ્લોયમેન્ટ રેટ છેલ્લા ત્રણ મહિનાથી ૫.૧ ટકાએ સ્થિર છે. ફિકસ્ડ એસેટ ઇન્વેસ્ટમેન્ટ ૨૦૨૧ના પ્રથમ આઠ મહિનામાં ધારણા કરતાં ઓછું થયું છે. આ તમામ પાસાઓ જોતાં ઇકૉનૉમિક રિકવરી ધીમી પડી શકે છે. ચીન વર્લ્ડનું સૌથી મોટું ગોલ્ડ કન્ઝ્યુમર્સ છે આથી ઇકૉનૉમિક રિકવરી ધીમી પડતાં સોનાની ફિઝિકલ ડિમાન્ડ પણ ઘટવાની શક્યતા વધી છે. અમેરિકા, ચીન અને વિશ્વના અનેક દેશોના ઇકૉનૉમિક ડેટા ઉપરાંત ફેડના સ્ટેન્ડ અંગેની અનિશ્ચિતતા જોતાં સોનું ટૂંકા ગાળા માટે રેન્જબાઉન્ડ રહ્યા બાદ ધીમી ગતિએ ઘટતું જશે. 

ભાવ તાલ

સોનું (૯૯.૯ ટચ, દસ ગ્રામ): ૪૭,૨૫૫
સોનું (૯૯.૫ ટચ, દસ ગ્રામ): ૪૭,૦૬૬
ચાંદી (.૯૯૯ ટચ, કિલોદીઠ): ૬૩,૦૮૧
(સોર્સઃઇન્ડિયન બુલિયન ઍન્ડ જ્વેલર્સ અસોસિએશન લિમિટેડ)

business news