વધતા વ્યાજદરની સ્થિતિમાં ડેટ ફન્ડ વિશે આટલું જાણી લેવું અગત્યનું છે

02 February, 2023 02:58 PM IST  |  Mumbai | Amit Trivedi

તમે ફિક્સ્ડ ડિપોઝિટ પરનું ૭ ટકાનું જે વ્યાજ કહો છો એ ભવિષ્યમાં મળનારું વ્યાજ છે, જ્યારે ફિક્સ્ડ ઇન્કમ ફન્ડ્સમાં જે વળતરની વાત થઈ રહી છે એ ૩થી ૬ ટકાનું વળતર ભૂતકાળનું કહેવાય

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)

ડેટ ફન્ડમાં રોકાણ કરનાર એક વ્યક્તિએ મને હાલમાં કહ્યું હતું, ‘મારે ડેટ ફન્ડમાં રોકાણ કરવાનો શું અર્થ? મેં ત્રણ વર્ષ પહેલાં અમુક ડેટ ફન્ડમાં રોકાણ કર્યું હતું. એ બધામાં ૬ ટકા કરતાં ઓછું વળતર મળ્યું છે. એમાંથી કોઈકમાં તો માત્ર ૩ ટકા વળતર છૂટ્યું છે. એની તુલનાએ આજે બૅન્કની ફિક્સ્ડ ડિપોઝિટમાં ૭ ટકા કરતાં વધુ દરે વ્યાજ મળી રહ્યું છે!’

તમે ૩ ટકા અને ૭ ટકાની તુલના કરતા હો તો ઉપરોક્ત દલીલ સાચી જણાય છે. જોકે આ સરખામણી કરવાનું એક રીતે બરાબર નથી. તમે ફિક્સ્ડ ડિપોઝિટ પરનું ૭ ટકાનું જે વ્યાજ કહો છો એ ભવિષ્યમાં મળનારું વ્યાજ છે, જ્યારે ફિક્સ્ડ ઇન્કમ ફન્ડ્સમાં જે વળતરની વાત થઈ રહી છે એ ૩થી ૬ ટકાનું વળતર ભૂતકાળનું કહેવાય. જો આપણે અલગ-અલગ પ્રોડક્ટ્સનાં ભવિષ્યનાં અંદાજિત વળતરની તુલના કરતાં હોઈએ તો ઉક્ત તર્ક બરાબર કહેવાય. ફિક્સ્ડ ડિપોઝિટ પરના વ્યાજની ગણતરી કરવી હોય તો ડેટ ફન્ડના સંભવિત વળતર સાથે જ એની તુલના કરવી જોઈએ. વળી, સરખામણી કરતી વખતે કરવેરાને ધ્યાનમાં લીધા બાદનું વળતર ગણવું જોઈએ. 

આ લેખમાં આપણે ડેટ ફન્ડનું વળતર અપાવનારી વસ્તુઓને સમજવાનો પ્રયાસ કરીશું. 

સૌથી પહેલાં આપણે ડેટ ફન્ડની મૂળભૂત વાત પર જઈએ. ડેટ ફન્ડ્સ સરકાર, બૅન્કો તથા જાહેર અને ખાનગી ક્ષેત્રની કંપનીઓએ ઇશ્યુ કરેલાં બૉન્ડ અને ડિબેન્ચર જેવી વ્યાજ ચૂકવનારી સિક્યૉરિટીઝમાં રોકાણ કરતાં હોય છે. આમાંથી અમુક સિક્યૉરિટીઝની પાકતી મુદત ટૂંકા ગાળાની અને અમુકની લાંબા ગાળાની હોય છે. ફન્ડ કયા પ્રકારની સિક્યૉરિટીઝમાં રોકાણ કરશે એનો નિર્ણય ફન્ડની શ્રેણી પર આધાર રાખે છે. દા.ત. ગવર્નમેન્ટ સિક્યૉરિટીઝ ફન્ડ કૉર્પોરેટ બૉન્ડમાં રોકાણ નહીં કરે અને લિક્વિડ ફન્ડ ટૂંકા ગાળામાં પાકનારી સિક્યૉરિટીઝમાં જ રોકાણ કરશે. 

