સિક્યૉરિટીઝના વ્યવહારો પર સ્ટૅમ્પ ડ્યુટી લાગુ થતાં જાણવા જેવી વાતો

06 July, 2020 03:28 PM IST  |  Mumbai Desk | Khyati Mashroo Vasaani

સિક્યૉરિટીઝના વ્યવહારો પર સ્ટૅમ્પ ડ્યુટી લાગુ થતાં જાણવા જેવી વાતો

પ્રતીકાત્મક તસવીર

શૅર, ડેટ સાધનો, કૉમોડિટીઝ તથા ઈટીએફ (એક્સચેન્જ ટ્રૅડેડ ફંડ) સિવાયની તમામ પ્રકારની મ્યુચ્યુઅલ ફંડ યોજનામાં થનારા બધા વ્યવહારો પર હવે સ્ટૅમ્પ ડ્યુટી લાગુ થઈ ગઈ હોવાથી પોર્ટફોલિયોમાં વારેઘડીએ ફેરફાર કરતા રહેવાનું મોઘું થઈ પડશે. ટૂંકમાં કહીએ તો વારંવાર ટૂંકા ગાળા માટે રોકાણ કરવામાં હવે આ એક સમસ્યા ઊભી થઈ છે. આથી જ એક દિવસ માટે કે અઠવાડિયા પૂરતું રોકાણ કરી લેનારા લોકોએ હવે એ લોભ ટાળવો પડશે એમ કહી શકાય.
નોંધનીય છે કે અત્યાર સુધી કંપનીઓ, બૅન્કો અને હાઈ નેટવર્થ ઇન્ડિવિજ્યુઅલ્સ એક દિવસ અને સપ્તાહ જેટલા ટૂંકા ગાળા માટે રોકાણ કરતા હતા.
આપણે આજે મ્યુચ્યુઅલ ફંડને સ્ટૅમ્પ ડ્યુટીની શું અસર થશે એના વિશે વાત કરીએ
સ્ટૅમ્પ ડ્યુટી પહેલી જુલાઈથી લાગુ થઈ ગઈ છે. સરકારે એના માટેનો સ્ટૅમ્પ ડ્યુટી ઍક્ટમાંનો કાનૂની ફેરફાર ગયા વર્ષે જાહેર કર્યો હતો. એની પહેલાં અલગ-અલગ રાજ્યોમાં અલગ-અલગ દરે શૅર અને કૉમોડિટીના વ્યવહારો પર સ્ટૅમ્પ ડ્યુટી લાગતી હતી. હવે સમાન દરે ડ્યુટી લાગુ કરવામાં આવી છે.
સ્ટૅમ્પ ડ્યુટીને પગલે સંબંધિત દસ્તાવેજ કાયદેસરનો બની જાય છે અને અદાલતમાં કાનૂની પુરાવા તરીકે ચાલે છે. પરિણામે, રોકાણના બધા વ્યવહારો હવે પારદર્શક રીતે થવા લાગશે અને કેન્દ્ર સરકારને આવક મળી જશે. સરકારે કરેલા ફેરફાર મુજબ સ્ટૅમ્પ ડ્યુટી તમામ પ્રકારની મ્યુચ્યુઅલ ફંડની ખરીદી (જેમાં એકસામટું રોકાણ, એસઆઇપી, એસટીપી અને ડિવિડન્ડ રિઇન્વેસ્ટમેન્ટ) પર લાગુ થશે. ડેટ હોય કે ઇક્વિટી, તમામ પ્રકારની મ્યુચ્યુઅલ ફંડ સ્કીમને આ ડ્યુટી લાગુ થશે.
અહીં આ બાબતે નોંધવાના મુખ્ય મુદ્દાઓ આ પ્રમાણે છે...
શૅર અને મ્યુચ્યુઅલ ફંડની ખરીદીમાં ૦.૦૦૫ ટકાની સ્ટૅમ્પ ડ્યુટી લાગુ થશે અને જો મ્યુચ્યુઅલ ફંડ યુનિટ્સનું ટ્રાન્સફર થશે તો ૦.૦૧૫ ટકા સ્ટૅમ્પ ડ્યુટી લાગશે.
મ્યુચ્યુઅલ ફંડના રોકાણકારોએ બે વખત સ્ટૅમ્પ ડ્યુટી સહન કરવી પડશે. એક વખત તેઓ મ્યુચ્યુઅલ ફંડના રોકાણમાં રોકાણકાર તરીકે પ્રવેશશે ત્યારે અને બીજી વખત જ્યારે ફંડ મૅનેજર યુનિટ્સની ખરીદીના વ્યવહાર કરશે ત્યારે. રોકાણકાર તરીકે તેણે જાતે એ ખર્ચ કરવો પડશે અને જ્યારે ફંડનાં યુનિટ્સની ખરીદી થશે ત્યારે ફંડના ખર્ચ (ટોટલ એક્સપેન્સ રેશિયો)માં એનો સમાવેશ થઈ જશે.
કેન્દ્રીય બજેટમાં કરાયેલી જોગવાઈ પ્રમાણે ડિવિડન્ડ ડિસ્ટ્રિબ્યુશન ટૅક્સ રદ થયો છે, પરંતુ એ ડિવિડન્ડ જ્યારે રોકાણકારના હાથમાં આવે છે ત્યારે એને લાગુ પડતા સ્લૅબ પ્રમાણે આવક તરીકે કરપાત્ર બને છે. હવે રોકાણકારોને ડિવિડન્ડ રિઇન્વેસ્ટમેન્ટ પ્લાન પ્રમાણે યુનિટ્સ ઇશ્યુ કરવામાં આવશે ત્યારે પણ સ્ટૅમ્પ ડ્યુટી લાગુ થશે. આ જ કારણસર રોકાણકારોએ હવે ડિવિડન્ડ રિઇન્વેસ્ટમેન્ટ સ્કીમને બદલે ગ્રોથ સ્કીમ પસંદ કરવી હિતાવહ રહેશે. રોકાણકાર આ ફેરફાર કરાવી શકે છે. નોંધનીય છે કે મ્યુચ્યુઅલ ફંડના રોકાણનું રિડમ્પ્શન કરાવવામાં આવે તો સ્ટૅમ્પ ડ્યુટી લાગુ થતી નથી.
જો કોઈ ફિઝિકલ યુનિટનું ડિમેટ મોડમાં રૂપાંતર કરાવો તો પણ સ્ટૅમ્પ ડ્યુટી લાગુ થતી નથી. એક દિવસ કે એક સપ્તાહ માટે જેઓ મ્યુચ્યુઅલ ફંડની ઓવરનાઇટ ફંડ સ્કીમ કે અલ્ટ્રા શૉર્ટ ટર્મ ડેટ સ્કીમમાં રોકાણ કરતાં તેમણે હવે વધારે ગણતરી કરીને નિર્ણય લેવો પડશે. સ્ટૅમ્પ ડ્યુટીને કારણે વળતરમાં થોડો ઘટાડો ચોક્કસ થશે. આ સ્ટૅમ્પ ડ્યુટીને કારણે એક ફાયદો એ થયો છે કે લોકો હવે લાંબા ગાળા માટે રોકાણ કરવાનું વધુ પસંદ કરશે અને પોર્ટફોલિયોમાં વારંવાર ફેરફાર કર્યા નહીં કરે.
khyati@plantrich.in

business news