ઇકૉનૉમિક ગ્રોથ પ્રોજેક્શન વધતાં અમેરિકન ડૉલર સુધર્યો

28 January, 2021 11:29 AM IST  |  Mumbai | Mayur Mehta

ઇકૉનૉમિક ગ્રોથ પ્રોજેક્શન વધતાં અમેરિકન ડૉલર સુધર્યો

તસવીર સૌજન્ય જાગરણ

અમેરિકન પ્રેસિડન્ટ બાઇડન દ્વારા રજૂ થયેલા ૧.૯ ટ્રિ્લ્યન ડૉલરના રિલીફ પૅકેજમાં ઘટાડો થવાની શક્યતાએ વર્લ્ડ માર્કેટમાં સોનું-ચાંદી ઘટ્યાં હતાં, એને પગલે મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનું પ્રતિ ૧૦ ગ્રામ ૪૩૯થી ૪૪૧ રૂપિયા અને ચાંદી પ્રતિ કિલો ૯૫૩ રૂપિયા ઘટી હતી.
વિદેશી પ્રવાહો
અમેરિકન પ્રેસિડન્ટ બાઇડનની ૧.૯ ટ્રિલ્યન ડૉલરના રિલીફ પૅકેજની દરખાસ્તમાં કાપ મુકાવાની શક્યતાએ ડૉલર સુધરતાં સોનું બુધવારે વર્લ્ડ માર્કેટમાં ઘટ્યું હતું. જોકે ઘટાડો મર્યાદિત હતો, કારણ કે કોરોના વાઇરસના સંક્રમિત કેસની સંખ્યામાં ભારત સિવાયના મોટા ભાગના દેશોમાં કોઈ મોટો ઘટાડો જોવા મળ્યો નથી. મંગળવારે અમેરિકામાં દોઢ લાખ કેસ, બ્રાઝિલમાં ૬૩,૦૦૦, સ્પેનમાં ૩૬,૦૦૦, ફ્રાન્સમાં ૨૨,૦૦૦ અને બ્રિટનમાં ૨૦,૦૦૦ નવા કેસ ઉમેરાયા હતા. હજી પણ વર્લ્ડમાં રોજના ૧૫,૦૦૦થી વધુ લોકોનાં મોત થઈ રહ્યાં છે. ખાસ કરીને વૅક્સિનેશન માટે નવા પડકારો ઊભા થઈ રહ્યા હોવાથી કોરોના વાઇરસની અસર લંબાવાની શક્યતા દેખાઈ રહી છે.
ઇકૉનૉમિક ઇન્ડિકેટર
આઇએમએફ (ઇન્ટરનૅશનલ મૉનેટરી ફંડ)એ વર્લ્ડનું ઇકૉનૉમિક આઉટલુક ૨૦૨૧ માટે ખૂબ ફુલગુલાબી દેખાડ્યું હતું. આઇએમએફના રિપોર્ટ અનુસાર વર્લ્ડનો ઇકૉનૉમિક ગ્રોથ ૨૦૨૧માં ૫.૫ ટકા રહેવાની ધારણા છે, જે ૨૦૨૦માં માઇનસ ૩.૫ ટકા અને ૨૦૧૯માં ૨.૮ ટકા રહ્યો હતો. અમેરિકાનો ગ્રોથરેટ ૨૦૨૧માં ૪.૩ ટકા રહેવાની ધારણા છે, જે ૨૦૨૦માં માઇનસ ૩.૪ ટકા અને ૨૦૧૯માં ૨.૨ ટકા રહ્યો હતો. ૨૦૨૧માં ચીનનો ગ્રોથરેટ ૮.૧ ટકા (૨૦૨૦માં ૨.૩ ટકા, ૨૦૧૯માં ૬.૦ ટકા), ભારતનો ગ્રોથરેટ ૧૧.૫ ટકા (૨૦૨૦માં માઇનસ ૮.૦ ટકા, ૨૦૧૯માં ૪.૨ ટકા), યુરો એરિયાનો ગ્રોથરેટ ૨૦૨૧માં ૪.૨ ટકા (૨૦૨૦માં માઇનસ ૭.૨ ટકા, ૨૦૧૯માં ૧.૩ ટકા) અને એશિયન દેશોનો ગ્રોથરેટ ૨૦૨૧માં ૮.૩ ટકા (૨૦૨૦માં માઇનસ ૧.૧ ટકા અને ૨૦૧૯માં ૫.૪ ટકા) રહેવાનું પ્રોજેક્શન રજૂ થયું હતું. ઑક્ટોબરમાં આઇએમએફ દ્વારા રજૂ થયેલા પ્રોજેક્શનની સરખામણીમાં વર્લ્ડના ગ્રોથરેટમાં ૨૦૨૧ માટે ૦.૩ ટકાનો વધારો અને અમેરિકાના ગ્રોથરેટમાં બે ટકાનો વધારો કરતાં અમેરિકન ડૉલર મજબૂત બન્યો હતો, જેને કારણે સોનામાં વેચવાલીનું દબાણ વધ્યું હતું.
શૉર્ટ ટર્મ - લૉન્ગ ટર્મ ભાવિ
કોરોના વાઇરસની વૅક્સિનેશનનો આક્રમક પ્રોગ્રામ છતાં સંક્રમિત કેસની સંખ્યામાં જે રીતે વધારો થઈ રહ્યો છે એમાં જો ઘટાડો નહીં થાય તો આઇએમએફના જાન્યુઆરી મહિનાના પ્રોજેક્શનમાં આગામી મહિનાઓમાં મોટો ફેરફાર કરવાની નોબત આવી શકે છે. આઇએમએફે ફુલગુલાબી ગ્રોથનું પ્રોજેક્શન રજૂ કર્યું છે, જે સોનામાં મોટી તેજીને રોકશે. પ્રેસિડન્ટ પદે બાઇડન આવ્યા બાદ ઇકૉનૉમિક ક્રાઇસિસની સ્થિતિ માત્ર અમેરિકામાં જ નહીં, બલકે સમગ્ર વિશ્વમાં સ્ટેબલ થશે એ નક્કી છે, પણ જિઓપૉલિટિકલ રિલેશન બાબતે બાઇડનનો સ્પષ્ટ અભિપ્રાય આવવો બાકી છે. આથી સોનાની માર્કેટ હવે ધીમે-ધીમે દિશાવિહીન બની રહી છે. જો અને તો વચ્ચેની સ્થિતિમાં સોના-ચાંદીની માર્કેટમાં વધુ ગૂંચવાડો ઊભો થઈ શકે છે. લૉન્ગ ટર્મ સોનામાં તેજી થવાના ચાન્સિસ હજી બરકરાર છે, પણ હવે મોટી તેજી થવાની શક્યતા દિવસે-દિવસે નબળી પડી રહી છે.

business news