બજારમાં ટ્રેન્ડ તેજીનો, દોર કરેક્શનનો, મોટા ઘટાડા બાદ મૂડ ખરીદીનો

22 February, 2021 01:04 PM IST  |  Mumbai | Jayesh Chitalia

બજારમાં ટ્રેન્ડ તેજીનો, દોર કરેક્શનનો, મોટા ઘટાડા બાદ મૂડ ખરીદીનો

પ્રતીકાત્મક તસવીર

હવેના સમયમાં લોકલ કરતાં ગ્લોબલ સ્તરે જોખમની શક્યતા વધુ છે, લાર્જ કૅપના સ્થાને સ્મૉલ અને મિડ કૅપ સ્ટૉક્સ પર ધ્યાન વધી રહ્યું છે, તેજીનો ટ્રેન્ડ અકબંધ હોવા છતાં કોરોના અને પુનઃ લૉકડાઉનની ચિંતા વધી રહી હોવાથી પણ પ્રૉફિટ-બુકિંગનું માનસ બન્યું છે, બજાર વૉલેટિલિટી સાથે કરેક્શનનો દોર આ સપ્તાહમાં પણ ચાલુ રાખી શકે છે

વીતેલા સપ્તાહમાં કરેક્શનનું થોડું જોર ચાલ્યું ખરું, સતત વધતું બજાર ૫૨,૦૦૦ ઉપર જઈ ૫૧,૦૦૦ની નીચે આવ્યું. જોકે ટ્રેન્ડ તેજીનો છે. તેજી સાવ બંધ નહીં થાય, અટકી નહીં પડે. જ્યાં અટકશે ત્યાં નવી ખરીદીનો ડોઝ આવ્યા કરશે. વિદેશી રોકાણનો પ્રવાહ ઇમ્યુનિટી સ્વરૂપે  ચાલુ રહ્યો છે. બજારની ચાલ, તાલ અને હાલ જોતાં લાગે છે કે ગ્લોબલ પરિબળ અને પ્રૉફિટ-બુકિંગ કામ કરી રહ્યાં છે. માત્ર વિદેશી રોકાણકારોની મોટી અને એકધારી વેચવાલી જ માર્કેટને મોટા કરેક્શનના માર્ગ પર લઈ જઈ શકે, બાકી સેન્ટિમેન્ટ અને આર્થિક રિકવરીનાં પરિબળ સાથે તેજી જોખમના માર્ગે પણ ચાલતી રહેશે. ગયા સપ્તાહના ચાર દિવસમાં સેન્સેક્સ ૧૨૦૦ પૉઇન્ટ જેટલો નીચે ઊતરી ગયો હતો, જેને ખરેખર તો કરેક્શન કહી શકાય નહીં. આટલા ઊંચા વધારા બાદ આ ઘટાડો નાનો લાગે, જેથી આ સપ્તાહમાં કરેક્શન આગળ વધે તો નવાઈ નહીં.

તેજી છતાં નારાજી કેમ?

આ વખતની તેજીમાં એક આશ્ચર્યકારક અને આઘાતજનક ઘટના એ બની છે કે તેજી હોવા છતાં બહુ મોટો વર્ગ એનાથી રાજી નથી એવું પણ કહેવાય છે, કારણ કે આ વર્ગ સતત પોતે તક ચૂકી ગયાની લાગણી અનુભવી રહ્યો છે. કોરોનાના કપરા સંજોગોમાં બજાર વધશે, ગંભીર આર્થિક સ્થિતિ વચ્ચે બજાર વધશે, એ પણ સતત અને આટલી હદ સુધી વધશે એવી કલ્પના સુધ્ધાં કોઈને નહોતી. વધ્યા બાદ પણ બજાર ઊંચાઈએ ટકી શકશે એ વિશે પણ શંકા હતી, ત્યાં વળી બજાર સતત નવી ઊંચાઈ હાંસલ કરતું ગયું હતું, ૫૦,૦૦૦ના સેન્સેક્સે વળી એમ હતું કે હવે તો કરેક્શન પાકું, પરંતુ એ પછી એકાદ સપ્તાહના કરેક્શન બાદ બજારે પાછી ગતિ ધારણ કરી ૫૨,૦૦૦નું લેવલ પણ વટાવી દીધું હતું. નીચામાં ખરીદી કરશું, એવું કરેક્શનની રાહ જોઈ અનેક લોકો વિચારતા રહી ગયા હતા. આવો બહુ મોટો વર્ગ હાલ દુખી છે. બજાર જ્યારે કોરોના આક્રમણ સમયે તૂટ્યું અને બૉટમ બનાવી ત્યારના સમયમાં પૅનિકમાં આવી વેચાણ કરનારા પણ હાલ દુખી છે. 

