જીવન વીમા પૉલિસી એજન્ટના લાભ માટે છે એ માનસિકતા બદલવાની જરૂર છે

24 November, 2021 04:03 PM IST  |  Mumbai | Priyanka Acharya

ભારતમાં આપણી એક ટિપિકલ વિચારસરણી હોય છે. કોઈ વીમા એજન્ટ આપણી પાસે આવે ત્યારે આપણે એવું જ વિચારીએ છીએ કે એમાં એનો જ લાભ છે.

પ્રતીકાત્મક તસવીર

અતુલકાકાએ થોડા દિવસ પહેલાં પોતાના વીમા સલાહકારને ફોન કરીને પૂછ્યું, જૂન ૨૦૨૨માં પાકનારી મારી પૉલિસીના કેટલા પૈસા મને મળવાના છે? સલાહકારે બે લાખ રૂપિયા મળવાના છે એવું જ્યારે કહ્યું ત્યારે કાકાના મનમાં વિચાર આવ્યો કે શું મેં ફક્ત બે લાખ રૂપિયા મેળવવા માટે વીસ વર્ષ સુધી નિયમિતપણે પ્રીમિયમ ચૂકવ્યું! આજે હું દર મહિને આટલા કમાઈ લઉં છું!
આ લેખ વાંચતી વખતે તમે પણ પોતાની પૉલિસીમાં કેટલા પૈસા મળવાના છે એની ગણતરી કરી જુઓ. શું તમને જે નાણાં મળવાનાં છે એ તમારી આજની આવક અને જીવનશૈલી સાથે મેળ ખાય છે? આ ઉદાહરણના આધારે એટલું કહેવાનું કે કોઈ પણ જીવન વીમા પૉલિસી લેતી વખતે નીચે જણાવેલા મુદ્દાઓ બાબતે જરૂરથી વિચાર કરવો. 
૧. ભારતમાં આપણી એક ટિપિકલ વિચારસરણી હોય છે. કોઈ વીમા એજન્ટ આપણી પાસે આવે ત્યારે આપણે એવું જ વિચારીએ છીએ કે એમાં એનો જ લાભ છે. આ માનસિકતાને કારણે આપણે પૉલિસીના લાભ સમજી શકતા નથી. ઊલટાનું આપણે પ્રીમિયમની રકમનો જ વિચાર કરીએ છીએ. આપણે આ માનસિકતાને બદલવાની જરૂર છે. વીમા એજન્ટ સાથેની વાતચીતમાં પોતાની આવક, વીમાની જરૂરિયાત, ભાવિ આયોજન એ બધા વિશે પ્રામાણિકપણે અને મોકળા મને વાતચીત કરવાની જરૂર હોય છે. 
૨. વીમાનું કવચ કેટલી રકમનું હોવું જોઈએ એ નિર્ણય ઘણો અઘરો હોય છે. આપણે પહેલાં પ્રીમિયમ નક્કી કરીએ છીએ અને પછી વીમાનું કવચ નક્કી કરીએ છીએ. આમ કરવાને બદલે જીવનના કયા તબક્કે કેટલી રકમની જરૂર પડશે અને પોતાના અકાળ અવસાનને લીધે એ લક્ષ્યમાં કોઈ આર્થિક સમસ્યા નડે નહીં એ માટે કેટલો વીમો લેવો એના વિશે વિચાર કરીને નિર્ણય લેવો. નિવૃત્તિ કેટલાં વર્ષ પછી છે અને એ વખતે કેટલાં નાણાંની જરૂર પડશે એનો પણ વિચાર કરીને આવશ્યકતા મુજબનો પેન્શન પ્લાન કે એન્ડોવમેન્ટ પૉલિસી લેવાં. 
૩. જીવન વીમાના પ્લાનમાં આજકાલ પાકતી તારીખે મોટી રકમ અથવા બધાં પ્રીમિયમ ચૂકવાઈ ગયા બાદ નિયમિતપણે કરમુક્ત આવક મળે એવા પ્લાન ઉપલબ્ધ છે. તમારા માટે કયો પ્લાન ઉપયોગી થશે એ નિર્ણય વીમા એજન્ટ સાથે વાતચીત કરીને જ લેવો હિતાવહ છે. વળી જ્યાં સુધી તમને ગણતરી સમજાય નહીં ત્યાં સુધી કોઈ પૉલિસી લેવી નહીં. ભવિષ્યમાં તમને અમુક પૉલિસી લીધાનો અફસોસ થવો જોઈએ નહીં (અહીં અતુલકાકાનું ઉદાહરણ ફરી યાદ રાખવા જેવું છે). તમારે ઓછું પ્રીમિયમ ભરીને વધુ વીમા કવચ અને ભવિષ્યમાં નિયમિત આવક મળે એવો પ્લાન પસંદ કર્યા બાદ જ આગળ વધવું. 
અહીં ખાસ કહેવાનું કે ઘણા પરિવાર બાળકોના ભાવિ માટેની પૉલિસીઓ લેતા હોય છે. જોકે આજકાલ શિક્ષણનો ખર્ચ એટલો વધારે છે કે પહેલેથી કોઈ મોટી રકમની પૉલિસી લેવાનું શક્ય બનતું નથી. આથી તમારા પરિવારમાં બાળકના ભાવિ માટે જેટલી રકમની આવશ્યકતા હોય એ રકમને ચારથી પાંચ ભાગમાં વહેંચી દેવી અને એની ઉંમરના અલગ-અલગ તબક્કે એક-એક પૉલિસી લેતાં જવું. બાળકની એક, પાંચ, આઠ, અગિયાર વર્ષની ઉંમરે લીધેલી અલગ-અલગ પૉલિસી એની અઢાર વર્ષની ઉંમરે એકસામટી મોટી રકમ મળે એ પ્રમાણેની લઈ શકાય.

સવાલ તમારા…

મને હાલમાં મારી એક પૉલિસીમાં સર્વાઇવલ બેનિફિટ મળવાનો હોવાનું વીમા કંપનીએ જણાવ્યું છે. મારે એ બેનિફિટ મેળવવા માટે શું કરવું પડશે?
ઘણી પૉલિસીમાં નિયમિત સમયાંતરે વીમાધારકને અમુક નિશ્ચિત રકમ મળે એવી સુવિધા હોય છે. જો પૉલિસીધારકનું અવસાન થાય તો નોમિનીને વીમાની સંપૂર્ણ રકમ મળે છે અને સર્વાઇવલ બેનિફિટનો સવાલ આવતો નથી. જીવંત પૉલિસીધારકને જ સર્વાઇવલ બેનિફિટ મળે છે. તમારે એ બેનિફિટની રકમ મેળવવા માટે સર્વાઇવલ બેનિફિટ ફોર્મ, કેવાયસીના દસ્તાવેજો અને કૅન્સલ્ડ ચેક વીમા કંપનીને સુપરત કરવાનાં રહે છે. વીમા સલાહકારની સાથે એ બધું કંપનીમાં મોકલી આપવું. જો સલાહકાર ન હોય તો જાતે જ દસ્તાવેજો કંપનીમાં સુપરત કરવા. 

business news