સિક્યૉરિટીઝ પર મળતું વ્યાજ એ જ ડેટ ફન્ડના વળતરનો મુખ્ય હિસ્સો હોય છે. આ સિક્યૉરિટીઝ લિસ્ટેડ અને ટ્રેડેડ હોવાને લીધે એમનો એક બજારભાવ હોય છે. બજારભાવ પર અસર કરનારું મોટું પરિબળ એટલે અર્થતંત્રમાં ચાલી રહેલા વ્યાજના દર. આ વાતને આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ... 

આ પણ વાંચો :  મ્યુચ્યુઅલ ફન્ડ યોજનાઓને મળતા સ્ટાર શું દર્શાવે છે?

ધારો કે ‘ડિબેન્ચર-એ’ પાંચ વર્ષની પાકતી મુદત ધરાવે છે અને એમાં વાર્ષિક ૭ ટકાના દરે વ્યાજ ચૂકવવામાં આવે છે. જો એના જેવી જ સિક્યૉરિટી પર અર્થતંત્રમાં ૭.૨૫ ટકાના દરે વ્યાજ ચૂકવાતું હોય તો નવા રોકાણકાર માટે ‘ડિબેન્ચર-એ’નું આકર્ષણ ઘટી જાય. આ સ્થિતિમાં એના ભાવમાં ઘટાડો થઈ જશે. જો વ્યાજદર ‘ડિબેન્ચર-એ’ની તુલનાએ ઘટે તો ‘ડિબેન્ચર-એ’ વધુ આકર્ષક બની જાય અને એનો ભાવ પણ વધી જાય. 

જ્યારે ડિબેન્ચરના ભાવ વધે ત્યારે ફન્ડની મૂડીનું મૂલ્ય પણ વધી જાય અને એને પગલે નેટ ઍસેટ વૅલ્યુ (એનએવી) વધી જાય. બીજી તરફ, જો ડિબેન્ચરનો બજારભાવ ઘટી જાય તો ફન્ડની એનએવી પણ ઘટી જાય. 

આ ઉપરાંત ફન્ડને કેટલાક ખર્ચ પણ લાગુ પડતા હોય છે (જેની મર્યાદા સેબી મ્યુચ્યુઅલ ફન્ડ રેગ્યુલેશન્સ, ૧૯૯૬ હેઠળ નિર્ધારિત કરવામાં આવી છે).

ટૂંકમાં એમ કહી શકાય કે ડેટ ફન્ડમાં મળતા વળતરમાં ત્રણ બાબતો સામેલ હોય છે, જેના પરથી નીચે પ્રમાણેનું સૂત્ર તૈયાર થાય છે... 

ડેટ ફન્ડમાં મળતું વળતર = કમાયેલું વ્યાજ (જેને યીલ્ડ ટુ મૅચ્યોરિટી પણ કહેવાય છે) – ખર્ચ +/- એનએવીમાં થતો ફેરફાર (જે વધે તો કૅપિટલ ગેઇન અને ઘટે તો કૅપિટલ લોસ કહેવાય છે)
વર્ષ ૨૦૨૨માં શું થયું એના પર એક નજર કરીએ. વિશ્વભરમાં કેન્દ્રીય બૅન્કોએ વ્યાજદરમાં વધારો કર્યો છે. એમાં આપણી રિઝર્વ બૅન્ક પણ આવી જાય. આ સ્થિતિમાં વ્યાજની કમાણી વધારે થાય અને ડિબેન્ચરનો બજારભાવ ઘટે એને પગલે ફન્ડની એનએવીમાં ઘટાડો થાય. સાથે-સાથે ભાવમાં ઍડ્જસ્ટમેન્ટ થવા લાગે ત્યારે ફન્ડ અર્થતંત્રમાં પ્રવર્તમાન દરે જ વ્યાજ મેળવવા લાગે છે. આજની તારીખે મોટા ભાગનાં ડેટ ફન્ડ રોકાણકારોને સારું વળતર આપે એવી સાનુકૂળ સ્થિતિમાં છે. જોકે કોઈ પણ રોકાણ હંમેશાં જોખમ ધરાવતું હોય છે. આથી પ્રોફેશનલની સલાહ લઈને જ રોકાણ વિશે નિર્ણયો લેવા. 

business news amit trivedi