૫૨,૦૦૦ની સપાટી વટાવી

ગયા સોમવારે સેન્સેક્સે ૫૨,૦૦૦ની સપાટી વટાવીને નવો વિક્રમ નોંધાવ્યો હતો. બજાર બંધ થતી વખતે સેન્સેક્સ ૬૧૦ પૉઇન્ટ વધીને ૫૨,૧૫૪ અને નિફ્ટી ૧૫૧ પૉઇન્ટ વધીને ૧૫,૩૧૫ બંધ રહ્યા હતા. છેલ્લા એક વર્ષથી બજાર નવી-નવી ઊંચાઈના લેવલનો રેકૉર્ડ બનાવતું જ જાય છે. જેટલી વાર કરેક્શનની ધારણા મુકાય છે એટલી વાર બજાર વધતું જાય છે. રોકાણકાર વર્ગ અને ટ્રેડર્સ વર્ગ પણ સતત આશ્ચર્યમાં છે કે બજાર ક્યાં સુધી આમ ને આમ વધતું રહેશે? કરેક્શન નહીં આવે તો આ ઊંચા લેવલે બાયર્સ ક્યાં સુધી આવતા રહેશે?  વાસ્તવમાં બાયર્સ વર્ગ પણ હવે ખરીદી કરતા મુંઝાય છે. વિદેશી રોકાણકારો બેધડક ખરીદી કરી રહ્યા છે, તેમને પોતાનાં કારણો છે. તેમની પાસે નાણાંની ભરપૂર પ્રવાહિતા હોવા ઉપરાંત ભારતીય અર્થતંત્રની રિકવરીમાં વધુ વિશ્વાસ જણાય છે. આગલા સપ્તાહમાં જાહેર થયેલા ઉત્પાદનની વૃદ્ધિના અને ફુગાવાના નીચા આંકડાએ પણ ઇકૉનૉમિક રિકવરીને બુસ્ટ મળી રહ્યો હોવાનો નિર્દેશ કર્યો હતો. જ્યારે કે સોમવારે હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ ડિસેમ્બરના ૧.૨૨ ટકા સામે જાન્યુઆરીમાં વધીને ૨.૦૩ ટકા થયો છે, પરંતુ ગયા વર્ષના જાન્યુઆરીની સામે એ નીચો રહ્યો છે. બૅન્કોના ખાનગીકરણની પ્રોસેસ આગળ વધી રહી હોવાના અહેવાલે બૅન્ક શૅરો-ફાઇનૅન્શિયલ સ્ટૉક્સ તેમ જ રિયલ્ટી શૅરો જોરમાં હતા.

