આર્થિક ક્ષેત્રે ૧૨ સાંધે ત્યાં ૧૩ તૂટે જેવી હાલત છે

21 October, 2019 09:27 AM IST  |  મુંબઈ | અર્થતંત્રના આટાપાટા- જીતેન્દ્ર સંઘવી

આર્થિક ક્ષેત્રે ૧૨ સાંધે ત્યાં ૧૩ તૂટે જેવી હાલત છે

પ્રતિકાત્મક તસવીર

મહારાષ્ટ્ર અને હરિયાણા વિધાનસભાની આજની ચૂંટણીઓ આ બે રાજ્ય સરકારો માટે કસોટીરૂપ છે તો કાશ્મીર મુદ્દે અભૂતપૂર્વ કૂનેહ અને હિંમત દાખવનાર કેન્દ્ર સરકાર માટે કસોટી રૂપ છે, ખાસ કરીને વડા પ્રધાન અને ગૃહપ્રધાન માટે અગ્નિપરીક્ષા જેવી છે. મોદી સરકાર માટે કાશ્મીરની સફળતાએ જે જુવાળ પેદા કર્યો છે તેને લીધે આ ચૂંટણીઓનાં પરિણામોનો અડસટ્ટો લગાવવો મુશ્કેલ નથી. તો બીજી તરફ આર્થિક મોરચે સરકાર ચોમેરથી ઘેરાયેલ છે. પછી તે આર્થિક વિકાસના દરની વાત હોય, ઔદ્યોગિક ઉત્પાદન, કોર સેક્ટરના ઇન્ડેકસની વાત હોય, નિકાસોની વાત હોય, ખાનગી વપરાશખર્ચ કે ખાનગી મૂડીરોકાણનો મુદ્દો હોય, બૅન્ક ધિરાણનો મુદ્દો હોય, સીપીઆઇના વધારાનો મુદ્દો હોય કે માળખાકીય સવલતો અને રિઅલ એસ્ટેટની વાત હોય.
ઔદ્યોગિક ઉત્પાદનનો ૧.૧ ટકાનો ઘટાડો તો છેલ્લાં સાત વરસનો સૌથી નબળો દેખાવ છે. તો મૂડીરોકાણની પ્રવૃત્તિઓના સૂચક એવા કેપિટલ ગુડ્ઝનું ઉત્પાદન સાત-આઠ મહિનાથી ઘટી રહ્યું છે. મૅન્યુફેકચરિંગ ક્ષેત્રના ૨૩ ઇન્ડસ્ટ્રિયલ ગ્રુપમાંથી ૧૫ જેટલા ગ્રુપનું ઉત્પાદન ઘટ્યું છે એટલે આ ઘટાડો વ્યાપક સ્વરૂપનો છે.
ડીઝલ અને ઇન્ડસ્ટ્રિયલ ફયુઅલનો સપ્ટેમ્બરનો વપરાશ છેલ્લાં બે વરસનો સૌથી નબળો દેખાવ છે.
ગ્રામ્ય વિસ્તારનો વપરાશ-ખર્ચ સપ્ટેમ્બર કવૉર્ટરમાં સાત વરસમાં સૌથી નીચો રહ્યો. ઉપરાંત પેકેજ્‍ડ કન્ઝયુમર ગુડઝના ગ્રામજનો દ્વારા થતા વપરાશનો દર છેલ્લાં સાત વરસમાં પ્રથમ વાર શહેરીજનો દ્વારા આ વસ્તુઓના વપરાશના દર કરતાં નીચો રહ્યો. કારણ શું? અનાજના ઘટતા ભાવોને લીધે કૃષિ ક્ષેત્રની આવકમાં થઈ રહેલ ઘટાડાને કારણે ગ્રામ્ય વિસ્તારની માગ ઘટી રહી છે. જમીનવિહોણા ખેતમજૂરોની હાલત તો વધુ ખરાબ છે. કિસાનો અને ખેતમજૂરો ગ્રામ્ય વિસ્તારના લગભગ બે-તૃતીયાંશ પરિવારોનું પ્રતિનિધિત્વ કરે છે.
આંકડાઓમાં વાત કરીએ તો શહેરી વિસ્તારના ૮ ટકાના વધારા સામે (ગયા વરસે ૧૪ ટકા) ગ્રામ્ય વિસ્તારોના વપરાશ ખર્ચમાં સપ્ટેમ્બર ક્વૉર્ટરમાં માત્ર પાંચ ટકાનો વધારો થયો (ગયા વરસે ૨૦ ટકા). સપ્ટેમ્બર મહિને નિકાસો ઘટી અને આયાતો વધી જે આર્થિક પ્રવૃત્તિઓનું ઘટેલું પ્રમાણ દર્શાવે છે.
