વરિષ્ઠ નાગરિકો માટે આરોગ્ય વીમો કઢાવતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો

12 January, 2022 01:46 PM IST  |  Mumbai | Nisha Sanghvi

આજકાલ તબીબી વિજ્ઞાને પ્રગતિ કરી લીધી હોવાથી સરેરાશ આવરદા વધી ગઈ છે.

પ્રતીકાત્મક તસવીર

આજકાલ તબીબી વિજ્ઞાને પ્રગતિ કરી લીધી હોવાથી સરેરાશ આવરદા વધી ગઈ છે. વરિષ્ઠ નાગરિકોને લાંબા સમય સુધી આરોગ્ય વીમાની જરૂર પડી શકે છે. આથી આ વિષયે જરાપણ દુર્લક્ષ કરવા જેવું નથી. મોટી ઉંમરે બીમારીઓ આવવાનું જોખમ વધારે હોય છે એથી પૂરતી રકમનો મેડિક્લેમ પહેલેથી કરાવી લેવો જોઈએ. મોટી ઉંમરે કોઈ પણ વીમો કરાવવા જાઓ તો પ્રીમિયમ વધારે આવે છે. આથી નાની ઉંમરથી જ વીમો લઈ લેવો જોઈએ. 
બજારમાં વરિષ્ઠ નાગરિકો માટેના આરોગ્ય વીમાની વિવિધ પ્રોડક્ટ્સ ઉપલબ્ધ છે. એમાંથી કોની પસંદગી કરવી એ મુશ્કેલ સવાલ ઊભો થાય છે. આથી આજે આપણે પૉલિસી પસંદ કરતી વખતે ધ્યાનમાં રાખવાના અગત્યના મુદ્દાઓની વાત કરીશું.
પ્રી-મેડિકલ સ્ક્રિનિંગ વેઇવર : ઘણી હેલ્થ ઇન્શ્યૉરન્સ કંપનીઓ ખાસ વરિષ્ઠ નાગરિકો માટે ઘડેલા પ્લાનમાં મેડિકલ ટેસ્ટ કરાવવાની શરત રાખતી નથી. હાલના રોગચાળાના સમયમાં આ બાબતમાં કદાચ ફેરફાર કરવામાં આવી શકે છે. 
પ્રી-એક્ઝિસ્ટિંગ ડિસીઝ : વીમાધારકને પહેલેથી જ કોઈ બીમારી હોય તો એની સારવારનો ખર્ચ અમુક વેઇટિંગ પિરિયડ પછી જ મળે છે. સામાન્ય સંજોગોમાં આ પિરિયડ બેથી ચાર વર્ષનો હોય છે. કોઈ પણ વીમો લેતી વખતે પૂરેપૂરી પારદર્શકતા રાખીને સાચી માહિતી પૂરી પાડવી જોઈએ. આથી જ પ્રી-એક્ઝિસ્ટિંગ ડિસીઝ વિશે આરોગ્ય વીમા કંપનીને જાણ કરી દેવી જોઈએ. એ બીમારીઓનો ક્લેમ ક્યારથી કવર થશે એની સ્પષ્ટતા પહેલેથી જ કરી લેવાવી જોઈએ.
પ્રતીક્ષાના સમયગાળામાં ઘટાડો : સામાન્ય સંજોગોમાં દરેક કંપની પોતપોતાની રીતે વેઇટિંગ પિરિયડ નક્કી કરે છે. અમુક કંપનીઓએ વેઇટિંગ પિરિયડ લાગુ ન થાય અથવા તો ઓછો સમયગાળો લાગુ પડે એવું રાઇડર ધરાવતી કેટલીક પ્રોડક્ટ્સ તૈયાર કરી છે. આ રાઇડર હેઠળ વેઇટિંગ પિરિયડ ચાર વર્ષથી ઘટાડીને બે વર્ષનો અથવા તો એક વર્ષનો કરી દેવાય છે. કંપનીઓની નવીનતમ પ્રોડક્ટ્સમાં આ રાઇડર ઉપલબ્ધ હોય છે. વીમાધારકે એની ચકાસણી કરી લેવી.