પટકાઈને પાછું ફરતું બજાર

મંગળવારે પણ બજારે ૫૨,૦૦૦ની ઉપરની ગતિ ચાલુ રાખી હતી. ગ્લોબલ માર્કેટનાં પરિબળો સક્રિય કામ કરી રહ્યાં હોવાનું નોંધાયું હતું. જોકે એકંદરે બજાર વૉલેટાઇલ રહ્યું હતું. મોટા ઘટાડા બાદ રિકવર થઈને સાધારણ ઘટાડામાં બંધ રહ્યું હતું, જેમાં વળી સ્મૉલ અને મિડ કૅપ સ્ટૉક્સ તેજીમાં રહ્યા હતા. બુધવારે પણ માર્કેટની ચાલ ચંચળ રહી હતી. ઊંચેથી પાછું ફરતું બજાર નીચેથી પણ પાછું ફરી જતું હતું, કેમ કે શૉર્ટ ટર્મ ટ્રેડર્સ વર્ગ તરફથી નીચામાં તરત લેવાલી આવી જતી હતી. અર્થાત્ અફરાતફરી જોરમાં રહી હતી. જોકે સેન્સેક્સ ૫૨,૦૦૦ની નીચે અને નિફ્ટી ૧૫,૩૦૦ નીચે ઊતરી ગયા હતા. ગ્લોબલ સંકેત નબળા હતા તેમ જ ફાર્મા અને આઇટી સ્ટૉક્સ નીચે ઊતરી ગયા હતા, ખાસ કરીને પ્રૉફિટ-બુકિંગને કારણે આમ થયું હતું, જ્યારે કે બૅન્ક સ્ટૉક્સમાં રૅલી ચાલુ રહી હતી. સેન્સેક્સ ૪૦૦ પૉઇન્ટ તૂટીને ૫૧,૭૦૩ બંધ રહ્યો અને નિફ્ટી ૧૦૪ પૉઇન્ટ માઇનસ થઈ ૧૫,૨૦૯ બંધ રહ્યો હતો. સરકારે જે ચાર બૅન્કોને ખાનગીકરણ માટે અલગ તારવી છે એ ચારેયના સ્ટૉક્સમાં લેવાલીથી ભાવ ઊંચકાયા હતા. ગુરુવારે માર્કેટની શરૂઆત કરેક્શન સાથે થઈ હોવા ઉપરાંત સતત વૉલેટિલિટી રહી હતી. ગ્લોબલ સંકેત અને પ્રૉફિટ-બુકિંગની અસરે અંતમાં સેન્સેક્સ ૩૭૯ પૉઇન્ટ ઘટીને ૫૧,૩૨૪ અને નિફ્ટી ૯૦ પૉઇન્ટ ઘટીને ૧૫,૧૧૯ બંધ રહ્યા હતા.

નફો બુક કરવાનું અને સાવચેતીનું માનસ

શુક્રવારે બજારે ઘટાડાની ગતિ ચાલુ રાખતાં સેન્સેક્સ ૪૩૫ પૉઇન્ટ તૂટીને ૫૦,૮૮૯ બંધ રહ્યો અને નિફ્ટી ૧૩૭ પૉઇન્ટના ઘટાડા સાથે ૧૪,૯૮૧ બંધ રહ્યો હતો. ગ્લોબલ સંકેત નેગેટિવ બનતાં તેમ જ પ્રૉફિટ-બુકિંગ આવતાં આમ થયું હતું, જે સહજ ગણાય. કહેવાય છે કે રોકાણકારો પ્રૉફિટ-બુકિંગ કરીને નાણાં હાથ પર રાખવા માગે છે, જેથી હજી ઘટાડો ચાલુ રહે ત્યારે નવી ખરીદી કરે. આઇપીઓ માટે પણ નાણાં છુટાં કરાઈ રહ્યાં છે. ખાસ કરીને આ લેવલે નફો લઈ લેવામાં જ શાણપણ માનવામાં આવે છે, એથી માર્કેટના ઘટાડાની નવાઈ લાગવી જોઈએ જ નહીં. હજી પણ ન ઘટે તો ચોક્કસ નવાઈ લાગવી જોઈએ. અલબત્ત, આ સાથે કોવિડ-19ના નવા આક્રમણનો ભય કે ચિંતા પણ પાછાં ફર્યાં છે, જેની અસર હેઠળ પણ નફો બુક કરાયો હતો. નોંધપાત્ર વાત એ પણ ખરી કે લાર્જ કૅપ યા ઇન્ડેક્સ સ્ટૉક્સને બદલે હાલ સ્મૉલ અને મિડ કૅપ સ્ટૉક્સમાં લેવાલી વધી હતી અને પરિણામે આ બન્ને ઇન્ડેક્સમાં વધારો થયો હતો. વિદેશી રોકાણકારો ભલે સતત નેટ ખરીદી કરી રહ્યા હોય, પરંતુ હવે તેમને આ વૅલ્યુએશન ઊંચા લાગવા માંડ્યા છે, જેથી તેઓ હવે પછી સાવચેતીનો અભિગમ વધારે એવું બની શકે. અર્થાત્ આગામી દિવસોમાં પ્રૉફિટ-બુકિંગ જોર પકડે તો નવાઈ નહી. જોકે સ્થાનિક ફન્ડ્સ અને સંસ્થાઓ તો આમ પણ મોટે ભાગે નેટ સેલર્સ રહ્યાં છે. ઈન શૉર્ટ, કરેક્શન તેમ જ કન્સોલિડેશનનો સમય નજીક આવી રહ્યો છે, જ્યારે કે જેમને ખરીદવું છે તેમને આ કરેક્શનમાં તક દેખાશે એવું પણ બની શકે. બાય ધ વે, હવેના દિવસોમાં વૉલેટિલિટી પણ ચાલુ રહેશે એવો અંદાજ છે.

