ટ્રમ્પ કોરોના-પૉઝિટિવ, ક્રૂડ ઑઇલ વાયદામાં ૩.૫ ટકાનો ઘટાડો

03 October, 2020 12:09 PM IST  |  Mumbai | Mumbai correspondent

ટ્રમ્પ કોરોના-પૉઝિટિવ, ક્રૂડ ઑઇલ વાયદામાં ૩.૫ ટકાનો ઘટાડો

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પ અને તેમનાં પત્નીને કોરોના વાઇરસની અસરના સમાચારની સાથે જ ક્રૂડ ઑઇલના ભાવમાં શુક્રવારે કડાકો બોલી ગયો હતો. અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી આડે હવે માત્ર ૩૩ દિવસ બાકી છે ત્યારે આ અહેવાલ આવતાં રાજકીય અનિશ્ચિતતાઓ વધી ગઈ હોવાથી કૉમોડિટીઝ બજારમાં વેચવાલી જોવા મળી રહી છે. આ ઉપરાંત ડેમોક્રેટ અને રિપબ્લિકન વચ્ચે અમેરિકામાં બીજા તબક્કાના સ્ટિમ્યુલસ માટેની વાટાઘાટમાં કોઈ ઉકેલ આવ્યો ન હોવાથી બજારમાં ચિંતા જોવા મળી રહી છે.
બ્રેન્ટ ક્રૂડ ઑઇલ વાયદો ૩.૫૭ ટકા ઘટી ૩૯.૪૭ અને નાઇમેક્સ ઉપર વેસ્ટર્ન ટેક્સસ ક્રૂડ ઑઇલનો વાયદો ૩.૫૧ ટકા ઘટી ૩૭.૩૬ ડૉલર પ્રતિ બૅરલની સપાટી પર જોવા મળી રહ્યો છે. સતત બીજા સપ્તાહે ક્રૂડ ઑઇલના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. આ સપ્તાહમાં બ્રેન્ટ વાયદો ૬ ટકા અને વેસ્ટર્ન ટેક્સસ વાયદો ૮ ટકા જેટલો ઘટી ગયો છે. કોરોના વાઇરસને કારણે ક્રૂડ ઑઇલની માગ નરમ રહેશે એવી આગાહી અને ગયા સપ્તાહે સાઉદી અરબ દ્વારા ભાવમાં કરવામાં આવેલા ઘટાડા બાદ ક્રૂડ ઑઇલમાં દરેક ઉછાળે વેચવાલી જોવા મળી રહી છે.
સપ્ટેમ્બરમાં ક્રૂડ ઑઇલનો ઓપેક તરફથી પુરવઠો ૧.૬૦ લાખ બૅરલ વધ્યો હોવાના આંકડા અને ઉપરથી માગ નબળી રહે એવી આગાહી છે. આ સ્થિતિમાં અમેરિકામાં સ્ટિમ્યુલસની અનિશ્ચિતતાને કારણે ભાવ નરમ હતા ત્યારે જ ટ્રમ્પની પોતે કોરોના-પૉઝિટિવ હોવાની જાહેરાત સાથે બજારમાં વેચવાલી આવી છે. 

business news donald trump coronavirus