જથ્થાબંધ ભાવાંક ૭.૩૯ ટકાની આઠ વર્ષની ટોચ પર પહોંચ્યો

16 April, 2021 02:29 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ભારતમાં હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ (જથ્થાબંધ ભાવાંક) માર્ચ મહિનામાં ૭.૩૯ ટકા થઈ ગયો છે. આ સપાટી આઠ વર્ષની સર્વોચ્ચ છે.

ફાઈલ તસવીર

ભારતમાં હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ (જથ્થાબંધ ભાવાંક) માર્ચ મહિનામાં ૭.૩૯ ટકા થઈ ગયો છે. આ સપાટી આઠ વર્ષની સર્વોચ્ચ છે. ક્રૂડ ઑઇલ અને ધાતુના ભાવમાં થયેલી વૃદ્ધિને કારણે આ ભાવાંક વધ્યો છે. જોકે ગયા વર્ષે રાષ્ટ્રવ્યાપી લૉકડાઉનને લીધે આંકડાઓ બરાબર એકઠા કરી શકાયા નહીં હોવાથી એની તુલનાએ આ વર્ષે ભાવાંક વધુ ઊંચો જણાય છે. ફેબ્રુઆરી અને માર્ચ ૨૦૨૦માં આ ભાવાંક અનુક્રમે ૪.૧૭ ટકા અને ૦.૪૨ ટકા હતો. 

જથ્થાબંધ ભાવાંક ઊંચે જઈ રહ્યાનો આ ત્રીજો મહિનો છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે જણાવ્યા મુજબ માર્ચ ૨૦૨૧નો અંદાજિત આંક ૭.૩૯ ટકા છે. આની પહેલાં આટલો ઊંચો (૭.૪ ટકા) દર ઑક્ટોબર ૨૦૧૨માં નોંધાયો હતો. 

ગયા મહિને કઠોળ, ફળ અને ડાંગરના ભાવમાં વધારો થવાને લીધે ખાદ્યાન્ન ફુગાવો ૩.૨૪ ટકા હતો. ફેબ્રુઆરીની તુલનાએ માર્ચમાં શાકભાજીનો ફુગાવાનો દર ઘટ્યો હતો. માર્ચમાં કઠોળ અને ફળના ભાવમાં અનુક્રમે ૧૩.૧૪ ટકા અને ૧૬.૩૩ ટકાનો વધારો થયો હતો.
 
નોંધનીય છે કે માર્ચ ૨૦૨૧નો રીટેલ ફુગાવાનો દર ગયા સપ્તાહે જાહેર કરાયો હતો, જે ૫.૫૨ ટકા હતો. 

business news inflation