જુલાઈ કરતાં ઑગસ્ટમાં વ્યાપારખાધમાં વધારો

16 September, 2020 04:04 PM IST  |  Mumbai | Mumbai Correspondent

જુલાઈ કરતાં ઑગસ્ટમાં વ્યાપારખાધમાં વધારો

કરન્સી

સતત છઠ્ઠા મહિને ભારતની નિકાસ ઘટી જતાં ઑગસ્ટ મહિનામાં દેશની વ્યાપારખાધ જુલાઈ કરતાં વધી ગઈ છે. આ ઉપરાંત, ઑગસ્ટમાં નિકાસમાં ઘટાડો જુલાઈ કરતાં વધારે જોવા મળ્યો છે, જે દર્શાવે છે કોરોના મહામારીના કારણે જોવા મળી રહેલી માગવૃદ્ધિ હજી ટકાઉ નથી.

ઑગસ્ટ મહિનામાં દેશની નિકાસ ૧૨.૬૬ ટકા ઘટી ૨૨.૭ અબજ ડૉલર રહી હતી, જ્યારે આયાત ૨૬ ટકા ઘટી ૨૯.૪૭ અબજ ડૉલર રહી છે. જુલાઈ મહિનામાં નિકાસ ૧૦.૨૧ ટકા અને આયાત ૨૮.૪ ટકા ઘટી હતી. આ સાથે દેશની વ્યાપારખાધ (નિકાસ સામે આયાત) ૬.૭૭ અબજ ડૉલર રહી છે, જે જુલાઈમાં ૪.૮૩ અબજ ડૉલર હતી. ક્રૂડ ઑઇલ અને સોના સિવાયની નિકાસ પણ ૨૯.૬૧ ટકા ઘટી ૧૯.૩૫ અબજ ડૉલર રહી છે, જે જુલાઈમાં ૨૯.૧૫ ટકા ઘટી હતી.
એપ્રિલથી ઑગસ્ટ દરમિયાન દેશની નિકાસ ૨૬.૬૫ ટકા ઘટી ૯૭.૬૬ અબજ ડૉલર અને આયાત ૪૩.૭૩ ટકા ઘટી ૧૧૮.૩ અબજ ડૉલર રહી છે એટલે પાંચ મહિનાની ખાધ ૨૦.૭૨ અબજ ડૉલર જોવા મળી રહી છે.

નિકાસની મહત્વની ચીજોમાં જેમ્સ ઍન્ડ જ્વેલરીની નિકાસ ઑગસ્ટમાં ૪૩.૨૮ ટકા ઘટી છે. ડ્રગ્સ અને ફાર્માની નિકાસ ૧૭.૨૭ ટકા વધી છે. રસાયણોની નિકાસ ૪.૭૧ ટકા, એન્જિનિયરિંગ ચીજોની ૭.૬૯ ટકા, ઇલેક્ટ્રૉનિક્સ ૧૩.૮૪ ટકા, ટેક્સટાઇલ્સ ૧૪ ટકા અને પેટ્રોલિયમ ૩૯.૯ ટકા ઘટી છે. આ દર્શાવે છે કે દેશમાં હજી મૅન્યુફૅક્ચરિંગ ક્ષેત્રની હાલત કફોડી છે અને રોજગારીનું સર્જન કરતાં ક્ષેત્રોમાં વધારે ખરાબ હાલત જોવા મળી રહી છે.

આયાતની ચીજોમાં ઑગસ્ટ મહિનામાં કોલસો અને કોલન આયાત ૩૭.૮૩ ટકા, પેટ્રોલિયમ  અને ક્રૂડ ઑઇલ ૪૧.૬૨ ટકા, ઑર્ગેનિક કેમિકલ્સ ૧૮.૩૬ ટકા, હીરા-મોતી ૨૩.૬૮ ટકા, ઇલેક્ટ્રિક મશીનરી ૪૧.૫૮ ટકા, ઇલેક્ટ્રૉનિક્સ ગુડ્ઝ ૧૧.૬૭ ટકા ઘટી છે. આ દરેક ચીજોની આયાતના આધારે ભારતમાં એનું પ્રોસેસિંગ થાય, વૅલ્યુ એડિશન થાય અને એના વપરાશના ઉદ્યોગોમાં મંદીની અસર જોવા મળી રહી હોવાથી આયાતમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. 

business news