આઇએલઍન્ડએફએસના રવિ પાર્થસારથિને ત્રણ દિવસની કસ્ટડી

19 June, 2021 01:04 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ કેસ દેશના ઇતિહાસમાં સૌથી મોટાં આર્થિક કૌભાંડોમાંનો એક છે, એમ અદાલતને કહેવામાં આવ્યું હતું. 

મિડ-ડે લોગો

આઇએલઍન્ડએફએસના ૧ લાખ કરોડ રૂપિયાના કૌભાંડ સંબંધે પકડાયેલા રવિ પાર્થસારથિને વિશેષ અદાલતે ત્રણ દિવસની પોલીસ કસ્ટડીમાં રાખવાનો હુકમ કર્યો હતો. તામિલનાડુ પ્રોટેક્શન ઑફ ઇન્ટરેસ્ટ્સ ઑફ ડિપોઝિટર્સ (ઇન ફાઇનૅન્શિયલ એસ્ટાબ્લિશમેન્ટ) ઍક્ટ, ૧૯૯૭ હેઠળની વિશેષ અદાલતમાં ચેન્નઈની ઇકૉનૉમિક ઓફેન્સીસ વિંગે (ઈઓડબ્લ્યુ) કહ્યું હતું કે પાર્થસારથિને કસ્ટડીમાં રાખીને પૂછપરછ કરવાથી અત્યાર સુધી છૂપી રહેલી અનેક વિગતો બહાર આવી શકશે, કારણ કે તેઓ સમગ્ર કેસમાં પ્રત્યક્ષપણે સંડોવાયેલી વ્યક્તિ અને મુખ્ય ષડ્યંત્રકાર છે. 
આ આરોપીએ અન્ય વ્યક્તિઓની સાઠગાંઠથી વિપુલ પ્રમાણમાં નાણાંની ઉચાપત કરી છે. એમના રિમાન્ડ અત્યારે ઘણા જરૂરી છે. આ કેસ દેશના ઇતિહાસમાં સૌથી મોટાં આર્થિક કૌભાંડોમાંનો એક છે, એમ અદાલતને કહેવામાં આવ્યું હતું. 
નોંધનીય છે કે ચેન્નઈ પોલીસની આર્થિક ગુના શાખા (ઈઓડબ્લ્યુ)એ ૬૩ મૂન્સ ટેક્નૉલૉઝીસની ફરિયાદના આધારે રવિ પાર્થસારથિની ધરપકડ ૯ જૂને મુંબઈથી કરી હતી. ૧૪ જૂને એમને પંદર દિવસની અદાલતી કસ્ટડીમાં મોકલવાનો હુકમ કરાયો હતો. પોલીસ કસ્ટડી ૧૬થી ૧૮ જૂન સુધીની હતી. પાર્થસારથિ ભૂતપૂર્વ નાણાપ્રધાન પી. ચિદમ્બરમ સાથે ઘરોબો ધરાવતા હોવાનું કહેવાય છે. તેમણે આગોતરા જામીન માટે કરેલી અરજીને મદ્રાસ હાઈ કોર્ટે ફગાવી દીધા બાદ તેમની ધરપકડ કરવામાં આવી હતી. 

business news