​ક્રિપ્ટો માર્કેટની નબળી સ્થિતિને પગલે વધુ બે કંપનીઓ આર્થિક સંકટમાં

18 June, 2022 04:25 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આઇસી૧૫ ઇન્ડેક્સ ૧૮૬ પૉઇન્ટ ઘટ્યો

પ્રતીકાત્મક તસવીર

​ક્રિપ્ટોકરન્સી માર્કેટની નબળી સ્થિતિને લીધે એશિયાની ક્રિપ્ટો ફાઇનૅન્શિયલ સર્વિસિસ કંપની - બેબલ ફાઇનૅન્સ પણ મુશ્કેલીમાં આવી ગઈ છે. એની સાથે-સાથે થ્રી એરોઝ કૅપિટલ પણ સંકટમાં આવી ગઈ છે.  બેબલ ફાઇનૅન્સે ક્લાયન્ટ્સ દ્વારા કરાતા ઉપાડને અટકાવી દેવાયાનું શુક્રવારે જાહેર કર્યું હતું. તેણે પોતાની વેબસાઇટ પર નોટિસમાં લખ્યું હતું કે હાલના સંજોગોમાં બેબલ ફાઇનૅન્સને પ્રવાહિતાની અસાધારણ સમસ્યા નડી રહી છે. ગ્રાહકોનું રક્ષણ કરવા માટે પગલાં ભરાઈ રહ્યાં છે. હાલમાં કામચલાઉ ધોરણે રિડમ્પ્શન અને વિધડ્રૉઅલ બંધ કરી દેવાયાં છે. 
થ્રી એરોઝ કૅપિટલ ક્રિપ્ટોકરન્સીના સોદાઓ માટેનું માર્જિન નહીં ભરી શકતાં કટોકટીમાં આવી ગઈ હતી. ક્રિપ્ટોકરન્સીમાં આવેલા ઘટાડાની અસર તળે એની આ સ્થિતિ આવી ગઈ છે. સિંગાપોરસ્થિત આ કંપની ક્રિપ્ટો ઉદ્યોગમાં લૅન્ડિંગ અને ટ્રેડિંગના કામમાં અગ્રણી રહી છે. નોંધનીય છે કે આની પહેલાં સેલ્સિયસ કંપનીએ પણ ગયા સપ્તાહે વિધડ્રૉઅલ ટકાવી દીધાં હતાં. 
દરમ્યાન ક્રિપ્ટો માર્કેટનું કૅપિટલાઇઝેશન ૦.૧૮ ટકા વધ્યું છે. બીટકૉઇન ૦.૧૭ ટકા ઘટીને ૨૧,૦૧૦ ડૉલરના ભાવે ટ્રેડ થઈ રહ્યો છે. ઇથેરિયમમાં ૧.૩૧ ટકાના ઘટાડા સાથે ૧૦૯૬ ડૉલરનો ભાવ ચાલી રહ્યો છે.
અગાઉ, ક્રિપ્ટોવાયરે લૉન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રિપ્ટો ઇન્ડેક્સ – આઇસી૧૫ શુક્રવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ૨૪ કલાકમાં ૦.૬૮ ટકા (૧૮૬ પૉઇન્ટ) ઘટીને ૨૭,૦૪૦ પૉઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ ૨૭,૨૨૬ ખૂલીને ૨૭,૮૭૨ સુધીની ઉપલી અને ૨૬,૦૬૨ પૉઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.

business news