કો-પે : મોટા ભાગની વીમા પ્રોડક્ટ્સ વરિષ્ઠ નાગરિકોને વીમો આપે છે, પરંતુ ૧૦થી ૩૦ ટકાનું કો-પે રાખે છે. જોકે કેટલીક પ્રોડક્ટ્સમાં કો-પે હોતું નથી, પરંતુ કો-પે સાથેની પ્રોડક્ટ્સની સરખામણીમાં તેમનું પ્રીમિયમ વધુ હોય છે. તમને ઓછા પ્રીમિયમની પૉલિસી મળતી હોય તો ખાસ એ પૂછી લેવું કે એમાં કો-પે છે કે નહીં અને છે તો કેટલું છે. આનું કારણ એ છે કે જેમાં કો-પે વધારે હોય એવી પૉલિસી તમને ઓછા પ્રીમિયમમાં ઑફર કરવામાં આવતી હોઈ શકે છે. 
પરવડે એટલું પ્રીમિયમ : પરવડે એટલા પ્રીમિયમની આરોગ્ય વીમો પૉલિસી લેવા માટે આવશ્યકતા મુજબની જ પ્રોડક્ટ પસંદ કરવી. તમે બેઝ કવર ઓછું રાખીને એના પર સુપર ટૉપ-અપ લઈ શકો છો. બેઝ કવર અને સુપર ટૉપ-અપ બન્નેની તારીખ સમાન અને કંપની પણ સમાન હોય એ વધુ સારું.
કરવેરાનો લાભ : જ્યારે સંતાન પોતાના પર આશ્રિત વરિષ્ઠ નાગરિક માતા-પિતા માટે આરોગ્ય વીમાના પ્રીમિયમની ચુકવણી કરે છે ત્યારે આવકવેરાની કલમ ૮૦ડી હેઠળ દર વર્ષે ૫૦,૦૦૦ રૂપિયા સુધીનું ડિડક્શન મળે છે.
પોર્ટિંગ : વ્યક્તિ જ્યારે નોકરી કરે ત્યારે ગ્રુપ ઇન્શ્યૉરન્સ પૉલિસી મળે છે. નિવૃત્તિ પછી એ પૉલિસી લાગુ રહેતી નથી. આવામાં કેટલીક કંપનીઓ ગ્રુપ પૉલિસીનું પોર્ટિંગ રીટેલ પૉલિસી તરીકે કરી આપે છે. અગાઉ જમા થયેલા લાભ સહિત અને મેડિકલ કરાવ્યા વગર પોર્ટિંગ કરી આપવામાં આવે છે. 
યોજનાઓ : નીચે મુજબની વીમા કંપનીઓ વરિષ્ઠ નાગરિકોની જરૂરિયાતોને પૂરી કરતી ચોક્કસ યોજનાઓ ધરાવે છે...
આદિત્ય બિરલા, બજાજ આલિયાન્ઝ, કૅર હેલ્થ ઇન્શ્યૉરન્સ, ચોલામંડલમ, ડિજિટ હેલ્થ ઇન્શ્યૉરન્સ, એડલવાઇસ, ફ્યુચર જનરાલી, ઇફકો ટોકિયો, કોટક મહિન્દ્રા, લિબર્ટી હેલ્થ ઇન્શ્યૉરન્સ, મણિપાલ સિગ્ના, મેક્સ બુપા, નૅશનલ હેલ્થ ઇન્શ્યૉરન્સ, ઓરિયેન્ટલ હેલ્થ ઇન્શ્યૉરન્સ, રાહેજા હેલ્થ ઇન્શ્યૉરન્સ, રિલાયન્સ હેલ્થ ઇન્શ્યૉરન્સ, રૉયલ સુંદર, એસબીઆઇ હેલ્થ, સ્ટાર હેલ્થ, તાતા એઆઇજી, યુનાઇટેડ ઇન્ડિયા અને યુનિવર્સલ સોમ્પો.

સવાલ તમારા…

મારાં માતા-પિતા ૭૫ અને ૮૦ વર્ષનાં છે. શું એમને આરોગ્ય વીમો મળી શકે છે?
મોટા ભાગની વીમા કંપનીઓ વરિષ્ઠ નાગરિકોને ૮૦ વર્ષની મહત્તમ પ્રવેશવય સુધી આરોગ્ય વીમો આપે છે. આથી તમે એ પ્રોડક્ટ્સનો લાભ લઈ શકો છો.

business news