સપ્ટેમ્બર મહિને સીપીઆઇ (છૂટક ભાવવધારો)નો ૪ ટકાનો ભાવવધારો (ઑગસ્ટમાં ૩.૩ ટકાનો) છેલ્લા ૧૪ મહિનાનો સૌથી ઊંચો વધારો છે. આ જ મહિને ડબલ્યુપીઆઇ (જથ્થાબંધ ભાવવધારો)માં માત્ર ૦.૩ ટકાનો (ઑગસ્ટમાં ૧.૧ ટકાનો) વધારો થયો જે છેલ્લા ૩૯ મહિનાનો સૌથી નીચો વધારો છે.
સીપીઆઇ અને ડબલ્યુપીઆઇના વિરોધાભાસી હલચલનું કારણ શું? તેમ જ તેનું મહત્ત્વ શું? એ જાણવા જેવું છે.
સીપીઆઇમાં ફૂડ આર્ટિકલનું વેઇટ ડબલ્યુપીઆઇ કરતાં વધારે હોવાથી ફૂડ આર્ટિકલના ભાવોનો પ્રભાવ સીપીઆઇ પર વધુ જોવા મળે છે. પરિણામે ડબલ્યુપીઆઇનો ફૂડ આર્ટિકલનો સપ્ટેમ્બર મહિનાનો વધારો (૭.૫ ટકા) સીપીઆઇના ફૂડ આર્ટિકલના વધારા (૪.૭ ટકા)કરતાં વધુ હોવા છતાં તે મહિને સીપીઆઇનો ઓવરઓલ ભાવવધારો (૪ ટકા) ડબલ્યુપીઆઇના ઓવરઓલ ભાવવધારા (૦.૩ ટકા) કરતાં અનેકગણો વધારે હતો.
બીજી તરફ ડબલ્યુપીઆઇમાં મૅન્યુફૅકચરિંગ પ્રોડકટનું વેઇટ ૬૪ ટકા જેટલું મોટું હોઈ તે ભાવોની હિલચાલની અસર ડબલ્યુપીઆઇ પર વધુ પડે છે.
સીપીઆઇનો વધારો વપરાશકારોની ખરીદશક્તિ ઘટાડે છે.
તો ડબલ્યુપીઆઇનો ઘટાડો (કે ઓછો વધારો) ઉત્પાદકો પ્રાઇસિંગ પાવર ગુમાવી રહ્યા હોવાનો સંકેત કરે છે.
છેલ્લા પાંચ મહિનાથી એટલે કે મે ૨૦૧૯થી (જુલાઈના અપવાદ સિવાય) સીપીઆઇ વધી રહ્યો છે, જ્યારે ડબલ્યુપીઆઇ ઘટી રહ્યો છે. એક બીજા અભ્યાસ પ્રમાણે સપ્ટેમ્બર આસપાસ આ બંને આંક વચ્ચેનો તફાવત સૌથી વધુ હોય છે. છેલ્લાં પાંચ વરસની વાત કરીએ તો સપ્ટેમ્બર ૨૦૧૫માં આ તફાવત સૌથી વધુ (૧૦ ટકા) હતો. (ડબલ્યુપીઆઇમાં માઇનસ ૫.૬ ટકા) જ્યારે સીપીઆઇમાં ૪.૪ ટકાનો વધારો.
આ વિરોધાભાસી વલણના ગંભીર પ્રત્યાઘાતો પડી શકે. ગયા સોમવારની કૉલમમાં કરેલ ઉલ્લેખ પ્રમાણે રિઝર્વ બૅન્ક દ્વારા ડિસેમ્બરના વ્યાજના દર ઘટાડાય તો તે ભાવવધારામાં પરિણમી શકે.
વૈશ્વિક બજારમાં સતત ઘટી રહેલ કૉમોડિટીઝના ભાવોને કારણે ડબલ્યુપીઆઇના વધારાનો દર ઘટી રહ્યો છે. સાથે સાથે સ્લોડાઉનની અસરને કારણે ઘટી રહેલ માગ પણ ડબલ્યુપીઆઇના વધારાના દરને ઘટાડવામાં સહાય કરે છે જે એક ગંભીર બાબત છે.
ડબલ્યુપીઆઇના આંકના ફેરફાર ઇમ્પોર્ટેડ ભાવવધારાનું કે ઘટાડાનું પણ પ્રતિબિંબ પાડે છે અને આર્થિક વિકાસના ખરા દરની ગણતરીમાં મહત્ત્વનો ભાગ ભજવે છે. જ્યારે સીપીઆઇનો ભાવવધારો ફૂડ આઇટમના વધતા ભાવોની અસર દેખાડે છે જે ગ્રાહક વર્ગની માગ પર સીધી અસર કરે છે.