ક્વૉર્ટરલી પરિણામની કમાલ

કંપનીના ક્વૉર્ટરલી પરિણામ સતત સારાં રહ્યાં હોવાના કારણે પણ બજારને બુસ્ટ મળી રહ્યું છે. ડિસેમ્બર ક્વૉર્ટરનાં કૉર્પોરેટ પરિણામ ધ બેસ્ટ રહ્યાં છે. આશરે ૩૦૦૦થી વધુ કંપનીઓએ ૬૦ ટકાથી વધુ ચોખ્ખો નફો નોંધાવ્યો છે, જે છેલ્લાં નવ ક્વૉર્ટરમાં સૌથી શ્રેષ્ઠ રહ્યો છે. આમ થવાનું કારણ કંપનીઓનાં કોસ્ટ કટિંગનાં પગલાં તેમ જ તહેવારોમાં વધેલી ડિમાન્ડ અને વેચાણ પણ છે. લૉકડાઉન હળવું થતાં જતાં કંપનીઓની કામગીરીને વેગ મળતો રહ્યો હતો.

બૅન્ક સ્ટૉક્સની તેજી

શૅરબજારના ઉછાળામાં બૅન્ક સ્ટૉક્સનો ફાળો નોંધપાત્ર રહ્યો હતો, જેનું મૂળ કારણ સરકાર તરફથી કેટલીક બૅન્કોના ખાનગીકરણની થયેલી જાહેરાત છે. આ ઉપરાંત સરકાર બજેટમાં જણાવ્યાનુસાર એકાદ વીમા કંપનીના ખાનગીકરણની પણ દરખાસ્ત ધરાવે છે. પરિણામે બુધવાર-ગુરુવારે વીમા કંપનીઓના શૅરમાં પણ રસ વધ્યો હતો. સરકાર અત્યારે યુનાઇટેડ ઇન્ડિયા તેમ જ જીઆઇસી રિઇન્શ્યૉરન્સના ખાનગીકરણનો વિચાર કરે છે. આ સાથે વીમા સેક્ટરમાં વિદેશી રોકાણની મર્યાદા વધારવાની દરખાસ્ત પણ વીમા સેક્ટર માટે બુલિશ ગણાય છે, જેથી લાંબા ગાળાનો વ્યુ લઈ શકનાર રોકાણકારો આ સેક્ટર પર નજર અને રસ રાખી શકે છે.

(આ લેખમાં રજૂ થયેલા મંતવ્યો લેખકના અંગત છે, ન્યુઝપેપરના નહીં.)

business news jayesh chitalia