07 March, 2025 06:54 AM IST | Washington | Gujarati Mid-day Correspondent
ડોનલ્ડ ટ્રમ્પ
અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પે ગઈ કાલે અમેરિકન કૉન્ગ્રેસને કરેલા સંબોધનમાં જણાવ્યું હતું કે બીજી એપ્રિલથી તેઓ ભારત અને ચીન સહિત ઘણા દેશો પર રેસિપ્રોકલ ટૅરિફ લાદવાના છે. તેમણે કહ્યું કે ‘હું આ ટૅક્સ પહેલી એપ્રિલથી નાખવાનો હતો, પણ હું એપ્રિલ ફૂલ્સ ડેના રોજ આ કામ કરવા માગતો નહોતો, કારણ કે હું ખૂબ અંધશ્રદ્ધાળુ વ્યક્તિ છું.’
ટ્રમ્પે આ જાહેરાત કરી ત્યારે અમેરિકી કૉન્ગ્રેસના સંભ્યોએ જોરદાર હાસ્ય કર્યું હતું.
કૅનેડા, ચીન અને મેક્સિકો પર પચીસ ટકા ટૅરિફ લાદ્યા બાદ ડોનલ્ડ ટ્રમ્પે આ જાહેરાત કરી છે. ટ્રમ્પે જણાવ્યું હતું કે ‘આ દેશોમાં અમેરિકન પ્રોડક્ટ પર ભારે ટૅક્સ વસૂલવામાં આવે છે અને એ અમેરિકનો સાથે યોગ્ય નથી. અનેક દેશોએ આપણા પર ઘણી ટૅરિફ નાખી છે જે યોગ્ય નથી, પણ હવે આપણો વારો છે. યુરોપિયન યુનિયન, ચીન, બ્રાઝિલ, ભારત અને ઘણા અન્ય દેશો આપણા પર ઘણા ટૅક્સ લાદે છે, જે યોગ્ય નથી. ભારત ૧૦૦ ટકા ટૅરિફ નાખે છે. ચીન બમણો તો સાઉથ કોરિયા ચાર ગણો ટૅક્સ નાખે છે. આ દોસ્ત અને દુશ્મનો બધા જ કરી રહ્યા છે. અમેરિકા માટે આ બરાબર નથી. આથી બીજી એપ્રિલથી રેસિપ્રોકલ ટૅક્સ નાખવામાં આવશે. તેઓ જે ટૅક્સ લગાવે છે, એવો જ ટૅક્સ અમે લગાવીશું.’