અત્યાર સુધી આરબીઆઇ દ્વારા કરાતાં પૉલિસી રેટનું ટ્રાન્સમિશન ધીમું રહ્યું છે તેનું એક કારણ બૅન્કોનો ઊંચો ક્રેડિટ ડિપોઝિટ રેશિયો (સીડીઆર) છે જેને કારણે બૅન્કો ડિપોઝિટ પરના વ્યાજના દર ઘટાડી શકતી નથી. બૅન્કોનો સીડીઆર ૨૦૧૯ની શરૂઆતના ૭૭.૬ ટકામાંથી વધીને મિડ-માર્ચના ૭૮.૨ ટકા થયેલ. આ રેશિયો સપ્ટેમ્બરના અંતે ઘટીને ૭૫.૭ ટકા થયો છે, જેને કારણે બૅન્કો પાસેનાં રોકડ નાણાંની ઉપલબ્ધિ (લિક્વિડિટી) સુધરી છે. આ સ્થિતિમાં બૅન્કો ડિપોઝિટ પરના વ્યાજના દર ઘટાડીને ધિરાણ પરના વ્યાજના દર ઘટાડી શકવાની સ્થિતિમાં ગણાય.
સપ્ટેમ્બરના અંતે સીડીઆર ઘટવાનું કારણ શું? ૨૦૧૯ની શરૂઆતમાં બૅન્ક લોનો ૧૪.૫ ટકાના દરે જ્યારે ડિપોઝિટ ૧૦ ટકાના દરે વધતી હતી. સપ્ટેમ્બર ૨૦૧૯ના અંતે બૅન્ક લોન વધવાનો દર ઘટીને ૮.૮ ટકાનો (છેલ્લા એક વરસનો સૌથી નીચો) હતો જ્યારે ડિપોઝિટ વધવાનો દર થોડો ઘટીને ૯.૪ ટકાનો હતો.
બૅન્કો સામાન્ય રીતે લોન પરના વ્યાજના દર કરતાં ડિપોઝિટ પરના વ્યાજના દર ઝડપથી ઘટાડતી હોય છે. વ્યાજના દર વધારવાની બાબતમાં આ ક્રમ બદલાઈ જાય છે. સીડીઆર ઘટે એટલે બૅન્કો વ્યાજના દર ઘટાડવા સક્ષમ બને છે. પરિણામે લોન પરના વ્યાજના દર ઘટી શકે. તેમ ન કરે તો બૅન્કોના પ્રોફિટ માર્જિન વધે જે સામે એનપીએ માટે વધારાનાં નાણાંની જોગવાઈ કરી શકે અથવા તો તેમની બેલેન્સ શીટમાંથી એનપીએ રાઇટ ઑફ પણ કરી શકે.
સરકારે લીધેલાં અનેક પગલાઓ અને આર્થિક સુધારાઓનું મહત્ત્વ આ સંદર્ભમાં વધે છે. બૅન્કો વ્યાજના દર ઘટાડે અને અત્યાર સુધી કરાયેલ સુધારાઓને કારણે બૅન્કોની લિક્વિડીટી વધે અને તે દ્વારા થોડાઘણા પ્રમાણમાં થતા ધિરાણના વધારા દ્વારા મૂડીરોકાણ અને વપરાશ ખર્ચ વધે તો અર્થતંત્રમાં બદલાવ આવી શકે. સરકારને આમ કરવામાં કેટલી સફળતા મળે છે તે જોવું રહ્યું.
વિશ્વમાં ૧૪ ટકા ફૂડનું ઉત્પાદન ડિસ્ટ્રિબ્યુશન ચૅનલમાં ગ્રાહક સુધી પહોંચે તે પહેલાં નાશ પામે છે. સેન્ટ્રલ એશિયા અને સાઉથ એશિયામાં આ પ્રમાણ ૨૦ ટકા જેટલું છે. બીજી તરફ એફસીઆઇ પાસે અનાજનો ભરાવો થતાં ઊંચી સ્ટોરેજ કોસ્ટને કારણે મોંઘા થયેલ અનાજ પર સબસિડીનો બોજ વધે છે.
પૌષ્ટિક અનાજનું ઉત્પાદન વધારીને ખાનગી ટ્રેડનો રોલ કૃષિ પેદાશોમાં વધારીને અનાજની સ્થાનિક અછતને જલદી પહોંચી વળાય તથા નિકાસોની હરીફશક્તિ વધારી શકાય.
ઇન્ટરનૅશનલ ફૂડ પૉલિસી રિસર્ચ ઇન્સ્ટિટયૂટનો ગ્લોબલ હંગર ઇન્ડેકસ બાળકોમાં પ્રવર્તતી કુપોષણની સ્થિતિનો ખ્યાલ આપે છે. તેમાં ભારતની બગડતી જતી સ્થિતિ ચિંતા પ્રેરે તેવી છે. કાશ્મીર અને એના અન્ય રાજકીય એજન્ડા સાથે આર્થિક પરિસ્થિતિ સુધારવાના એજન્ડાને પણ સરકારે એટલું જ મહત્ત્વ આપવું પડશે.

business news